Aapnu Gujarat
ગુજરાત

અમ્યુકો કચેરીમાં બાઉન્સરો તૈનાત કરાતાં જોરદાર વિવાદ

શહેરના દાણાપીઠ ગોળલીમડા ખાતે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં સ્ટાફ કર્મચારીઓ અને અધિકારીઓના આઇકાર્ડ ચેકીંગ અને મુલાકાતીઓને ખરાઇ કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ માટે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા દસ બાઉન્સર તૈનાત કરી દેવાતાં એક નવો વિવાદ સર્જાયો છે. ખુદ મેયર ગૌતમભાઇ શાહે આ પ્રકારના વિવાદીત નિર્ણય પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને તેમની ઓફિસ બહાર પણ તૈનાત કરાયેલા બાઉન્સર્સને તાત્કાલિક હટાવી લીધા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, અમ્યુકો તંત્ર દ્વારા પ્રતિ બાઉન્સરને દર મહિને ઓછામાં ઓછા રૂ.૧૭ હજારનું મહેનતાણું ચૂકવવાનો નિર્ણય લેવાયો છે, તેને લઇને પણ ભારે વિવાદ સર્જાયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમ્યુકોના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા ગત તા.૨૦-૪-૨૦૧૮ના રોજ તમામ સ્ટાફને આઇકાર્ડ નિયમિત રીતે પહેરીને ફરજ બજાવવા માટે ખાસ પરિપત્ર જારી કરાયો હતો. એટલું જ નહી, અમ્યુકો કચેરીમાં પ્રવેશ વખતે સીકયોરીટી સ્ટાફને આઇકાર્ડ બતાવવા પણ આદેશ કરાયો હતો પરંતુ તેનું પાલન નહી થતાં આખરે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક જ દસ બાઉન્સર્સને અમ્યુકો કચેરીમાં તૈનાત કરી દીધા હતા. અગાઉ અમ્યુકો કચેરીમાં આવતાં મુલાકાતીઓ માટે વીઝીટર પાસની સીસ્ટમ અમલી બનાવાઇ ત્યારે વિપક્ષ કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો અને કેટલાક કોર્પોરેટરોએ પણ ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. એ વખતે પણ ભારે વિવાદ સર્જાયો હતો. આ સિવાય અમ્યુકો કચેરીમાં ખાનગી સીકયોરીટી સ્ટાફ, ફાયરબ્રિગેડના જવાનો અને વોલેન્ટીયર્સ ફરજ બજાવી રહ્યા છે. જો કે, ગઇકાલથી અમ્યુકો સત્તાધીશ તરફથી શિવ સીકયોરીટી નામની એજન્સીને એક મહિનાના પ્રાયોગિક ધોરણે દસ બાઉન્સર્સ ફાળવવાનો કોન્ટ્રાકટ આપી દેવાયો હતો. જેમાં પાંચ બાઉન્સર્સ ભોંયતળિયે, બે બાઉન્સર્સ બીજા માળે કમિશનર ઓફિસની બહાર, બે બાઉન્સર્સ ત્રીજા માળે મેયર ઓફિસની બહાર અને એક બાઉન્સર બીજા માળે કોરિડોરમાં ગોઠવી દેવાયા હતા. જો કે, પોતાની ઓફિસ બહાર ગોઠવાયેલા બાઉન્સર્સને જોઇ મેયર ગૌતમભાઇ શાહે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ નવી વ્યવસ્થા અંગે ખુદ મેયર ગઇકાલે સાંજ સુધી અંધારામાં હતા. મેયરે પોતાની ઓફિસ બહારના બાઉન્સર્સને ગઇકાલે મોડી સાંજે જ હટાવી લેવાની સૂચના આપી દીધી હતી. જેથી હવે આ બંને બાઉન્સર્સ ભોંયતળિયે ફરજ બજાવશે. જો કે, મેયરે બાઉન્સર હટાવી લેતાં અને ખુદ મ્યુનિસિપલ કમિશનરે આ નવી વ્યવસ્થા અંગે તેમને છેલ્લી ઘડી સુધી અંધારામાં રાખતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એકવાર વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ અમ્યુકોના શાસક પક્ષ ભાજપ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારની કાર્યરીતિ અને વિવાદીત નિર્ણયોને લઇ તેમને બદલવાની માંગણી સાથે છેક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, તેમછતાં આ નવો વિવાદ સામે આવ્યો છે.

Related posts

યાત્રાધામ બોર્ડમાં અન્ય ધર્મોને સમાવવા પ્રશ્ને હાઈકોર્ટ દ્વારા જવાબ મંગાયો

aapnugujarat

વિશ્વ તમાકુ નિષેધ દિવસે વિરમગામના કમીજલામાં પપેટ શો દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ કરાઇ

aapnugujarat

ગુજરાત : જીએસટીનો મુદ્દો નિર્ણાયક સાબિત થઇ શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1