Aapnu Gujarat
ગુજરાત

રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા નવી કવાયત શરૂ થઇ

મેગા સિટી અમદાવાદને બારે મહિના ગોકુળિયું ગામ બનાવતાં રખડતાં ઢોરનો ત્રાસ નાગરિકો માટે અસહ્ય બનતો જાય છે. છાશવારે રખડતાં ઢોરની અડફેટમાં આવીને લોકો મૃત્યુના મોંમાં પણ ધકેલાય છે, તેમાં પણ હાલના ચોમાસાના દિવસોમાં તો રખડતાં ઢોરની સમસ્યા માઝા મૂકે છે. અમુક પશુપાલકો તો ઢોરને લાઈટના થાંભલા સાથે બાંધી રાખે છે. વાહનચાલકો તૂટેલા-ફૂટેલા રસ્તાથી પોતાનો બચાવ કરે કે પછી રોડની વચ્ચોવચ બેઠેલાં રખડતાં ઢોરથી જાતને સુરક્ષિત રાખે તે સમજી-વિચારી શકતા નથી. આવા સંજોગોમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ રખડતાં કૂતરાંની જેમ ઢોર પકડવાની કામગીરીનું પણ ખાનગીકરણ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. તાજેતરમાં જ મ્યુનિસિપલ હોલ અને પાર્ટી પ્લોટના મેન્ટેનન્સનું કામમાં પણ ખાનગીકરણના નિર્ણય બાદ વધુ એક ખાનગીકરણની તજવીજ હાથ ધરાતાં વિપક્ષ કોંગ્રેસે અમ્યુકોના સત્તાધીશોના શાસન સામે સવાલો ઉઠાવી ભારે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે અવારનવાર અને વારંવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને ગંભીર ફટકાર લગાવી છે અને આ મામલે મહત્વના આદેશો પણ જારી કર્યા છે પરંતુ તેમછતાં અમ્યુકો સત્તાવાળાઓ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકયા નથી. હાઈકોર્ટના નિર્દેશથી શહેરભરમાંથી રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવવા માટે સત્તાધીશો દ્વારા ‘ઓપરેશન રાઉન્ડ ક્લોક’ની જાહેરાત કરાઈ હતી. ઓપરેશન રાઉન્ડ કલોક હેઠળ મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગને હયાત સ્ટાફ ઉપરાંત વધારાના વીસ કર્મચારી ફાળવાયા હતા. અગાઉ રખડતાં ઢોરને ઝબ્બે કરવા શહેરમાં બે ટીમ કાર્યરત હતી, પરંતુ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ હેઠળ ત્રણ ટીમ કાર્યરત કરાઈ છે. ગોતા, વાડજ, અમરાઈવાડી જેવા વિસ્તારમાં કેટલાંક માથાભારે તત્ત્વો ઢોર ત્રાસ અંકુશ વિભાગના સ્ટાફ પર જીવલેણ હુમલો કરતા હોઈ તંત્ર દ્વારા ખાસ પોલીસનો બંદોબસ્ત પૂરો પડાઇ રહ્યો છે. મ્યુનિસિપલ સત્તાધીશોના ‘ઓપરેશન રાઉન્ડ ક્લોક’ને હવે લગભગ એક વર્ષ પૂર્ણ થશે. તેમ છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત્‌ રહેવા પામી છે. છેલ્લે છેલ્લે ગત તા. ૨૭ જૂને હાઈકોર્ટે આ મામલે પોતાની સખત નારાજગી વ્યક્ત કરીને અમદાવાદ માટે મહારાષ્ટ્ર જેવો કડક કાયદો બનાવવાની, રસ્તે રખડતાં ઢોર પર માલિકનો સિમ્બોલ લગાવવાની, જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ બંધ કરવાની ઉપરાંત બે અધિકારીઓની નિમણૂક કરવા જેવા કડક આદેશ આપતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ હવે રખડતાં ઢોર પકડવાની કામગીરી ખાનગી સંસ્થાને સોંપવાની દિશામાં ગંભીરતાથી ચક્રો ગતિમાન કર્યાં છે. રખડતાં કૂતરાં પકડીને તેનું ખસીકરણ અને રસીકરણ કરવાની કામગીરીનું જે રીતે ખાનગીકરણ કરાયું છે તે જ રીતે રખડતાં ઢોર પકડવાના મામલે ખાનગીકરણ કરવાની ઉચ્ચ સ્તરેથી ગંભીર વિચારણા ચાલી રહી છે. હાલમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી એનિમલ હેલ્પ ફાઉન્ડેશન સહિતની ત્રણ ખાનગી સંસ્થાને પ્રતિ રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણ માટે રૂ. ૬૩૬ ચૂકવાય છે. આવી જ પદ્ધતિ રખડતાં ઢોરને પકડી બહેરામપુરાના ઢોરવાડામાં મોકલવા માટે અપનાવાય તેવી ચર્ચા છે. આધારભૂત સૂત્રો કહે છે, આ દિશામાં ઉચ્ચ સ્તરે બેઠકોનો દોર ચાલી રહ્યો હોઈ આગામી દિવસોમાં ટેન્ડર બહાર પડાય તેવી સંભાવના છે, જોકે ટેન્ડરની શરતો કેવી રહેશે તેના પર સૌની મીટ મંડાઈ છે. બીજીબાજુ, અમ્યુકો દ્વારા તમામ મામલાઓમાં હવે ખાનગીકરણ કરી શાસનમાં નિષ્ફળતા દાખવાતી હોવાના ગંભીર આરોપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ લગાવાયા છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉપરોકત વધુ મુદ્દે ખાનગીકરણનો ઉગ્ર વિરોધ કરાયો હતો.

Related posts

ભાજપે બિમલ શાહ, કમા રાઠોડ સહિત ૨૪ને સસ્પેન્ડ કર્યાં

aapnugujarat

गुजरात मंे किलर स्वाइन फ्लू से और तीन की मौत हुई

aapnugujarat

વિજય રૂપાણીને મુખ્યપ્રધાન તરીકે જારી રખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1