Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં વવાતા રોપા-છોડ પૈકી ૪૦ ટકા બચે છે

અમદાવાદ શહેરમાં દર ચોમાસાની જેમ આ ચોમાસામાં પણ રાબેતા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાશે. આ વખતે અમદાવાદમાં અંદાજે ૨.૫૦ લાખ રોપા-છોડ વવાશે. ગત ચોમાસામાં ૧.૦૩ લાખ રોપા વવાયા હતા, જોકે તંત્ર દ્વારા વાવેલા રોપા પૈકી માત્ર ૪૦ ટકા વધુ વિકાસ પામે છે. બાકીના રોપા તંત્રની ઉદાસીનતા, જાળવણીનો અભાવ તેમ જ કુદરતી અથવા માનવ સર્જિત કારણોથી નાશ પામતા હોય છે, જેને લઇ પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિપ્રેમીઓએ ગત ચોમાસામાં તા.૫ જુલાઈથી તંત્ર દ્વારા વનીકરણના વોર્ડદીઠ કાર્યક્રમોનો ધમધમાટ શરૂ કરાયો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દ્વારા નારણપુરાના આકાશગંગા ગાર્ડનમાં વડના રોપાનું વાવેતર પણ કરાયું હતું. તે વખતે શહેરના વિભિન્ન શિવાલયમાં બીલીપત્ર, પીપળો, વડ જેવા વૃક્ષના રોપા વાવીને સત્તાવાળાઓએ પવિત્ર વૃક્ષોનાં વાવેતર પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે આ ચોમાસામાં તંત્ર વડ, પીપળો, લીમડો જેવા હવામાં વધુ ને વધુ ઓક્સિજન છોડનારા વૃક્ષના રોપાના વાવેતરને ખાસ મહત્ત્વ આપશે તેમ જણાવતાં મ્યુનિસિપલ બાગ-બગીચા વિભાગના ડિરેક્ટર જિજ્ઞેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે જે તે રોપાનો વિકાસ ૪૦ ટકા જેટલો થાય છે. વાવેતરમાં કુલ ૧૦૦ રોપા પૈકીના ૬૦ રોપા ગાય ખાઈ જવાથી, કેમિકલ જેવું પાણી છોડવા જેવા માનવ સર્જિત કારણથી અકાળે નાશ પામે છે. આ વખતે વરસાદમાં વિલંબ થવાથી વોર્ડ દીઠ વનીકરણના કાર્યક્રમ પાછળ ઠેલાયા છે, જે આગામી તા. ૨૯ જુલાઈથી આગામી તા. ૩૦ ઓગસ્ટ સુધી ચાલશે. જોકે સ્થાનિક રહેવાસીઓની માગણી ઉપરાંત ખાનગી અને મ્યુનિસિપલ પ્લોટ વગેરે સ્થળે પણ ગત તા. ૨૫ જૂનથી આજ દિન સુધીમાં ૨૮,૦૦૦ રોપા વવાઈ ચૂક્યા છે. આ વખતે મહત્તમ રોપા-છોડ વાવવાનો પ્રયાસ કરાશે.

Related posts

એરપોર્ટ ઉપર ટર્મિનલ-૨માં ગેટનો કાચ તોડીને કાર ઘૂસી

aapnugujarat

બનાસકાંઠા માં ચાલતી VSSM સંસ્થા ની સરાહનીય કામગીરી…

editor

ભાનુશાળી કેસ : બે શાર્પ શૂટર હવે ૧૨ દિનના રિમાન્ડ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1