Aapnu Gujarat
ગુજરાત

ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા માંડવી તાલુકાના પીયાવા ખાતે નવનિર્મિત કન્યાવિદ્યામંદિરનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ડિઝીટલ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યની રપ૦ થી વધુ પ્રાથમિક શાળાઓમાં ડિઝીટલ-વર્ચ્યુઅલ કલાસરૂમ કાર્યરત પણ કરી દેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ઇ.સ.ર૦૧૮ નૂતન વર્ષનો પ્રથમ દિવસ કન્યા કેળવણીને સમર્પિત કરતાં કચ્છના માંડવી તાલુકાના પિયાવામાં નવનિર્મિત સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિરનો લોકાર્પણ કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન-પ્રેરણા આપવાના અભિગમની ભૂમિકા આપતાં કહ્યું કે દોઢ દાયકા પૂર્વે ગુજરાતમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ પ૭ ટકા હતું, તે હવે ૭૦ ટકા સુધી પહોંચ્યું છે અને હવે સમાજ અને સરકારના સહયોગથી ૧૦૦ ટકા કન્યા સાક્ષરતાનો ધ્યેય પાર પાડવો છે. ૯ એકર વિસ્તારમાં રૂ.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત આ સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિરમાં ૧ર૦૦ થી વધુ દિકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરશે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યની ૫૭ હજાર સરકારી શાળામાં નવા ઓરડાઓ સાથે, બાલિકાઓ માટે અલાયદા ટોઇલેટ બ્લોક, વીજળી, પીવા માટે શુદ્ધ પાણીની સુવિધા રાજ્ય સરકારે પૂરી પાડી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ભીક્ષામાં કન્યા કેળવણી માંગી હતી. હવે, આ સરકાર માતૃસત્તાત્મક સમાજની રચના માટે કટિબદ્ધ છે. દીકરી સંસ્કારની વાહક છે, સેવાની હિમાયતી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારીસશક્તિકરણનો મહિમા રહ્યો છે. નારીને નારાયણી માનવામાં આવી છે. ત્યારે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કન્યાઓના શિક્ષણ માટે માંડવીમાં આદરવામાં આવેલો યજ્ઞ સરાહનીય કદમ છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ ભગવાને સદ્દવિદ્યા પ્રસરાવવાની આજ્ઞા આપી છે. તે મુજબ સંપ્રદાયના સંતો પૂજન સાથે સદ્દવિદ્યાનો પ્રસાર અને સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. શિક્ષણ સાથે આરોગ્ય ક્ષેત્રમાં પણ સમાજિક યોગદાનની જરૂરત તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સંતગણ સાથે સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરનું લોકાર્પણ કરી પરિસરની મુલાકાત લીધી હતી. એ પૂર્વે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગાદીપતિ આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને મુખ્યમંત્રીશ્રીએ પરસ્પર અભિવાદન કર્યું હતું. દાતાઓનું પણ આ વેળાએ સન્માન કરવામાં આવ્યું હતું. ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં રૂપિયા પાંચ લાખનું દાન આપવામાં આવ્યું હતું. મહંત સ્વામિ શ્રી ધર્મનંદનદાસજી સહિતના સંતોએ આશીર્વચન આપ્યા હતા અને પાર્ષદ શ્રી જાદવ ભગતે સંસ્થાની રૂપરેખા આપી હતી.

આ તકે રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર, સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય શ્રી નિમાબેન આચાર્ય, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરીયા સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

अहमदाबाद : चार दिन में उल्टी-दस्त के ७६ केस

aapnugujarat

પતિનું કાસળ કઢાવનારી પત્ની રેખાને અફસોસ નથી

aapnugujarat

અભ્યારણમાં વન્ય પ્રાણી માટે પાણી હવાડા ખાલીખમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1