Aapnu Gujarat
ગુજરાત

પેટ્રોલ અને ડિઝલના મામલે સરકાર લોકોને રાહત આપે : પરેશ ધાનાણી

ગુજરાતમાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ૨૪ ટકા અને સીએનજી-પીએનજીના ૧૫ ટકા વેરામાં ઘટાડો કરીને ગુજરાતની પ્રજાને ભડકે બળતા ભાવોમાં તાત્કાલિક રાહત આપવાની વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે ઉગ્ર માંગણી કરી હતી. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર ભાવવધારાનું ધીમું ઝેર આપીને દેશના કરોડો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને આર્થિક રીતે મારવાનું કામ કરી રહી છે. “પાણીનો નળ (ચકલી) ખોલો ત્યારે પાણીના બદલે પેટ્રોલ નીકળશે’ તેવું કહેનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પ્રજાનું તેલ નીકળી રહ્યું છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવવધારો કરાતા હવે ગુજરાત સરકાર કેન્દ્રના અન્યાય સામે કેમ ચૂપ છે ? તેવો ગંભીર સવાલ પણ ધાનાણીએ ઉઠાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વખતે ગોવા, આંધ્રપ્રદેશ સહિતની કોંગ્રેસશાસિત સરકારોએ રાજ્ય સરકારના વેરામાં ઘટાડો કરીને નાગરિકોને મોંઘવારીમાં રાહત આપી હતી, તેવી રીતે હવે પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરાની વર્ષે રૂ. ૧૦ હજાર કરોડથી વધુની આવક કરતી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા વસુલાતા પેટ્રોલ-ડીઝલ ઉપરના ૨૪ ટકા અને સીએનજી-પીએનજી ઉપરના ૧પ ટકા વેરામાં ઘટાડો કરીને ગુજરાતની પ્રજાને રાહત આપવી જોઈએ. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલનો ભાવ રૂ. ૧૫૦ ડોલરની આસપાસ હતો ત્યારે પણ પેટ્રોલ-ડીઝલના આટલા ઊંચા ભાવ યુપીએ સરકારમાં નહોતા. જ્યારે આજે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ ૭૮ ડોલર થયા હોવા છતાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવને રેકોર્ડ સપાટીએ પહોંચાડી દીધા છે. કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડયુટીમાં વધારો કરીને પ્રજાના ખિસ્સા ખંખેરીને જાહેર ક્ષેત્રની કંપનીઓના ખિસ્સા ભરી રહી છે. જાહેર ક્ષેત્રની આવી કંપનીઓ ભાજપ સરકારની અને વ્યક્તિગત રીતે નરેન્દ્રભાઈ મોદીની જાહેરખબર પાછળ અબજો રૂપિયાનું આંધણ કરી રહી છે તેવો આક્ષેપ કરતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, ૧ એપ્રિલ, ૨૦૧૪ના રોજ યુપીએ-૨ના શાસનમાં પેટ્રોલની એક્સાઈઝ ડયુટી રૂ. ૯.૪૮ અને ડીઝલની એક્સાઈઝ ડયુટી રૂ. ૩.૫૬ હતી, જે ભાજપ સરકાર સત્તામાં આવતા જ ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં ૩૮૦ ટકાનો વધારો કરીને રૂ. ૧૭.૩૩ અને પેટ્રોલની ડયુટીમાં ૧૩૩ ટકાનો વધારો કરીને રૂ. ૨૧.૪૮ કરી દેવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ સુધીમાં ભાજપ સરકાર દ્વારા ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં નવ વખત વધારો કરીને ૨૦૧૪ની રૂ. ૯૯ હજાર કરોડની આવકને ૨૦૧૬માં રૂ. ૨ લાખ ૪૨ હજાર કરોડ સુધી પહોંચાડી દીધી છે. આ ડયુટીમાં વધારાની સીધી અસર ગૃહિણીઓના સામાન્ય બજેટ પર પડી છે અને ખેડૂતોની પડતર વધતા અનાજ, કઠોળ, શાકભાજી સહિતની દરેક ચીજવસ્તુઓની પડતર ઊંચી જઈ રહી છે. રૂ. ૩૩૦માં મળતો ગેસ સિલિન્ડર આજે રૂ. ૮૦૦એ પહોંચ્યો છે. રેલ્વે-બસના મુસાફરી ભાડામાં ખૂબ જ મોટો વધારો થયો છે. ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળતા નથી, સરકાર વેરાનું ભારણ વધારતી જાય છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો કમરતોડ મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ ગયા છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત છે. ધાનાણીએ જણાવ્યું હતું કે, ડૉ. મનમોહનસિંહને મૌનમોહન કહેનારા મોદીજી આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે કેમ મૌન બની ગયા છે ? મોસાળમાં જમણ અને મા પીરસનાર છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ અને ગેસનો જીએસટીમાં સમાવેશ કરવા માટે કેન્દ્રની ભાજપ સરકાર સમક્ષ માંગણી કરવી જોઈએ. જો ગુજરાતની ભાજપ સરકાર કેન્દ્રની મોદી સરકાર પાસે આવી રજૂઆત ન કરે તો શું એ ગુજરાતની પ્રજાને હળહળતો અન્યાય નથી ? જો ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ભાવઘટાડો ન કરે તો કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈને ભાજપની કેન્દ્ર અને રાજ્યની સરકાર વચ્ચેની મિલીભગતનો પર્દાફાશ કરશે. કોંગ્રેસ આ મામલે આગામી દિવસોમાં જન આંદોલન છેડશે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

નર્મદા જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

aapnugujarat

फेसबुक पर फ्रेन्डशिप करके युवक के साथ सृष्टि विरूद्ध का काम

aapnugujarat

માણસામાંથી મળ્યું નકલી બિયારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1