Aapnu Gujarat
ગુજરાત

સ્પા સેન્ટર માલિકનો તોડ કરનાર ચાર ઝડપાયા

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો છે તેવી ધમકી આપીને ક્રાઇમ બ્રાંચના અધિકારી તેમજ રિપોર્ટર બનીને આવેલા ચાર શખ્સોએ ૧૧ હજાર રૂપિયાનો તોડ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સ્પા સેન્ટરના માલિકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચાર શખ્સોએ ૧૫ હજાર રૂપિયાની માગણી કરી હતી. સ્પા સેન્ટરના માલિકની ફરિયાદના આધારે અને સીસીટીવી ફુટેજની તપાસના અંતે પોલીસે ચારેય આરોપી શખ્સોની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. સરખેજ વિસ્તારમાં આવેલ ગુલમહોર સોસાયટીમાં રહેતો અને વસ્ત્રાલમાં આવેલ પુષ્પ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર ચલાવતા સમીરખાન પઠાણે રામોલ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, સોમવારે સાંજે સાડા સાતેક વાગ્યાની આસપાસ ચાર શખ્સ તેના સ્પા સેન્ટરમાં આવ્યા હતા અને સમીરખાનને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાંચના અધિકારી તેમજ રિપોર્ટર તરીકેની આપી હતી. ચારેય શખ્સોએ સમીરખાનને ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું અને સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપાર ચલાવે છે. જેનો વીડિયો પણ હોવાની વાત કરી હતી. સ્પા સેન્ટરમાં હાજર યુવતીઓને પણ બળાત્કારનો કેસ બનાવીને જેલમાં પુરાવી દેવાની ધમકી ચારેય શખ્સોએ આપી હતી. ચાર શખ્સ પૈકી એક શખ્સે તમામ લોકોને પોલીસ સ્ટેશન લઇ લો તેમ કહીને ગભરાવી દીધા હતા. અનેક ધમકીઓ આપ્યા બાદ ચારે જણાએ સમીરખાનને કહ્યું હતું કે કોઇ કેસ ના કરવો હોય તો ફટાફટ પતાવટ કરી લે અને ૧૫ હજાર રૂપિયા આપી દે. સમીરે તેની પાસે રૂપિયા નહીં હોવાનું કહેતાં ચારેય શખસે પોલીસવાન બોલાવો અને મીડિયાને બોલાવો તેમ કહ્યું હતું. સમીરે ચારેય શખસથી ગભરાઇને રૂપિયા ઓછા કરવાનું કહેતાં અંતે ૧૧ હજાર રૂપિયામાં સોદો નક્કી થયો હતો. સમીરે ૧૧ હજાર રૂપિયા આપી દેતાં ચારેય જણા જતા રહ્યા હતા અને આવા ધંધા બંધ કરી દેજે અને કોઇને કહેતો નહીં તેવું પણ કહેતા ગયા હતા. રૂપિયા લઇને ગયા બાદ સમીરને શંકા જતાં તેને તપાસ કરી હતી તો ચારેય શખસો કોઇ ક્રાઇમ બ્રાંચના અધિકારી અને રિપોર્ટર નહીં હોવાનું સામે આવ્યું હતું. ચારેય શખસોએ કરેલો ૧૧ હજાર રૂપિયાનો તોડ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં રામોલ પોલીસે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સઘન તપાસ હાથ ધરી હતી અને ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૧ વર્ષના બજેટના ૧૪ હજાર કરોડ ખર્ચ્યા જ નથી

aapnugujarat

બજેટ સત્ર સપ્તાહ માટે મળે તેવા સંકેત

aapnugujarat

ગાંધીનગર સિવિલમાં બેડનું વેચાણ થતું હોવાનું ખુદ સુપ્રિટેન્ડેન્ટે સ્વીકાર્યું

editor

Leave a Comment

UA-96247877-1