Aapnu Gujarat
ગુજરાત

શહેર-જિલ્લામાં ૨૬ વર્ષમાં ૪૮,૫૮૫ ફરિયાદો દાખલ : ૨૪મીએ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન મનાવાશે

તા.૨૪મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન છે. તા.૨૪-૧૨-૧૯૮૬ના રોજ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન લોકસભામાં ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા ધારો પસાર કરાયો હતો. તા.૨૪મી ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા ધારાને ૩૧ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે એટલું જ નહી, ૧૯૮૯-૯૦માં ગુજરાત રાજયમાં સ્ટેટ કમીશન અને શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમોની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઇ અત્યારસુધીના ૨૬ વર્ષોના ગાળામાં રાજયની કુલ ૩૮ ગ્રાહક ફોરમોમાં માત્ર ૨,૧૯,૩૦૩ ગ્રાહકોએ ફરિયાદ દાખલ કરી છે. જેમાં અમદાવાદ શહેર-જિલ્લાની ફોરમોમાં પાછલા ૨૬ વર્ષોમાં માત્ર ૪૮,૫૮૫ ફરિયાદો દાખલ થવા પામી છે. ગ્રાહક જાગૃતિના સ્તરના આ આંકડા ઘણા ચોંકાવનારા અને આઘાતજનક છે કારણ કે, અમદાવાદ શહેરમાં અંદાજે એક કરોડની કુલ વસ્તી સામે દરરોજ માત્ર પાંચ ગ્રાહકો ફોરમ સુધી જાય છે એટલે ક, ૨૦ લાખ ગ્રાહકોમાંથી માત્ર એક ગ્રાહક ફરિયાદ દાખલ કરે છે. ગ્રાહકોની જાગૃતિના અભાવે અને ફરિયાદો દાખલ કરવામાં દાખવાતી ઉદાસીનતાના કારણે આજે તમામ ક્ષેત્રોમાં ગ્રાહક છેતરાઇ રહ્યો છે અને તેથી ગ્રાહકો અસરકારક જાગૃતિ કેળવે તે ખૂબ જરૂરી છે એમ અત્રે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિતે ગ્રાહકોની ઉદાસીનતા અને બિનજાગૃતિ અંગે ભારે ચિંતા વ્યકત કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ગ્રાહકોના હિત અને સુરક્ષા માટે ૩૧ વર્ષોથી ગ્રાહક સુરક્ષા ધારો આવ્યો છે પરંતુ હજુ પણ ગ્રાહકો આ કાયદા હેઠળ પૂરતો લાભ મેળવતા થયા નથી, જે ઘણી દુઃખદ બાબત છે. કાયદો અમલમાં આવ્યાને ૩૧ વર્ષ થયા અને ગ્રાહક કોર્ટો સ્થપાયે ૨૬-૨૬ વર્ષો વીત્યા પરંતુ હજુ સુધી રાજયના અંદાજે સાત કરોડથી વધુ ગ્રાહકોની સંખ્યાના દ્રષ્ટિકોણથી જોઇએ તો, રાજયના કુલ ૩૮ ગ્રાહક ફોરમોમાં અત્યારસુધી રોજની સરેરાશ માત્ર એક ફરિયાદ અને કુલ ૨૨ ફરિયાદો દાખલ થાય છે. ગુજરાતમાં ૧૯૯૦માં શહેર જિલ્લા ગ્રાહ્‌ક તકરાર નિવારણ ફોરમ અને સ્ટેટ કમીશનની રચનાના ૨૬ વર્ષો બાદ પણ રાજયની ૩૮ ગ્રાહક ફોરમોમાં કુલ ૨,૧૯,૩૦૩ ગ્રાહકોએ ફરિયાદ દાખલ કરી છે.
અમદાવાદ શહેર અને જિલ્લાની એક કરોડની વસ્તીની રીતે જોઇએ તો, ૨૬ વર્ષોમાં અમદાવાદ શહેર-જિલ્લા ગ્રાહક ફોરમોમાં માત્ર ૪૮,૫૮૫ ફરિયાદો દાખલ થઇ છે. એટલે કે, અમદાવાદ શહેરની અંદાજિત એક કરોડની વસ્તી સામે રોજના માત્ર પાંચ ગ્રાહકો જ ફોરમ સુધી પહોંચે છે. ટૂંકમાં, ૨૦ લાખ ગ્રાહકોમાંથી માત્ર એક જ ગ્રાહક ફરિયાદ નોંધાવે છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ(સ્ટેટ કમીશન)માં અત્યારસુધીમાં ફરિયાદો, અપીલો, સીઆરએ, ઇ.એ, સીએમએ વગેરે મળી કુલ ૫૬,૧૭૫ મેટરો દાખલ થઇ છે, જેમાંથી ૫૧,૨૧૩નો નિકાલ થતાં ૪,૯૬૨ મેટરો હજુ પેન્ડીંગ છે. તો રાજયની જુદી જુદી ૩૮ ગ્રાહક ફોરમોમાં કુલ ૨,૧૯,૩૦૩ ફરિયાદો દાખલ થઇ હતી, જેમાંથી ૨,૦૧,૭૪૯નો નિકાલ થતાં ૧૭,૫૫૪ મેટરો પેન્ડીંગ છે. ગ્રાહક કોર્ટો અને ફોરમોમાં ગ્રાહકો દ્વારા દાખલ થતી ફરિયાદોના આંક ચિંતાજનક છે કારણ કે, શહેર સહિત રાજયભરના ગ્રાહકોમાં હજુ ભયંકર અજાગૃતતા અને ઉદાસીનતા છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય) દ્વારા છેલ્લા ૨૫-૩૦ વર્ષોથી ગ્રાહકોને જાગૃત કરવાના અને તેઓને ન્યાય અપાવવાના સંનિષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે. રાજયના હજારો ગ્રાહકોના હિતમાં સમિતિએ સ્વયં પોતાના ખર્ચે કેસો લડી તેઓને ન્યાય અપાવ્યો છે ત્યારે હવે ગ્રાહક સુરક્ષા કાયદાને ૩૧ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે અને ગ્રાહક કોર્ટોની સ્થાપનાને ૨૬-૨૬ વર્ષ થઇ રહ્યા છે ત્યારે હવે ગ્રાહકોએ અસરકારક જાગૃતતા કેળવવાનો સમય પાકી ગયો છે.

Related posts

बस स्टेन्ड से अतिक्रमण हटाने की योजना असफल

aapnugujarat

ચાંદખેડામાં પરિવાર પર હુમલો કરીને દિલધડક લૂંટથી ચકચાર

aapnugujarat

લો ગાર્ડનનું ખાણીપીણી બજાર કાયમી ધોરણે બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1