Aapnu Gujarat
ગુજરાત

ઇશરત કેસ : હવે વણઝારાની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ થયો

ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તપાસનીશ એજન્સી સી.બી.આઈ.એ ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. અધિકારી ડીજી વણઝારા અને પૂર્વ એસ.પી. એન.કે. અમિનને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી મુક્ત કરવાનો વિરોધ કર્યો છે. ઇશરત કેસના આરોપી ઉચ્ચ પોલીસ અધિકારીઓ વણઝારા અને અમીનની આ કેસમાંથી તેઓને બિનતહોમત છોડી મૂકવા અંગેની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી દરમ્યાન સીબીઆઇએ આજે આ વિરોધ રજૂ કર્યો હતો. શહેરના મીરઝાપુર ગ્રામ્ય કોર્ટ સ્થિત સી.બી.આઈ.ની વિશેષ અદાલતને સોંપવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું છે કે, તેની પાસે આ મામલે બન્ને આરોપીઓ સામે પુરતા પુરાવાઓ છે અને તેથી તેઓને આ કેસમાં બિનતહોમત છોડી શકાય નહી. જો કે, કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૫મી મેના રોજ રાખી હતી. ઇશરત જહાં કેસમાં અગાઉ સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટ દ્વારા પૂર્વ ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડેને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકયા હતા. ત્યારબાદ હવે પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી.વણઝારા અને પૂર્વ એસપી એન.કે.અમીનની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી સીબીઆઇ કોર્ટમાં હાથ ધરાઇ હતી. જેમાં સીબીઆઇ તરફથી બંને આરોપીઓની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતું સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, અરજદાર આરોપીઓ સામે આ કેસમાં પ્રથમદર્શનીય ગુનો બને છે કારણ કે, તેઓની સમગ્ર ગુનાહિત કાવતરામાં સક્રિય સંડોવણી સામે આવી છે. તપાસનીસ એજન્સી પાસે બંને આરોપીઓ સામે પૂરતા અને મજબૂત પુરાવા પણ ઉપલબ્ધ છે. આ સંજોગોમાં તેઓને ખૂબ જ સંવેદશનશીલ અને મહત્વના એવા કેસમાંથી બિનતહોમત છોડી શકાય નહી. સીબીઆઇના સોગંદનામાને રેકર્ડ પર લઇ કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૫મી મેના રોજ મુકરર કરી હતી. આ અગાઉ ડી.જી.વણઝારાએ રજૂ કરેલી ડિસ્ચાર્જ અરજીમાં એવો બચાવ રજૂ કર્યો હતો કે, અરજદાર વિરૂધ્ધ રાજકીય ષડયંત્રના ભાગરૂપે આરોપ લગાવવામાં આવ્યા છે અને તેમને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવ્યા છે, વાસ્તવમાં તેમની વિરૂધ્ધ લગાવાયેલા આરોપી પી.પી.પાંડે જેવા જ છે કે જેમને આ કેસમાંથી બિનતહોમત મુકત કરાયા છે, તેથી તેમને પણ આ કેસમાંથી બિનતહોમત મુકત કરવા જોઇએ.
આ જ પ્રકારે પૂર્વ એસ.પી નરેન્દ્ર કે.અમીને પણ બચાવ રજૂ કર્યો હતો કે, તેમની સામે આ કેસમાં પ્રથમદર્શનીય ગુનો પુરવાર કરતાં કોઇ નક્કર પુરાવા તપાસનીશ એજન્સી પાસે નથી અને તે આધાર પર તેમને પણ આ કેસમાંથી બિનતહોમત છોડી મુકવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, તા.૧૫મી જુન, ૨૦૦૪ના રોજ અમદાવાદના કોતરપુર વોટર વર્ક્સ પાસે ઇશરત જહાં અને તેના ત્રણ સાગરિતો એવા જાવેદ શેખ, અમજદ અલી, અકબર અલી રાણાને ગુજરાત પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે દાવો કર્યો હતો કે, લશ્કર-એ-તૈયબાના આ ચાર આતંકવાદીઓ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જેમાં આ એન્કાઉન્ટરને નકલી ગણાવવામાં આવ્યું હતું અને આખરે આ સમગ્ર કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવી હતી.

Related posts

एचएसआरपी नंबर प्लेट नहीं हुआ तो १००० तक जुर्माना

aapnugujarat

ભાજપ ભયભીત હોવાના લીધે અશોભનીય શબ્દ પણ બોલે છે : ભરતસિંહ સોલંકી

aapnugujarat

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિરમગામ તાલુકાના 20 દિવ્યાંગ બાળકો ને સર્ટીફીકેટ આપવામાં આવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1