Aapnu Gujarat
ગુજરાત

બિલ્ડરના અપહરણ કેસમાં વધુ બે સગીરની અટકાયત

લાઇફમાં શોર્ટકટ અપનાવી રાતોરાત માલામાલ બનવાની લાલચમાં શહેરના ગેલેક્સી ગ્રુપના બિલ્ડર રજનીકાંતભઆઇ પટેલના અપહરણના ચકચારભર્યા કેસમાં શહેર ક્રાઇમબ્રાંચે વધુ બે સગીર આરોપીની ધરપકડ કરી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, સગીર આરોપીઓ પૈકી એક તો ધોરણ-૧૦નો વિદ્યાર્થી છે, જયારે અન્ય એક એફવાય બીકોમમાં અભ્યાસ કરે છે. પોલીસ તપાસમાં બીજો ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો કે, લબરમૂછિયા આ સગીર આરોપીઓ એટલા નાદાન હતા કે, તેઓએ બિલ્ડર પાસેથી રૂ.પાંચ કરોડની ખંડણી માંગી અને એટલી રકમ તેમની પાસે નહી હોવાથી તેમણે આપેલો પાંચ કરોડની રકમનો ચેક પણ સ્વીકારી લીધો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં અત્યારસુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ગઇકાલે અમદાવાદના અગ્રણી ગેલેક્સી ગ્રૂપના બિલ્ડર રજનીકાંત કચરાભાઇ પટેલનું (૬૦) અપહરણ કરી રૂ. ૫ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચે પાલનપુર નજીકથી રજનીકાંત પટેલને છોડાવી લીધા હતા. આજે રજનીકાંત પટેલે ક્રાઇમબ્રાંચના અધિકારીઓની હાજરીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, આરોપીઓ તેમનું અપહરણ કરી આબુ લઇ ગયા હતા અને પાંચ કરોડની માંગણી કરી હતી. જ્યારે મેં આટલી રોકડ હાથ પર ન હોવાની વાત કરી તો મારા આશ્ચર્ય વચ્ચે તેમણે મારી પાસે ચેક માગ્યો અને મેં મારી પાસે પડેલી ચેકબુકમાંથી પાંચ કરોડનો ચેક ફાડી આપ્યો તો તેમણે લઈ પણ લીધો હતો. રજનીકાંતે જણાવ્યું હતું કે, આરોપી બધા લબર-મૂછિયા જ હતા અને મને પહેલાં ગાડીમાં બેસાડી તેઓ પહેલા રિવરફ્રન્ટ અને પછી અડાલજ થઈ મહેસાણાવાળા રોડ પરથી માઉન્ટ આબુ લઇ ગયા હતા. આબુ પહોંચી તેમણે મારા હાથ રૂમાલથી બાંધી દીધા હતા. પછી તેઓ મને માઉન્ટ પર લઇ ગયા હતા અને પાંચ કરોડની માંગણી કરી હતી. મેં તેમને કહ્યું હતું કે એટલા પૈસા મારી જોડે નથી પછી મેં મારા ભાઇ સાથે ફોન પર પૈસાની વાત કરી હતી. આરોપીઓએ મારો ફોન કાપી નાંખ્યો હતો અને એક કલાક બાદ ફરી મારા ભાઇને ફોન કરવા કહ્યું હતું. બીજીવાર ફોન કરી મેં મારા ભાઇને જાનનું જોખમ હોવાનું જણાવ્યું હતું અને પાંચ કરોડની જરૂર હોવાનું પણ કહ્યું હતું. જોકે, પૈસાની સગવડ ન થતાં આરોપીઓ મને લઇને માઉન્ટ પરથી નીચે ઉતર્યા હતા. પાલનપુર રોડ નજીક એક જગ્યાએ રસ્તામાં તેમણે કાર રોકી નાસ્તો લીધો હતો. તેમણે મને પણ પૂછ્યું હતું કે તમારે શું લેવું છે? એ દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને મને છોડાવી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે અનિકેત પાલ, ભૂપત રબારી, શ્રીકૃષ્ણ તોમર અને આનંદ તોમરની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક અપહરણકારે રજનીકાંતની સ્કીમમાં મકાન લીધું હતું અને બાકીના પૈસા પણ આપવા માગતો ન હતો. જ્યારે એક આરોપી તો ૧૦ ધોરણમાં જ ભણતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે રાજસ્થાન પોલીસ, બનાસકાંઠા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૬ કલાકમાં ૪ અપહરણકારોને અમીરગઢથી ઝડપી લઇ રજનીકાંતને છોડાવ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીની શોધ ચાલુ છે. પૈસા ક્યાં પહોંચાડવા એ બાબતે અપહરણકારો અને દિનેશભાઇ સાથે થયેલી વાતચીતના આધારે પોલીસે મોબાઇલ લોકેશનથી અપહરણકારોને ઝડપી લીધા હતા. જો કે પાંચેય અપહરણકારો પ્રોફેશનલ ગેંગ સાથે સંકળાયેલા ન હતા. જેથી તેમણે રજનીકાંતભાઇ સાથે મારઝૂડ કે કોઇ જબરજસ્તી કરી નહોતી. અપહરણ કરાયેલા પરિવારના મોભી રજનીકાંત પટેલ ગણતરીના કલાકોમાં જ હેમખેમ ઘરે પાછા આવી જતા પરિવારના સભ્યોના જીવમાં જીવ આવ્યો હતો. રજનીકાંત પટેલનો ડ્રાઇવર રજા પર હોવાથી તેઓ જાતે ગાડી લઈને નીકળ્યા હતા. અપહરણ પહેલા સવારે ૮.૪૫ વાગે આરોપીઓએ શ્યામ કુટીર પાસે રજનીકાંતની કાર સાથે બાઇક અથડાવી ઝઘડો કર્યો હતો ત્યારબાદ બપોરે અપહરણ કર્યું હતું.

Related posts

गणदेवी में १३ वर्षीय लड़की पर बलात्कार

aapnugujarat

ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧૦ લાખ યુવાનોને રોજગારી મળી ચુકી છે

aapnugujarat

રાજપથ ક્લબ નજીક કન્સ્ટ્રકશન સ્ટ્રકચર તૂટી પડતાં મજુરનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1