Aapnu Gujarat
ગુજરાત

જમાલપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા મજદૂરનું મોત

હાઇકોર્ટ દ્વારા ગટર અને મેનહોલની સાફ સફાઇ માટે મજૂરને અંદર નહી ઉતારવા સહિતના મહત્વના નિર્દેશો જારી કરેલા હોવા છતાં અમ્યુકો સત્તાવાળાઓ અને તેના કોન્ટ્રાકટરો દ્વારા આ નિર્દેશોને સરેઆમ ઘોળીને પી જવાય છે અને તેના કારણે છાશવારે ગટર કે મેનહોલમાં સફાઇ કરવા ઉતરેલા મજૂરોના આકસ્મિક મોતની ઘટનાઓ સામે આવતી રહે છે. ગઇકાલે મોડી રાત્રે આવી જ એક ઘટનામાં જમાલપુરમાં ગટર સાફ કરવા માટે એક મજૂરને ઉતારવામાં આવતાં તેનું ગૂંગળામણથી મોત થતાં ભારે વિવાદ ઉઠ્‌યો હતો. ભારેે વિવાદ અને સ્થાનિક નાગરિકોની ઉગ્ર માંગણી બાદ પોલીસને આ પ્રકરણમાં કોન્ટ્રાકટર અને અમ્યુકોના જવાબદાર અધિકારી વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જમાલપુરની રિયાઝ હોટલ પાસે ગઇકાલે રાત્રે ગટરની સાફ સફાઇનું કામ ચાલતું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાકટરને આ કામગીરી સોંપાઇ હતી. જેમાં ખાનગી કોન્ટ્રાકટરના મજૂર દલસુખભાઇને ગટર સાફ કરવા માટે નીચે ઉતારાયા હતા. જે દરમ્યાન ગટરના ઝેરી ગેસથી ગૂંગળાઇ જતાં તેમનું મોત થયું હતું. દરમ્યાન મૃતકનાં પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે સુપરવાઇઝર દ્વારા દલસુખભાઇને જબરદસ્તીથી ગટરમાં ઉતારાયા હતા. આ સુપરવાઇઝરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ પરિવારજનોએ માગણી કરી હતી. આ દરમ્યાન મૃતકનાં સગાંઓ સાથે વી.એસ. હોસ્પિટલના બાઉન્સરોની દાદાગીરીનો મામલો પણ પ્રકાશમાં આવ્યો હતો. વી.એસ. હોસ્પિટલના બાઉન્સરોએ મૃતદેહને હોસ્પિટલમાં લઇ જવા મામલે મૃતકનાં સગાં સાથે મારપીટ કરી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા પરિવારજનોએ મ્યુનિ. તંત્ર દ્વારા આર્થિક સહાય નહીં ચૂકવાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી માગ કરી હતી. જોકે આ સમગ્ર ઘટના અંગે મધ્યઝોનના એડિશનલ સિટી ઇજનેરનો મોબાઇલ પર સંપર્ક થઇ શકયો ન હતો, તો બીજીબાજુ, વી.એસ. હોસ્પિટલના સત્તાવાળાઓ પણ આ સમગ્ર પ્રકરણમાં જવાબ આપવામાંથી બચતા જોવા મળ્યા હતા. જો કે, પરિવારજનોની ઉગ્ર માંગણી અને સ્થાનિક રહીશોના હોબાળા બાદ સ્થાનિક પોલીસને આખરે આ બનાવ અંગે કોન્ટ્રાકટર અને અમ્યુકોના જવાબદાર અધિકારી વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. કોન્ટ્રાકટર દ્વારા કોઇપણ જાતની સેફ્ટી અને સલામતી વિષયક પગલા લીધા વિના જ ગટરમાં ઉતારી દેવાયો હોવાની હકીકત પણ વિસ્તારના સીસીટીવી ફુટેજમાં સામે આવતાં કોન્ટ્રાકટરની સીધી બેદરકારી સામે આવી હતી.

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે વી.સી.ઈ મંડળ દ્વારા બેઠક યોજાઇ

editor

जीएसटी से कापड़ बाजार में करोड़ों का कारोबार ठप

aapnugujarat

बीमा से सुरक्षित गायों के मृत्यु के केस में मुआवजा : उपभोक्ता विवाद निवारण आयोग का आदेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1