Aapnu Gujarat
બ્લોગ

વાજપેયી અને કરુણાનિધિ : યુગ પ્રવર્તકોની વિદાય

કોઈ એક સમયગાળાને યુગ કહેવા માટે લાંબો સમય જોઈએ. ભારતની આઝાદીને ૭૦ વર્ષ થઈ ગયા છે, ત્યારે હવે એટલો લાંબો સમયગાળો થઈ ચૂક્યો છે કે યુગ વિશે વાત કરી શકાય. આઝાદી પહેલાના સમયગાળાના ત્રણેક યુગ પાડી શકાય. ૧૮૫૭ સુધી ચાલેલી લડતનો એક યુગ. ગાંધીજી ભારત પર ફર્યા અને તેમણે ઉપાડેલી લડતનો યુગ. તે બંને સમયગાળા વચ્ચેનો એક યુગ. આઝાદી આવી અને લોકતાંત્રિક યુગ શરૂ થયો તેના થોડા સમયમાં જ ગાંધી અને સરદાર પટેલ જતાં રહ્યાં એટલે જવાહરલાલ નહેરુનો પ્રારંભિક યુગ શરૂ થયો.
અટલ બિહારી વાજપેયીના સંદર્ભમાં પણ જવાહરલાલ યુગને સતત યાદ કરાયો, કેમ કે યુવાન અટલ નહેરુ સમાજવાદમાં ઉછર્યા અને છતાં પ્રથમથી જ તેની સમાંતર ઊભી થઈ ગયેલી વિચારધારામાં અડગ રહીને આગળ વધતા રહ્યા. આઝાદી પછી બંધારણ બન્યું અને બંધારણ પછી પ્રથમ ચૂંટણીઓ યોજાઈ તે વખતે ચૂંટણી લડેલા બે દિગ્ગજ નેતાઓ એટલે કરુણાનિધિ અને વાજપેયી. બંનેનું રાજકીય જીવન પ્રથમ ચૂંટણીથી જ શરૂ થઈ ગયું હતું. તે પછી ૫૦ વર્ષ સક્રિય રાજકારણમાં બંને રહ્યા. બંનેના જીવનનો છેલ્લો દાયકો વૃદ્ધાવસ્થાને કારણે નિવૃત્તિનો, પણ તેમની હાજરીનો અહેસાસ થતો રહે તેવો.
આમ તો ૨૦૦૪માં ચૂંટણીમાં એનડીએની હાર પછી જ વાજપેયી નિવૃત્તિભણી હતા, પણ સમયાંતરે જાહેરમાં દેખાતા હતા. ૨૦૦૭ પછી જાહેરમાં દેખાવાનું પણ બંધ થઈ ગયું.પ્રથમ ચૂંટણી લડ્યા તે પહેલાં જ સ્પષ્ટ વિચારધારાના રંગે કરુણાનિધિ અને વાજપેયી બંને રંગાઈ ગયા હતા. કરુણાનિધિ દ્રવિડ વિચારધારામાં અને વાજપેયી આરએસએસના પ્રચારક તરીકે હિન્દુત્વની અને દ્રવિડના સંદર્ભમાં આર્યત્વની વિચારધારામાં. કરુણાનિધિ રાષ્ટ્રીય રાજકારણને બદલે તામિલનાડુના રાજકારણમાં જ સક્રિય રહ્યા, પણ તેમનો પ્રભાવ રાષ્ટ્રીય રાજકારણ પર પડતો રહ્યો. વાજપેયી પ્રથમથી જ રાષ્ટ્રીય રાજકારણમાં રહ્યા. કોઈ એક રાજ્ય સાથે તેમનો નાતો ન રહ્યો. પરંતુ તેમનો પ્રભાવ બિનહિન્દીભાષા રાજ્યોમાં પણ પડતો રહ્યો.
યુવાન અટલ અને યુવાન કરુણાનિધિને દિગ્ગજ નેતાઓ સાથે સીધું કામ કરવાનું મળ્યું હતું. અન્નાદુરાઇના ડીએમકે પક્ષમાં જોડાયા પછી, સંગઠનમાં કરુણાનિધિને મહત્ત્વનું સ્થાન હતું અને લેખક હોવાથી પ્રચારની જવાબદારી તેમને સોંપતા રહી હતી. જનસંઘની સ્થાપના થઈ ત્યારે સ્થાપક નેતા શ્યામા પ્રસાદ મુખરજીની સાથે કામ કરવા માટે આરએસએસે બે સ્વંયસેવકોને મોકલ્યા હતા – દિનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી.
વાજપેયીએ વિશેષ કરીને મુખરજીના સચિવ તરીકે નિકટ રહીને કામ કર્યું. મુખરજી અને અન્નાદુરાઇ બંને પ્રારંભિક દિગ્ગજ નેતાઓ બન્યા, જે બંને બિનકોંગ્રેસી, બિનનહેરુવિયન હતા. તેમણે એક આખી નવી પેઢી ઊભી કરવાનું શરૂ કર્યું હતું, જે આગળ જતા કોંગ્રેસના એકહથ્થુ શાસનને પડકારવાની હતી. મુખરજીનું કાશ્મીરમાં અવસાન થયું તે પછી નવી પેઢી ઝડપથી મોટી થઈ. તેમના અવસાનના એક દાયકા પછી જનસંઘના પ્રમુખ બનવા સાથે અટલ બિહારી વાજપેયી સૌથી અગ્રણી નેતાઓમાં આવી ગયા હતા. અન્નાદુરાઇના અવસાન પછી તેમના સ્થાને મુખ્યપ્રધાન બનીને કરુણાનિધિ પણ સૌથી અગ્રણી નેતાઓમાં આવી ગયા હતા.
યુવાની પૂરી કરીને ત્રીસીમાં પ્રવેશેલા બંને યુવાન નેતાઓ હવે ભારતીય રાજકારણના અગત્યના ચહેરા હતા. બંને આગળ જતા યુગસર્જક બનશે એવો અણસાર ત્યારે પણ ઘણાને આવી ગયો હતો. જોકે તે પછીના બે દાયકા સંઘર્ષમાં કામ કાઢવાના હતા.
વાજપેયીને હજી સત્તા નજીકથી પણ જોવા મળી નહોતી, કરુણાનિધિને સત્તા મળ્યા પછી ગુમાવવાનો વારો આવ્યો હતો. ડીએમકેમાં ભાગલા પડ્યા અને કરુણાનિધિએ લખેલી ફિલ્મોના હિરો એમ.જી. રામચંદ્રન એટલા લોકપ્રિય બની ગયા હતા કે કરુણાનિધિ તેમની સામે લડત આપી શકે નહોતા.
નહેરુ પછી કોંગ્રેસમાં પણ ભાગલા પડ્યા હતા અને ઇન્દિરા ગાંધી પણ લોકપ્રિયતા મેળવી શક્યા હતા એટલે વિપક્ષમાં રહીને તેમની સામે પણ લડત આપવી મુશ્કેલ લાગતી હતી. પણ વાજપેયી લડત આપતા રહ્યા હતા અને કટોકટી વખતે પણ ટક્કર આપી. કટોકટી પછી કોંગ્રેસ વિરોધી મોરચો તૈયાર કરનારા અગત્યના નેતાઓમાં વાજપેયી પણ હતા. જનસંઘ પણ નવા રચાયેલા જનતા મોરચામાં સામેલ થયો હતો. હવે સત્તા જોવાની તક વાજપેયીને પણ મળી. કટોકટી પછીની ચૂંટણીમાં જનતા મોરચાની સરકાર આવી અને તેમાં વાજપેયી વિદેશપ્રધાન બન્યા.
રામચંદ્રનના અવસાન સાથે તેમના પક્ષમાં પણ ફરી તડાં પડ્યા. રામચંદ્રનના પત્ની જાનકીની સામે રામચંદ્રનની ફિલ્મોમાં હિરોઇન રહી ચૂકેલા જયલલિતા ફાવ્યા અને તેમણે પક્ષ પર કબજો જમાવ્યો. પણ કરુણાનિધિને તક મળી ગઈ અને તેઓ ફરી સત્તા પર આવ્યા. કટોકટી પછી મળેલી તકને કારણે સત્તા તો મળી પણ જનતા મોરચામાં તડાં પડ્યા. અઢી જ વર્ષમાં સત્તા ગુમાવવી પડી. તે પછીના બે દાયકામાં કરુણાનિધિએ સત્તા મેળવી અને ગુમાવી, મેળવી અને ગુમાવી. રાષ્ટ્રીય કક્ષાએ પણ કોંગ્રેસે સત્તા મેળવી અને ગુમાવી, મેળવી અને ગુમાવી અને તેમાં હરીફ પક્ષે હંમેશા વાજપેયીએ સ્થાપેલો ભારતીય જનતા પક્ષ રહ્યો.
જનસંઘ હવે ભારતીય જનતા પક્ષ બની ગયો હતો. હવે આ પક્ષ વાજપેયીનો પક્ષ હતો. મુંબઈમાં ૧૯૮૦માં તેની સ્થાપના થઈ અને વાજપેયી તેના પ્રથમ અને લાંબો સમય પ્રમુખ રહ્યા. આગળ જતા તેમાં પણ અડવાણી જૂથનું વર્ચસ્વ વધ્યું હતું, પણ ત્યાં સુધીમાં વાજપેયીનું કદ જૂથબંધીથી મોટું થઈ ગયું હતું. ભાજપ વાજપેયીનો જ પક્ષ રહ્યો અને સત્તા મળી તે પહેલાં જ અડવાણી જૂથે જાહેરમાં કહ્યું હતું કે વડાપ્રધાન વાજપેયીએ જ બનશે. ખુદ અડવાણીએ આ જાહેરાત કરી હતી.
અને વાજપેયી વડાપ્રધાન બન્યા પણ ખરા. ૧૯૯૬માં ૧૩ દિવસ માટે, ૧૯૯૮માં ૧૩ મહિના માટે અને તે પછી તરત જ આવેલી ચૂંટણીમાં ફરી વિજેતા થઈને પાંચ વર્ષ પૂર્ણ કર્યા. પ્રથમવાર ભારતના રાજકારણમાં ખરા અર્થમાં બિનકોંગ્રેસી અને કોંગ્રેસથી તદ્દન વિરોધી વિચારધારાની વ્યક્તિ વડાપ્રધાન બની અને પાંચ વર્ષ પૂર્ણ કરી શકે. પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીથી લઈને ગોવડા અને ગુજરાલ સુધીના નેતાના મૂળિયા કોંગ્રેસમાં નીકળતા હતા.
તેથી જ ભલે પાંચ વર્ષ માટે જ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા અને ભલે તેમના કાર્યકાળ દરમિયાન અડવાણી જૂથની બોલબાલા રહી, પણ ઇતિહાસ એ જ યાદ કરશે કે ભારતમાં કોંગ્રેસના વડલા સામે એવડો જ વિશાળ વડલો ઊભો કરનારા વાજપેયી હતા. અને એથી જ ભારતીય લોકતાંત્રિક રાજકારણમાં હવે યુગની ગણતરી કરી શકાય તેમ છે. કરુણાનિધિ પહેલાં અને પછી એવો યુગ તામિલનાડુમાં પણ ગણાશે.
જનસંઘ-ભાજપ-સંઘ માટે પણ વાજપેયી યુગ અગત્યનો રહેશે. ૧૯૮૦માં જનસંઘની જગ્યાએ ભાજપની સ્થાપના થઈ તેને વાજપેયી યુગ ગણવો રહ્યો. વાજપેયી પહેલાંનો જમણેરી રાજકારણનો યુગ, ૧૯૮૦થી વાજપેયીનો યુગ અને ૨૦૧૪ પછી વાજપેયી પશ્ચાતનો યુગ ગણાતો રહેશે.
ભારતીય રાજકારણમાં (જવાહરલાલ) નહેરુ-ગાંધી (ઇન્દિરા) યુગ પછી બીજો યુગ વાજપેયીનો ગણવો રહ્યો. કટોકટી પહેલાનો અને કટોકટી પછીનો એવા યુગ પણ પડી શકે છે. તેમાં પણ કટોકટી પછીના યુગને જનતા મોરચાના યુગ પ્રવર્તક તરીકે વાજપેયીને કેન્દ્રસ્થાને ગણવા પડે. જનતા મોરચામાં જનસંઘનું સામેલ થવું અગત્યનું હતું. જનસંઘના સભ્યો બંધારણના સેક્યુલર સિદ્ધાંતો અને ગાંધીવાદી સમાજવાદને માન્ય રાખવાની પ્રતિજ્ઞા લઈને જનતા મોરચામાં જોડાયા હતા. જનસંઘ ના જોડાયું હોત તો મોરચો બની શક્યો ના હોત એમ પણ કહી શકાય. જનસંઘના સભ્યો આરએસએસના સભ્યો પણ છે તે મુદ્દે ઉશ્કેરણી કરીને કોંગ્રેસે તેમાં મોરચામાં ભાગલા પડાવ્યા હતા.
તે પછી મોરચો વિખાઇ ગયો, પણ તેમાંથી ભાજપ ઊભો થયો હતો. તેને ઊભો કરનારા વાજપેયી હતા. એથી જ ભારતીય રાજકારણમાં વાજપેયી યુગ ગણવો પડે. એટલું જ નહિ મુખ્ય રાજકીય પક્ષ સામે મોરચાનું રાજકારણ શરૂ કરનારા અને તેને મજબૂત બનાવનારા નેતા તરીકે વાજપેયીને ગણીને તેમનો યુગ કહેવો પડે. ૧૯૯૮માં મોરચા સરકાર હતી અને તેમાંથી એક ઘટક, જયલલિતાએ ટેકો પાછો ખેંચી લીધો હતો. તેમ છતાં મોરચો અકબંધ રહ્યો અને એનડીએ ફરી ચૂંટણીમાં ઉતર્યો ત્યારે ૧૯૯૯માં સંપૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવી શક્યો. મોરચા સાથે પણ સ્થિર સરકાર ચાલી, બીજા તબક્કાના અગત્યના આર્થિક સુધારા કર્યા, પોખરણમાં અણુવિસ્ફોટ કર્યો, આંતરિક સમસ્યા કાશ્મીર માટે અને બાહરી સમસ્યા પાકિસ્તાન સાથે સમાધાનના વિશેષ પ્રયાસો કર્યા – આ બધાના કારણે વાજપેયીની સરકારની નોંધ ભારતીય લોકતાંત્રિક રાજકારણના ઇતિહાસમાં લેવાતી રહેશે. એ યુગ વાજપેયી યુગ તરીકે લખવા માટે પૂરતા શબ્દો મળી રહેશે.

Related posts

सप्ताह में एक दिन क्षमा दिवस मनायें

aapnugujarat

વિરમગામના પુંજાભાઈ મારવાડી રામદેવપીરના નોરતામાં ખાય છે લીલા મરચાની ફરાળ

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1