Aapnu Gujarat
ગુજરાત

ગુપ્તચર તંત્ર દોડતું થયું, હાર્દિકની મહાપંચાયતને ‘બ્રેક’

આગામી વર્ષે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપે અત્યારથી જ તમામ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે પાટીદારો સહિતની અન્ય જ્ઞાતિઓને અનામતનો લાભ આપવા તથા ખેડૂતોના પ્રશ્નો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને મુંઝવતી સમસ્યાઓને વાચા આપવા હાર્દિક દ્વારા શનિવાર તા. ૨૬મીએ ધ્રાંગધ્રાના માલવણ ગામે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન થતા જ ભારતીય જનતા પક્ષમાં દોડધામ મચી ગઈ છે.
બીજી તરફ આ મહાપંચાયત માટે પોલીસ દ્વારા મામલતદાર કે કલેકટર તંત્રને અભિપ્રાય ન આપતા મંજુરીને બ્રેક લાગી છે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.વહીવટી તંત્રના સૂત્રોના કથન મુજબ ગ્રામ્ય કક્ષાએ આવા કાર્યક્રમો માટેની મંજુરી સૌ પ્રથમ અરજી પ્રાંત અધિકારી પાસે જતી હોય છે અને આગળની કાર્યવાહી માટે મામલતદારને કે કલેકટરને આવી અરજી મોકલતા અગાઉ સંબંધક જિલ્લાના પોલીસ સત્તાવાળાઓ પાસે આવી બેઠક માટે અભિપ્રાય માગવાની પ્રથા છે. પોલીસનો અભિપ્રાય ન મળે તો મંજુરી સામાન્ય રીતે મળતી નથી. જો કે લડાયક સ્વભાવના હાર્દિકે ભૂતકાળમાં પણ મંજુરીની પરવાહ કર્યા વગર આવી બેઠકો યોજી છે.
સૂત્રોમાંથી સાંપડતા વિશેષ નિર્દેશ મુજબ આવા કાર્યક્રમને મંજુરી ન મળે તો પણ મોટી સંખ્યાને કારણે લોકોને વાહન વ્યવહારમાં કોઈ તકલીફ ન સર્જાય કે બીજી રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાઈ તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવાતો હોય છે. આ કિસ્સામાં પણ પોલીસ બંદોબસ્ત મળે તેવી પુરી સંભાવના છે. હાર્દિક દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશભાઈ ધાનાણીને પત્ર પાઠવી તેઓ ખેડૂ સમાજના હોય આ મહાપંચાયતમાં હાજર રહેવા આમંત્રણ આપવા સાથે આવા કાર્યક્રમમાં હાજર ન રહે તેવો સમાજ વિરોધી હોવાનું માની લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે. આવા આમંત્રણો બન્ને પક્ષના પાટીદાર ધારાસભ્યોને અપાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખે હાર્દિકને કોંગ્રેસનો હાથો ગણાવ્યો છે અને સમાજમાં બીજા ઘણા પાટીદાર નેતા હોવાનું જણાવી ભાજપના ધારાસભ્યો હાજર ન રહે તેવો આડકતરો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ પોતાના ધારાસભ્યો આ મહાપંચાયતમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો તે માટે તેઓને છૂટ આપી છે. જો કે તેણે એવી સ્પષ્ટતા કરી છે કે, પોતે ડાંગ વિસ્તારમાં અગાઉથી નિર્ધારીત આદિવાસી સમાજના કાર્યક્રમમાં જવાના હોવાથી હાજર નહી રહે પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે અન્ય નેતા ઉપસ્થિત રહેશે.

Related posts

એસિડ પી લેનાર બાળકી પર ૮ વર્ષ બાદ સફળ શસ્ત્રક્રિયા

aapnugujarat

જૂનાગઢમાં આધેડ મહિલાની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

aapnugujarat

ખેડૂતો પાસેથી ૧,૪૮,૬૫૧ ક્વિન્ટલ મગફળીની ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1