Aapnu Gujarat
ગુજરાત

વડતાલ ધામની સત્‍સંગ સભામાં મુખ્‍યમંત્રીશ્રી પવિત્ર યાત્રાધામોની યાદીમાં વડતાલનો સમાવેશ કરાશે : મુખ્‍યમંત્રીશ્રી

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે પરમ આસ્‍થાની ભૂમિ સમાન વડતાલને, રાજ્યના પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવી લેવાનો સંકેત આપ્‍યો છે.

તેમણે જણાવ્‍યું હતું કે અમે ધર્મદંડને રાજદંડથી સર્વોપરી ગણીએ છે. અભિનવ ઉર્જાથી અને સાધુસંતોના આશિષ માર્ગદર્શનથી રામરાજ્ય સાકાર કરવાનો અમારો સંકલ્‍પ છે. અડીખમ ગુજરાતની દુનિયામાં પ્રતિષ્‍ઠા વધે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીની ભારતને વિશ્વગુરૂ બનાવવાની પરિકલ્‍પનાને પીઠબળ મળે તે રીતે ગુજરાતને પ્રગતિના પંથે આગળ વધારવાની મહેચ્‍છા તેમણે વ્‍યક્ત કરી હતી.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડતાલ ખાતે જગતજનની  મા જગદંબાનપ્રાગટ્ય દિવસ પવિત્ર પોષી પૂનમે સદગુરૂ ધ્‍યાનીસ્‍વામી સ્‍મૃતિ સત્‍સંગ સભામાં ભાગ લીધો હતો. તેમણે હરિકૃષ્‍ણ મહારાજ સહિત દેવોના દર્શન કર્યા હતા તથા સંસ્‍થાના પીઠાધીશ પ.પૂ.રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોના આશિર્વાદ મેળવ્‍યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અવસરે વડતાલ ટેમ્પલ ટ્રસ્ટના સહયોગથી નિર્માણ થનારા રૂ. બે કરોડના આધુનિક બસમથકનો શિલાન્યાસ પણ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીને સંસ્‍થા દ્વારા વૃતાલય શ્રેષ્‍ઠ સત્સંગ રત્‍નના સન્‍માનથી વિભૂષિત કરવામાં આવ્‍યા હતા. આચાર્યશ્રી રાકેશપ્રસાદજીએ તેમને ઐતિહાસિક મૂળ શિક્ષાપત્રીની પ્રતિલિપીની પવિત્ર ભેટ આપી હતી. સંસ્‍થા દ્વારા મુખ્‍યમંત્રીશ્રીની અનોખી પ્રસાદી મગસતુલા કરવામાં આવી હતી. અને એ તમામ પ્રસાદ કન્‍યાઓને પોષક આહાર તરીકે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ ધર્મ શિક્ષણ માટેના સંસ્‍થાના અંગ્રેજી મેગેઝીનના પ્રથમ અંકનું વિમોચન કર્યુ હતું. વિશ્વના ૨૧ દેશોના ભાવિક ભક્તોએ મુખ્‍યમંત્રીશ્રીનું આદર અભિવાદન કર્યુ હતું.

આ પ્રસંગે વાહનવ્‍યવહાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, વિધાનસભાના દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, સર્વશ્રી કેસરીસિંહ સોલંકી, મયુરભાઇ રાવલ, વીનુ મોરપરીયા, અર્જુનસિંહ ચૌહાણ, શ્રી ઝાલાવાડિયા સહિત ધારાસભ્‍યશ્રીઓ, પૂર્વમંત્રી શ્રી રોહિતભાઇ પટેલ સહાનુભાવો, કોઠારી સ્‍વામી ઘનશ્‍યાનદાસજી, દેવસ્‍વામી, નૌતમસ્‍વામી સહિત સંતો, ટ્રસ્‍ટી મંડળ સદસ્‍યો આગેવાનો અને ઘણી મોટી સંખ્‍યામાં ભક્ત સમુદાય ઉપસ્‍થિત રહ્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે વડતાલ ધામમાંથી મળેલા વિજયીભવના શુભાશિષ માટે આભારની લાગણી વ્‍યક્ત કરવાની સાથે, સંતોના આશિષની શક્તિથી લોકોએ ફરી વખત સરકાર બનાવવા અને સેવા કરવાની આપેલી તકને સાર્થક કરવાની લાગણી વ્‍યક્ત કરી હતી.

સામાન્‍ય માણસની આશા અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની તત્‍પરતા વ્‍યક્ત કરી હતી. ગુજરાતને અભૂતપૂર્વ વિકાસના માર્ગે લઇ જવાની, ઈઝ ઓફ ડુઇંગ બીઝનેસ સહિત સર્વ સરળતાઓની રૂપરેખા આપી હતી.

તેમણે કહ્યું કે, અમારે સામાન્યમાં સામાન્ય, ગરીબ-વંચિત સૌને વિકાસના શ્રેષ્ઠ અવસરો આપીને હવે હરેકના દિલ જિતવા છે. ધર્મસભા-સંતશકિત આ સદકાર્યમાં સદા-સર્વદા આશીર્વાદ વરસાવતી રહેશે તેવી અભિલાષા શ્રી વિજયભાઇએ વ્યકત કરી હતી.

સંસ્‍થાવતી સૌને આવકારતા શ્રી નૌતમસ્‍વામીએ પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી કેશુભાઇ અને નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા સ્‍થાપિત યાત્રાધામોને સુવિધાસંપન્ન બનાવવાની પરંપરા આગળ ધપવવા માટે મુખ્‍યમંત્રીશ્રીને બિરદાવ્‍યા હતા.

Related posts

૫૦૦૦ મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાને લીલીઝંડી

aapnugujarat

પંચમહાલ જિલ્લામાં સુશાસન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

editor

બે ચેઈનસ્નેચર ઝડપાયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1