Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણીમાં મતદારોને રિઝવવા પર કોંગ્રેસ, ભાજપનું ફોકસ

કર્ણાટક ચૂંટણીમાં જાતિય સમીકરણ ઘણું મહત્વનું બની રહેશે. કર્ણાટક ચૂંટણીને હવે અંદાજે એક માસ જેટલો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે છે. બન્ને પાર્ટીઓના પ્રમુખ કેટલાક સપ્તાહથી રાજ્યમાં ચૂંટણીસભાઓ ગજવી રહ્યા છે. રોડ શો અને રેલી દ્વારા મતદારોને આકર્ષવાની સાથે રાહુલ ગાંધી અને અમિત શાહનું મુખ્ય ફોકસ ધાર્મિક મઠો, મંદિરો અને જ્ઞાતિના પ્રમુખોને મળવાનું છે. જેમાં વોક્કાલિગા, લિંગાયત અને અન્ય સમુદાયનો પણ સમાવેશ થાય છે. વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ અને રોજગારી જેવા વિકાસના કામો પર વાત કરવાને બદલે બન્ને પક્ષો વંશિય સમીકરણોને આધારે ચૂંટણીમાં ઉતર્યા છે. રાજકીય પક્ષોનું માનવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો તેમના ધાર્મિક નેતા અને મઠોને વધુ માન્યતા આપે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, ‘અનેક જ્ઞાતિ આધારિત મઠો, પ્રમુખ સમાજના અનુયાયીઓનું એક જૂથ છે. જેમાં લિંગાયત, વોક્કાલિગા, કુરબાસ અને દલિત ઉપરાંત અન્યનો પણ સમાવેશ થાય છે.’ આ ઉપરાંત જ્ઞાતિ વિભાજન એટલું ઊંડું હોય છે કે કોઈ વિશિષ્ટ જ્ઞાતિના કેટલાક સંતોએ પોતાના નેતાઓ અથવા રાજકીય પક્ષો સાથે જોડ્યા છે. એટલા માટે રાજકીય પક્ષો તમામ સમાજના લોકોને નજીક લાવવા પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને લઘુમતિનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યા બાદ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું હતું. કર્ણાટકમાં લિંગાયતોની સંખ્યા લગભગ ૧૭ ટકા છે. આ પગલું કોંગ્રેસ માટે મોટો નિર્ણય પુરવાર થઈ શકે છે. લિંગાયત સમાજના લોકો સાથે બેઠક કરનારે જણાવ્યું કે તેઓ ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન કરશે.ચિત્તદુર્ગા મુરઘા મઠના શિવમૂર્તિ મુરુઘા રાજેન્દ્ર સ્વામીએ જણાવ્યું કે, ‘અમે એક બિન રાજકીય ફોરમ છીએ. અમે લોકો ચૂંટણીના રાજકારણમાં સામેલ થવા નથી ઈચ્છતા, પરંતુ અમે તેમનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે, જેઓ અમને સમર્થન આપી શકે છે.’ બસાવા ધર્મપીઠના માઠે મહાદેવીએ કોંગ્રેસને સ્પષ્ટ સમર્થન આપવાની વાત કરતા જણાવ્યું કે, ‘હું વ્યક્તિગત રીતે કોંગ્રેસનું સમર્થન કરું છઉં અને લિંગાયત સમાજને પણ કોંગ્રેસનું સમર્થન કરવા અપીલ કરુ છું.’સિદ્ધારમૈયા સરકારે લિંગાયત સમુદાયને લઘુમતિનો દરજ્જો આપવાની દરખાસ્ત કેન્દ્રને મોકલી છે. પરંતુ કેન્દ્ર સરકારે હાલ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણય બાદ રાજ્યની વધુ એક પાર્ટી જેડીએસે વોક્કાલિગા સમાજ જેમની કુલ વસતિ ૮ ટકા છે તેમને એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજકીય વિશ્લેષક મુઝફ્ફર એચ અસાદીએ જણાવ્યું કે, ‘જે લોકો પૂર્વ પીએમ દેવગોડા અને તેમના પુત્રના વિરોધમાં છે તેઓ વોક્કાલિગાના વિરોધીઓ છે. જેથી વોક્કાલિગા સમુદાયે સિદ્ધારમૈયા સરકારને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.’કર્ણાટકમાં લાગુ થનાર આચારસંહિતા મુજબ રાજકીય પક્ષોએ જાતિ અથવા ધર્મના આધારે વોટ ના માંગવો જોઈએ. જો કે રાહુલ ગાંધી અને અમિત શાહની મંદિરો અને મઠોની મુલાકાત કંઈક જુદુ ચિત્ર જ દર્શાવે છે. આ મુલાકાતથી સ્પષ્ટ થાય છે કે બન્ને પક્ષો જાતિય સમીકરણોની બાબતે ક્યાંય ફેલ થવા નથી માંગતા.ભાજપના નેતા હિન્દુત્વ કાર્ડ રમી રહ્યા છે, સિદ્ધારમૈયા સરકારને હિન્દુ વિરોધી ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના સોફ્ટ હિન્દુત્વ એજન્ડા સાથે લિંગાયત સમાજને ખુશ કરવા માટે તેમના મઠોની મુલાકાત લઈ રહ્યા છે અને પોતાના ભાષણમાં તેમના નેતાઓનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે.દરમિયાન અમિત શાહે એક ડગલું આગળ ભરતા કનાકડાસા જેવા સંતોના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી. થોડા દિવસો અગાઉ તુમાકુરુના સિદ્ધગંગા મઠ સ્વામી ૧૧૧ વર્ષના થયા તો ભાજપ અને કોંગ્રેસ બન્નેના નેતાઓ તેમના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.

Related posts

सुशील मोदी का ट्वीट- सुशासन के मुद्दे पर एनडीए में कोई मतभेद नहीं

aapnugujarat

મહારાષ્ટ્રમાં તમામ કેન્દ્ર સરકારી વિભાગોમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત

aapnugujarat

જનધન ખાતા ધારકો માટે ૧૫મીએ અનેક જાહેરાતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1