Aapnu Gujarat
ગુજરાત

SBIના મેનેજરને પત્ર લખી પાંચ લાખની ખંડણીની માંગ

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરને ત્રણ ચાર દિવસ પહેલાં પત્ર લખીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે એક શકમંદ યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ હતી કે, પત્ર લખનાર વ્યકિતએ પત્રમાં પોતાની ઓળખ એક પાકિસ્તાની તરીકે આપી હતી અને મેનેજરને જો ખંડણીની રકમ નહી અપાય તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પોલીસે અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખેલા આ પત્રને લઇ એફએસએલની પણ મદદ લીધી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણ ચાર દિવસ પહેલાં શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં એક પત્ર ટપાલ મારફતે આવ્યો હતો. જેમાં પત્ર લખનારે બેન્કના મેનેજર પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. પત્ર લખનારે તેની ઓળખ પાકિસ્તાની તરીકે આપી હતી. પત્રમાં તેણે લખ્યું હતું કે તેની પાસે આધુનિક હથિયારો છે પરંતુ ભારતીય ચલણ નથી. મંગળવાર સુધીમાં જો પાંચ લાખ રૂપિયા નહીં મળે તો મેનેજરને ગોળી મારી દેવામાં આવશે. પત્ર અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખ્યો હતો. મેનેજરે પત્ર લઇને સીધા નજીકના શાહીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેથી શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પત્ર લખનારને પકડી પાડવા માટેનો પ્લાન બનાવ્યો હતો. પત્ર લખનારે મંગળવાર સવાર સુધી પાંચ લાખ રૂપિયા સિવિલ હોસ્પિટલની પાછળના ભાગે આવેલી સરકારી મણિબેન આયુર્વેદિક હોસ્પિટલ પાસે મૂકીને જતા રહેવાનું કહ્યું હતું. જેથી આજે વહેલી સવારથી મણિબેન હોસ્પિટલ પાસે પોલીસ ખાનગી ડ્રેસ પહેરીને ગોઠવાઇ ગઇ હતી. પ્લાન અનુસાર બેન્કનો કર્મચારી પાંચ લાખ રૂપિયા ભેરલી બેગ બિનવારસી મૂકીને જતો રહ્યો હતો. કર્મચારી બેગ મૂકીને ગયો પછી થોડાક સમય બાદ એક યુવક બેગ લેવા માટે આવ્યો હતો. યુવકે બેગ લેતાં જ પોલીસે તેને ધરદબોચી લીધો હતો અને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. તેની પૂછપરછમાં તેનું નામ મુકેશ હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન આ મામલે સેક્ટર-૨ના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં સવારે એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી છે. પત્ર તેણે લખ્યો છે કે, કોઇ બીજાએ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. બેગને બિનવારસી ગણીને પણ યુવકે તેને લેવાની કોશિશ કરી હોય તેવું પણ બની શકે છે. જો કે, પોલીસ આખાય મામલાને ગંભીરતાથી લઇ તમામ પાસાઓને ધ્યાનમાં લઇ તપાસ હાથ ધરી રહી છે.

Related posts

कांकरिया में जू के अलावा सभी जगह २८ प्रतिशत जीएसटी

aapnugujarat

ધર્મેન્દ્રસિંહ ચંપાવતનું ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરાયું

editor

કપરાડા ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1