Aapnu Gujarat
ગુજરાત

તિશ્તા શેતલવાડ અને પતિના આગોતરા જામીન ફગાવાયા

કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય પાસેથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ.૧.૪૦ કરોડની ગ્રાંટ મેળવી તેનો ઉપયોગ અંગત ખર્ચા અને વપરાશમાં કરવાના ચકચારભર્યા કેસમાં સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના કર્તાહર્તા તિશ્તા શેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદની આગોતરા જામીનઅરજી અત્રેના એડિશનલ સેશન્સ જજ પી.જે.તમાકુવાલાએ આકરા વલણ સાથે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે આરોપી પતિ-પત્નીની આગોતરા જામીન અરજી ફગાવતાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, અરજદારો વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બને છે અને કેસની સંવેદનશીલતા અને તપાસનો તબક્કો જોતાં તે નાજુક તબક્કામાં છે અને તેથી આ સંજોગોમાં તેઓને હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાય નહી. સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં તિશ્તા શેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય પાસેથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ.૧.૪૦ કરોડની ગ્રાંટ મેળવી તેનો ઉપયોગ અંગત ખર્ચા અને વપરાશમાં કરવાના ચકચારભર્યા પ્રકરણમાં તિશ્તાના એક જમાનાના વિશ્વાસુ ગણાતાં રઇશખાન દ્વારા જ ખુદ શહેર ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના કર્તાહર્તા તિશ્તા શેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદે સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે મહત્વની દલીલોમાં જણાવ્યું હતું કે, અરજદાર વિરૂધ્ધ ગંભીર અને સંવેદનશીલ પ્રકારનો ગુનો નોંધાયેલો છે. આ કેસમાં બંને આરોપી પતિ-પત્નીની સક્રિય સંડોવણી માલૂમ પડી છે. અરજદારોએ ૨૦૧૦થી ૨૦૧૩ના વર્ષ દરમ્યાન તેમના સબરંગ ટ્રસ્ટ માટે કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય પાસેથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખોજ પ્રોજેકટ માટે રૂ.૧.૪૦ કરોડની ગ્રાંટ મેળવી તેનો ઉપયોગ અંગત ખર્ચા અને વપરાશમાં કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સૌથી ગંભીર વાત તો એ છે કે, અરજદારોનું ટ્રસ્ટ કેન્દ્ર સરકારની આ ગ્રાંટ માટે લાયક કે યોગ્ય જ ન હતું, તેમછતાં તેઓએ ખોટીરીતે કેન્દ્ર સરકારની ગ્રાંટ હડપ કરી છે, જે ખૂબ જ ગંભીર કહી શકાય. અરજદારો વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદની તપાસ હજુ ચાલી રહી છે અને નાજુક તબક્કામાં છે. અરજદારો વગદાર અને પહોંચેલા વ્યકિત છે, તેથી જો તેઓના આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો કેસના ફરિયાદી અને સાક્ષીઓ સાથે પુરાવા કે ચેડા થવાની પૂરી દહેશત છે. એટલું જ નહી, સંવેદનશીલ એવા આ કેસની તપાસને વિપરીત અસર પહોંચી શકે છે. તે જોતાં કોર્ટે કોઇપણ સંજોગોમાં અરજદાર આરોપીઓના આગોતરા જામીન મંજૂર કરવા જોઇએ નહી. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે તિશ્તા શેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદની આગોતરા જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.

Related posts

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

કડક કાર્યવાહીના બગણાં ફૂંકતું તંત્ર : એએમટીએસ બસથી રોજ એક અકસ્માત

aapnugujarat

ઠેર ઠેર આંદોલનો અને વિરોધ, ચૂંટણી પહેલા સરકાર મારશે કોઇ માસ્ટર સ્ટ્રોક?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1