Aapnu Gujarat
ગુજરાત

અમરાઇવાડીમાં ૩૫.૪૬ લાખનો દારૂનો જથ્થો જપ્ત

રાજ્યમાં દારૂના અડ્ડા બંધ થાય તે માટે સરકાર ગમે તેટલા દારૂબંધીના કડક કાયદાનું અમલીકરણ કરવાનો આદેશ કરે કે પ્રયાસો કરે પરંતુ બુટલેગરો તો પોલીસના ખૌફ વગર અને કેટલાક પોલીસની સાઠગાંઠથી બિન્દાસ રીતે દારૂ અડ્ડા ધમધમાવી રહ્યા છે. અમરાઇવાડી વિસ્તારમાંથી ડીસીપી ઝોન ૫ની સ્કવોડે આજે એક મહત્વના ઓપરેશનમાં રૂ. ૩૫.૪૬ લાખનો દારૂનો જંગી જથ્થો પકડી પાડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, અન્ય બુટલેગર તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, ડીસીપી ઝોન ૫ સ્કવોડને બાતમી મળી હતી કે, દારૂના કેસમાં નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગર અમિત ઉર્ફે દુબે (રહે દશરથલાલની ચાલી, અમરાઇવાડી), મદન ઉર્ફે સંતોષ રાજપૂત (રહે, ગુલાબનગર, અમરાઇવાડી), દિલીપ મોર્ય (રહ, દશરથલાલની ચાલી, અમરાઇવાડી) સહિત અન્ય ત્રણ જણાએ ભેગા મળીને દારૂનો જથ્થો મગાવ્યો છે. બાતમીના આધારે ઝોન ૫ના સ્કવોડ ગુલાબનગર ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક ટ્રક ગુલાબનગર ખાતે આવીને ઊભી રહી હતી. જ્યાં સ્કવોડે દરોડો પાડીને દારૂનો જથ્થો પકડી પાડ્‌યો હતો. ડીસીપી સ્કવોડે મોહંમદ કપલાખાન સિંગલ (રહે, રાજસ્થાન)ની ધરપકડ કરી છે જ્યારે ડ્રાઇવર નાસીર ફરાર થઇ ગયો છે. પોલીસે ૩૫.૪૬ લાખ રૂપિયાની ૭૦૯૨ નંગ વિદેશી દારૂની બોટલો તેમજ સાત લાખ રૂપિયાની ટ્રક કબજે કરી છે. આ મામલે ઝોન ૫ના ડીસીપી હિમકર સિંધે જણાવ્યું હતું કે, રાજસ્થાનથી દારૂ આવ્યો હતો. જેને અમિત, મદન, દિલીપ, હરિશંકર, આકાશ અને સોહનલાલે મગાવ્યો હતો અને અમરાઇવાડી સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય કરવાના હતા. આ મામલે રાજસ્થાનમાં કોની પાસેથી દારૂ લાવ્યા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવશે જ્યારે આ બુટલેગરો સાથે કયા પોલીસ કર્મચારીઓની સંડોવણી છે તેની પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ૧૯૪૯થી અમલમાં હોવા છતાં તેનો કડક અમલ થતો નથી. જેથી દારૂનો મોટો જથ્થો પકડાય અને પોલીસ તેના જડમૂળ સુધી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આવા કિસ્સાઓમાં ઉપરી અધિકારીઓને પ્રગતિ અહેવાલ મેળવીને અઠવાડિયામાં તેની સમીક્ષા કરવા આદેશ જારી કર્યો હતા. જેમાં શહેરમાંથી જો દારૂનો મોટો જથ્થો પકડાય તો જેસીપી અને ડીસીપી રેન્જમાંથી પકડાય તો ડીઆઈજી અને જિલ્લામાંથી પકડાય તો ડીએસપીને જવાબદારી સોંપી હતી. દારૂનો આટલો મોટો જથ્થો પકડાતાં પીઆઇ ઓ.એમ. દેસાઇ સહિત મેઘાણીનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સામે પણ તપાસ થાય તેવી શકયતા છે કારણ કે, જો ડીસીપી ઝોન-૫ની સ્કવોડને દારૂના આ કન્સાઇનમેન્ટની માહિતી મળી ગઇ તો, અમરાઇવાડી અને મેઘાણીનગર પોલીસ શું કરતી હતી, તેવા સવાલો પણ હવે ઉઠી રહ્યા છે. તેથી આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને પણ ખુલાસો કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છે.

Related posts

કાલુપર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારો થયો

aapnugujarat

શહેરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વધુ ખરાબ

aapnugujarat

भाजपा सरकार में सीएम और प्रदेश अध्यक्ष कठपूतली : शक्तिसिंह 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1