Aapnu Gujarat
બ્લોગ

૧૫ વર્ષીય વ્રજ બાળકોને મફત સ્લીપરનું વિતરણ કરી રહ્યો છે

સમાજમાં જો કોઇના માટે સારૂ કાર્ય કરવાની તમને સાચી ભાવના અને પ્રબળ ઇચ્છાશકિત હોય તો તે તમે જરૂર કરી શકો છો. શહેરનો માત્ર પંદર વર્ષના વ્રજ રાવ નામના બાળકે પોતાની લાગણીશીલતા અને સમાજ માટે કંઇક અનોખું કરવાની ખેવના સાથે એક અનોખુ અભિયાન શરૂ કર્યું છે. નાનકડો વ્રજ રાવ ઉનાળાની બળબળતી ગરમીમાં ઉઘાડ પગે ફરવા મજબૂર ગરીબ બાળકોને નિશુલ્ક(વિનામૂલ્યે) સ્લીપર વિતરણ કરી રહ્યો છે. અત્યારસુધીમાં વ્રજ રાવે અમદાવાદ શહેરમાં એક હજાર જેટલા ગરીબ બાળકોને બિલકુલ મફતમાં નવાનકોર સ્લીપર વિતરણ કર્યા છે. સૌથી વધુ નોંધનીય અને પ્રેરણારૂપ વાત તો એ છે કે, ગરીબ બાળકોના પગ ગરમીમાં દાઝે નહી તે માટે વ્રજ રાવ તેના વોલેન્ટીયર્સ મિત્રોની મદદથી વિવિધ વિસ્તારોમાં ઘેર-ઘેર ફરી ડોનેશન ઉઘરાવે છે અને ત્યારબાદ તેમાંથી ગરીબ બાળકો માટે નિશુલ્ક સ્લીપર વિતરણના સેવાકાર્યને આગળ ધપાવે છે. શહેરની સર્વયોગમ્‌ સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતાં વ્રજ રાવના આ સેવાકાર્યમાં અત્યારસુધીમાં ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝા, જગન્નાથમંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, જાણીતા ગાયક અરવિંદ વેગડા, કુસુમબહેન વ્યાસ સહિતના મહાનુભાવો સહયોગ આપી ચૂકયા છે. પ્રયત્નોથી પરિવર્તનના અનોખા સૂત્ર સાથે હુંફ સંસ્થાની સ્થાપના કરી આ સેવાકાર્યને આગળ ધપાવી રહેલાં વ્રજ રાવે પોતાને આ પ્રકારે ગરીબ બાળકોને મફત સ્લીપર વિતરણ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેનો ખુલાસો કરતાં તેણે જણાવ્યું કે, તે નાનો હતો ત્યારે તેના દાદાએ તેને એક દિવસ નવા સ્લીપર અપાવ્યા હતા. તેના દાદા તેને લઇ ઘેર આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ગરીબ બાળક ધોમધખતા તડકામાં દઝાતા ઉઘાડા પગે સ્લીપર વગર ઉભેલો હતો, તેને જોઇ તેના દાદાએ વ્રજના સ્લીપર પેલા ગરીબ બાળકને આપી દીધા., ત્યારે તે રડવા લાગ્યો હતો, જેથી તેના દાદાએ તેને નવા સ્લીપર અપાવી સમજાવ્યો હતો કે, તને મારી હુંફ છે, તો તું પણ આજ પ્રકારે જરૂરિયાતમંદો માટે સારા કાર્યો કરી હુંફ આપજે. બસ તેના દાદાની આ વાતની તેના મન પર બહુ ઉંડી અસર થઇ અને તેણે ગરીબ બાળકો માટે નિશુલ્ક સ્લીપર વિતરણ કરવાનું નક્કી કર્યું. વ્રજ રાવના આ સમાજસેવી વિચારો સાંભળી તેના પરિવારજનો પણ ખુશ થયા અને તેને આ સેવાકાર્ય માટે મંજૂરી આપી. વ્રજની આ સામાજિક સેવાના અભિયાનમાં તેને સતત સાથ સહકાર આપનાર કૃણાલ શાહ, જયેન્દ્રસિંહ પરમાર, નીરવ બારોટ, ભાવનાબહેન ત્રિવેદી સહિતના લોકોએ પણ સતત તેને પ્રોત્સાહન પૂરું પાડી જોડાયા હતા. ગરીબ બાળકો માટે વ્રજ રાવ તેના વોલેન્ટીયર્સ સાથે લોકોના ઘેર-ઘેર ફરે છે અને વિનાસંકોચે યથાયોગ્ય ફાળો માંગે છે. કોઇ ના આપે તો પણ વ્રજ ખોટું લગાડતો નથી. તે આ સારા-કડવા તમામ અનુભવોમાંથી કંઇક શીખવા મળે છે એમ કહી પોતાના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યો છે. ઉનાળામાં અત્યારસુધીમાં વ્રજ રાવ દ્વારા બે વખત ગરીબ બાળકોને નિશુલ્ક સ્લીપર વિતરણનો કાર્યક્રમ યોજાઇ ગયો છે અને હવે તા.૧લીમે જયારે ગરમીનો પારો ચરમસીમાએ પહોંચશે ત્યારે એ અરસામાં ગરીબ બાળકોને મફતમાં સ્લીપર વિતરણ કરવાનું તેનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, વ્રજ રાવનું આ અનોખુ સેવા અભિયાન જોઇ તેની સર્વયોગમ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ દરેક વિદ્યાર્થીઓના ઘેરથી પસ્તી એકત્રિત કરી તેના દ્વારા મળેલા રૂપિયા વ્રજને ગરીબ બાળકો માટેના સ્લીપર ખરીદી માટે આપવામાં આવ્યા હતા. આમ, વ્રજ રાવની આ અનોખી સેવા લોકોના જનમાનસ પર અંકિત થતી જાય છે, જે ખરેખર સભ્યસમાજને બોધપાઠ લેવા જેવી પ્રેરણા પૂરી પાડે છે.

Related posts

કાર્ડિયેક અરેસ્ટ કોઇ પણ વયમાં થઇ શકે છે : રિપોર્ટ

aapnugujarat

બાલ્ટીક સમુદ્રના તળિયે ઉડતી રકાબી “યુએફઓ”ના અવશેષો

aapnugujarat

અમેરિકન સરહદમાં ચીનની ઘુસણખોરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1