Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક સભામાં લોકો આવ્યા પણ વોટ તો ભાજપને આપ્યા : સુરતમાં કોંગ્રેસનાં સૂપડા સાફ

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં સૌકોઇની નજર હાર્દિક પટેલના પાટીદાર ફેકટર પર મંડાયેલી હતી. કારણ કે, આ વખતની ચૂંટણીમાં જો કોઇ અણધાર્યું પરિણામ લાવી શકે તેવું જો કોઇ સૌથી મોટું ફેકટર હોય તો તે હતુ પાટીદાર અનામત આંદોલનનું પરિબળ. પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતના રાજકારણમાં રીતસરનું વાવાઝોડું ઉભુ કર્યું હતું. હાર્દિકની જાહેરસભાઓ અને રોડ-શોમાં જે પ્રકારે વિશાળ જનમેદની અને લોકો ઉમટયા હતા તે જોઇને તો ભાજપના નેતાઓને પરસેવો છૂટી ગયો હતો પરંતુ આખરે જે પ્રકારના ચૂંટણીના પરિણામો આવ્યા તે જોતાં સ્પષ્ટ થઇ ગયું કે, હાર્દિક ફેકટરનો જોરદાર ફિયાસ્કો થયો છે અને એ વાત પણ સાબિત થઇ ગઇ છે કે, હાર્દિકની સભાઓમાં જે કોઇપણ લોકો આવ્યા તેમણે પોતાનો વોટ તો છેવટે ભાજપને જ આપ્યો. એવું કહેવાય કે, ભાજપની વિરૂધ્ધના હાર્દિકની ઝુંબેશ અને પ્રયાસો બિનઅસરકાર અને નિરર્થક સાબિત થયા. પાસના યુવા નેતા અમદાવાદ, સુરત, ઉત્તર ગુજરાત સહિતના રાજયના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર અને પ્રચંડ રેલીઓ અને રોડ-શો યોજયા હતા. તેમાંય અમદાવાદ અને સુરતમાં તો હાર્દિક પટેલની રેલીઓને જોરદાર અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, જે જોઇને ભાજપની છાવણીમાં તો ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું અને પાટીદારોના વિસ્તારોમાં તો ભાજપની હાર નિશ્ચિત મનાવા માંડી હતી. પરંતુ જે પ્રકારના આંચકાજનક પરિણામો આવ્યા તે જોતાં પુરવાર થઇ ગયું કે, હાર્દિક ફેકટર ફેલ રહ્યું અને ગાજયા મેઘ વરસ્યા નહી તેવો ઘાટ સર્જાયો હતો. કારણ કે, અમદાવાદમાં પણ હાર્દિક પટેલનો જાદુ ચાલ્યો નહી. અમદાવાદની ઠક્કરબાપાનગર, નિકોલ, વસ્ત્રાલ અને ઘાટલોડિયા જેવી બેઠકો કે જયાં પાટીદારોનું જબરદસ્ત વર્ચસ્વ છે ત્યાં પણ હાર્દિકે ભાજપને મ્હાત આપવા અનેક સભા અને રોડ શો કર્યા હતા પરંતુ તે બધા પર પાણી ફરી ગયું. પાટીદારોના ગઢ મનાતી આ તમામ બેઠકો ભાજપ જીતી ગઇ છે. આ જ પ્રકારે સુરતમાં પણ ભાજપે સુપડા સાફ કરી નાંખ્યા. સુરતમાં વરાછા, કતાર ગામ સહિતના વિસ્તારોમાં હાર્દિક પટેલે જાહેરસભાઓ કરી પાટીદારોને બહુ ઉશ્કેર્યા હતા અને ભાજપને હરાવવાની પૂરેપૂરી રણનીતિ ગોઠુવી હતી પરંતુ સુરતમાં હાર્દિક ફેકટરની ધજ્જિયાં ઉડી ગઇ. આવી જ સ્થિતિ મહેસાણા અને રાજકોટમાં સર્જાઇ. મહેસાણા અને રાજકોટમાં પણ હાર્દિક પટેલ ફેકટરની જોઇએ એવી અસર ના વર્તાઇ જેના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ શરૂઆતમાં પાછળ હોવાછતાં છેવટે જીતી ગયા. ગુજરાત વિધાનસભા ચૂંટણીના આ પરિણામો જોતાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો મૃત્યુઘંટ વાગી જશે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે. સમગ્ર રાજયમાં સૌરાષ્ટ્ર સિવાય પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલની અસર કયાંય વર્તાઇ ન હતી. ટૂંકમાં, પરિણામો પરથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ કે, હાર્દકની રેલીઓ, સભાઓ અને રોડ-શોમાં જેટલા લોકો આવ્યા તેમણે વોટ તો ભાજપને જ આપ્યો.

Related posts

પાવી જેતપુર ખાતે હજરત ગેબનશહીદ બાવાનો ઉર્ષ ઉજવાયો

aapnugujarat

વડોદરા જિલ્લામાં ૩૨૦૧૯ રાંધણગેસ જોડાણો આપવામાં આવ્યા છે : જિલ્લા પુરવઠા અધિકારી

aapnugujarat

राहुल आज से गुजरात की यात्रा पर : भरचक कार्यक्रम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1