Aapnu Gujarat
ગુજરાત

જેડીયુનો ૧૦૦ ઉમેદવારો ઉભા રાખવા માટેનો નિર્ણય

નીતિશકુમારના નેતૃત્વવાળી જનતાદળ(યુનાઇટેડ )પાર્ટી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેના ૧૦૦ ઉમેદવારો ઉભા રાખશે. આજરોજ જનતાદળ(યુ)ના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી અખિલેશ કટિયાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે જનતાદળ(યુ)ના ૨૫ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં જનતાદળ સાથેનો છેડો ફાડી તાજેતરમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી નામનો નવો પક્ષ રચનાર છોટુ વસાવાના સ્થાને ઝઘડીયા બેઠક પરથી આ જ નામનો ઉમેદવાર છોટુ અભેસિંહ વસાવાને ઉભો રાખી પાર્ટીએ ભારે ચર્ચા જગાવી છે. જનતાદળ(યુ)ના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી અખિલેશ કટિયારે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તેમની પાર્ટીના ચાર મંત્રીઓ, દસ સાંસદો સહિતના મહાનુભાવો તેમના ઉમેદવારોના પ્રચાર અર્થે ગુજરાત આવશે. જેમાં રાષ્ટ્રીય પ્રવકતા કે.સી.ત્યાગી, રાજયસભા સાંસદ આર સી.પી.સિંહ, કેબિનેટ મંત્રી લલનસિંહ વગેરેનો સમાવેશ થાય છે. જનતાદળ(યુનાઇટેડ)ના ગુજરાતના પ્રભારી અખિલેશ કટિયાર અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૦૨થી જનતાદળ(યુ) તેના ઉમેદવારો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉભા રાખતી આવી છે અને તેને ભાજપ-કોંગ્રેસ પછી ટકાવારીની દ્રષ્ટિએ વધુ મતો મળ્યા હોય તેવી ત્રીજા નંબરની પાર્ટી બની છે, તેથી આ વખતે અમારી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ ઉમેદવારો ઉભા રાખશે. તેમણે ૨૫ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી બાકીના ૭૫ ઉમેદવારોની યાદી એકાદ-બે દિવસમાં જાહેર કરી દેવાની તત્પરતા દાખવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો બિહારમાં જનતાદળ(યુ)એ આપેલા ૧૨ વર્ષના સુશાસનના ઇતિહાસ, સરકારી નોકરીઓમાં મહિલાઓને ૫૦ ટકા અનામત, ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ સહિતના મુદ્દાઓને લઇ પ્રજાની વચ્ચે જશે. આ વખતે પણ અમારી પાર્ટીના સારા દેખાવની અમને આશા છે એમ તેમણે ઉમેર્યું હતું. હાર્દિક પટેલના અનામત આંદોલન મુદ્દે જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય મહામંત્રી અખિલેશ કટિયારે જણાવ્યું હતું કે, વ્યકિતગત રીતે હાર્દિક પટેલના અનામત આંદોલનને હું સમર્થન કરું છું અને પાટીદારોને જો અનામત મળવાપાત્ર હોય તો તે મળવી જોઇએ એમ મારૂં માનવું છે.

Related posts

ગોધરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ

editor

સામાજિક સમરસતા સમિતી વિરમગામ દ્વારા “રક્ષાબંધન સ્નેહ સંમેલન”યોજાયુ

aapnugujarat

ગાંધીનગર સરિતા ગાર્ડન બહાર યુવક અને યુવતી નશાની સ્થિતિમાં ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1