Aapnu Gujarat
ગુજરાત

૧૮મીએ ગણતરી, બપોરે ૧૨ વાગ્યા સુધી ટ્રેન્ડ જાણી શકાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ હવે તમામ ઇવીએમ અને વીવીપેટ મશીનો નિયત સ્ટ્રોંગ રૂમમાં લોખંડી સુરક્ષા કવચ હેઠળ સુરક્ષિત કરી દેવાયા છે. સીસીટીવી કેમેરા, સુરક્ષા જવાનો અને કંટ્રોલરૂમની બાજ નજર હેઠળ સ્ટ્રોંગ રૂમની અંદરની અને બહારની એકેએક હરકત પર તંત્ર અને અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રખાઇ રહી છે. રાજયભરમાં તા.૧૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાનાર છે ત્યારે ચૂંટણીના પરિણામોને લઇ ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો સહિત તેમના સમર્થકો અને ટેકેદારોમાં ભારે ઉત્તેજના અને આતુરતાનો માહોલ છવાયો છે. અમદાવાદ શહેરની ૧૬ અને ગ્રામ્યની પાંચ મળી કુલ ૨૧ બેઠકોની મતગણતરી શહેરના એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજ, પોલીટેકનીક અને ગુજરાત કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. બપોરે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ ઉમેદવારોના હાર-જીતનો ટ્રેન્ડ ખબર પડી જશે. તા.૧૮મી ડિસેમ્બરે સવારે આઠ વાગ્યાથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો, તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ચૂંટણી કર્મચારીઓ દ્વારા મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે તે બેઠકના કુલ મતદાન નથકમાં ઇવીએમના મતની ગણતરી માટે ૧૪ ટેલબ રાખવામાં આવશે. મતદાન મથકની કુલ સંખ્યાના આધારે મતગણતરીના રાઉન્ડ નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે બાપુનગર બેઠકમાં સૌથી ઓઠા ૧૯૫ મતદાન મથકો છે તો આ બેઠક માટે મતગણતરીના ૧૪ રાઉન્ડ યોજાશે, જયારે ઘાટલોડિયામાં સૌથી વધુ ૩૬૧ મતદાન મથકો છે ત્યારે ત્યાં મતગણતરીના લગભગ ૨૫થી ૨૬ રાઉન્ડ યોજાશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની તમામ ૨૧ બેઠકો પર ઉમેદવારોની હાર-જીતનો ટ્રેન્ડ લગભગ બાર વાગ્યાની આસપાસ સામે આવી જશે. આ વખતે ઇવીએમની સાથે સૌપ્રથમવાર વીવીપેટ મશીનનો પણ ઉપયોગ કરાયો હોઇ વીવીપેટની કાપલીની ગણતરીનો નવતર પ્રયોગ પણ હાથ ધરાશે. જેમાં જે તે વિધાનસભા બેઠકના તમા મતદાનમથકના ક્રમાનુસાર ચિઠ્ઠી બનાવીને તેમાંથી ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કોઇપણ એક મતદાન મથકની ચિઠ્ઠી અંદાજાથી ઉપાડાશે અને પછી તે મતદાનમથકના ઇવીએમ સાથે જોડાયેલા વીવીપેટને ખોલી તેની કાપલીની ગણતરી કરવામાં આવશે અને ઇવીએમના પરિણામ સાથે તેને સરખાવવામાં આવશે. મતગણતરીની પ્રક્રિયા આશરે અઢી વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે પરંતુ વીવીપેટ કાપલીના ગણતરી કરવાના નવતર પ્રયોગને લઇ અડધો કલાક કે પોણા કલાક પરિણામ વિલંબિત થઇ શકે છે. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયના તમામ સ્થળોએ જયાં ઇવીએમ અને વીવીપેટ મશીનો રખાયા છે તે સ્થળોએ અને તેની ફરતે સ્થાનિક પોલીસ ઉપરાંત, સીઆઇએસએફ, સીઆરપીએફ, આઇબીપીટી સહિતના સશસ્ત્ર સુરક્ષા જવાનો ખડકી દેવાયા છે અને લોખંડી અભેદ્ય કવચ ઉભુ કરી દેવાયું છે. તો, ઇવીએમમાં ગડબડીની દહેશતને લઇ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના તમામ સ્થળોએ કોંગ્રેસે તેના એજન્ટો અને માણસોને સ્ટ્રોંગ રૂમની બહાર ખાસ વોચ રાખવા માટે તૈનાત કરી રાખ્યા છે. તા.૧૮મીના પરિણામને લઇ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના દિલના ધબકારા વધી ગયા છે, તો સાથે સાથે તેમના સમર્થકો-ટેકેદારોમાં પણ ભારે ઉત્તેજના વચ્ચે ગુજરાતની જનતામાં પણ પરિણામોને લઇ ભારે આતુરતા જોવા મળી રહી છે.

Related posts

ભાજપે બિમલ શાહ, કમા રાઠોડ સહિત ૨૪ને સસ્પેન્ડ કર્યાં

aapnugujarat

લખતરના વરસાણી ગામના યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

aapnugujarat

દિયોદરના પાલડી ગામમાં મહિલાએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1