Aapnu Gujarat
ગુજરાત

નરોડા ગામ કેસ : માયાબહેન કોડનાની વિધાનસભા અને સોલા સિવિલમાં હાજર હતા : અમિત શાહે આપેલી મહત્વપૂર્ણ જુબાની

નરોડા ગામના ચકચારભર્યા રાયોટીંગ કેસના ટ્રાયલ દરમ્યાન  ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જુબાની અને ઉલટતપાસ પૂર્ણ કરાઇ હતી. લગભગ ૫૮ મિનિટ સુધી શાહની જુબાની અને ઉલટતપાસ ચાલ્યા હતા. માયાબહેન તરફે બચાવપક્ષના સાહેદ તરીકે અમિત શાહને કોર્ટ રૂબરૂ તપાસવામાં આવ્યા હતા. જેમાં અમિત શાહે સાફ શબ્દોમાં કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે, માયાબહેન કોડનાની બનાવના દિવસે વિધાનસભા અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હતા. એ દિવસે ગોધરાકાંડમાં માર્યા ગયેલા મૃતકોને લઇ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટેલા તેમના પરિવારજનો અને નાગરિકોમાં આક્રોશ હતો અને તેથી પોલીસ મને અને માયાબહેનને કોર્ડન કરી પોલીસજીપમાં લઇ ગઇ હતી. નરોડા ગામ કેસમાં આરોપી માયાબહેન કોડનાની તરફે બચાવપક્ષના સાહેદ તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જુબાની એડવોકેટ અમિત શાહે લીધી હતી. અમિત શાહે કોર્ટ સમક્ષ આપેલી શબ્દશઃ જુબાની કંઇક આ પ્રમાણે છે. “ગત તા.૨૭-૨-૨૦૦૨ ના રોજ ગોધરા મુકામે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બો બાળવાનો બન્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. આ ટ્રેનમાં અમદાવાદ શહેર સહિત જુદા જુદા વિસ્તારના લોકો ભોગ બન્યા હતા. એ દિવસે વિધાનસભાનું સત્ર ચાલુ હતુ અને બીજા દિવસે વિધાનસભાનું સત્ર મળશે તેવી અધ્યક્ષ તરફથી જાહેરાત કરાઇ હતી. હું તા.૨૮-૨-૨૦૦૨ના રોજ સવારે ૭-૧૫ વાગ્યાના રોજ મારા ઘેરથી નીકળી ગાંધીનગર વિધાનસભા જવા નીકળ્યો હતો. ગૃહનું સત્ર એ દિવસે સવારે ૮-૩૦ વાગ્યે શરૂ થવાનું હતું. હું મારી ગાડીમાં ગયો હતો અને ગાડી મારો ડ્રાઇવર ચલાવતો હતો. વિધાનસભા પહોંચ્યો ત્યારે અધ્યક્ષ અને લગભગ તમામ સભાના સભ્યો હાજર હતા. તા.૨૭મીએ બનેલા ગોધરા ટ્રેન બનાવમાં ઘણા લોકોનું અવસાન થયું હોવાથી મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા માટે બેઠક રખાઇ હતી. બેઠકમાં બનાવમાં અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ અર્પાઇ હતી. મને આંક ૧૭૬૨નું સી.નં.૬૪ બતાવાયું છે તે જોતાં હું જણાવું છું કે, તેમાં મારી સહી છે અને હું તે ઓળખી બતાવું છું. મેં એ દિવસે માયાબહેનને વિધાનસભામાં હાજર જોયા હતા અને હું સ્પષ્ટપણે જણાવુ છું કે, તા.૨૮-૨-૨૦૦૨ના રોજ માયાબહેન કોડનાનીની વિધાનસભા બેઠકમાં ઉપસ્થિતી હતી. વિધાનસભાની બેઠક મુલત્વી થયા પછી સોલા સિવિલ હોસ્પિટલે ઘણા બધા લોકોના મારા પર ફોન આવવા લાગેલા. મારે જણાવવાનું  કે, સોલા સિવિલ હોસ્પિટલ મારા મત વિસ્તારમાં સ્થિત હોઇ તે સંજોગોમાં હું ગાંધીનગર વિધાનસભાથી સોલા સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યો હતો. હું સોલા સિવિલ સવારે ૯-૩૦થી ૯-૪૫ દરમ્યાન પહોંચ્યો હતો, ચોક્કસ સમય કહી શકતો નથી. સોલા સિવિલ પહોંચતા મેં જોયેલું કે, મૃતકોના મૃતદેહો ત્યાં લાવવામાં આવતા દરેકના ઘણાબધા સગા સંબંધીઓ ત્યાં હાજર થયેલા અને મૃતદેહ પર પોસ્ટમોર્ટમ વિગેરે કાર્યવાહી થઇ રહી હતી. મારે જણાવવાનું કે, તે વખતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે થોડી અફરાતફરીનો માહોલ હોય તેવું મને લાગેલુ. હું સૌપ્રથમ જયાં પોસ્ટમોર્ટમ થઇ રહ્યા હતા ત્યાં ગયો હતો પરંતુ ત્યાંના હાજર અધિકારીઓએ મને અંદર જવા દીધેલ નહી. તેથી ત્યાં  બહાર આસપાસના મૃતકોના સગાસંબંધીઓ હતા ત્યાં હું ગયો હતો તેમ જ જે મૃતદેહ પોસ્ટમોર્ટમ થઇ ગયા છે અને તેના આઇડેન્ટીફિકેશનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યાં પણ હું ગયો હતો. ત્યાં અમારા પક્ષના પણ ઘણાબધા કાર્યકર્તાઓ વિગેરે હાજર હતા. મેં ત્યાં અમારા વોર્ડના ઘણાબધા કાર્યકરો અને ઓળખીતાઓ હતા અને એક નટુભાઇ વાઘેલાને જોયેલાનું મને યાદ છે. હું ઘણો સમય ત્યાં રહેલો. મારી ફરીથી જણાવવાનું કે, હું બહાર નીકળ્યો ત્યારે લોકોમાં ઘણો આક્રોશ હોઇ સૂત્રોચ્ચાર ચાલુ હતો અને મેં એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરેલો પણ તે લોકોએ મને પણ ઘેરી લીધેલો, તેથી પોલીસવાળાએ મને કોર્ડન કરી દૂર એકબાજુએ લઇ ગયેલા.મને પોલીસવાળાએ કોર્ડન કર્યા પછી મારી ગાડી તે સ્થળે દૂર પાર્ક થયેલી હોઇ પોલીસવાળાએ મને તેમની જીપમાં બેસાડી દીધેલો અને તે લોકો મને સોલા સિવિલ હોસ્પિટલમાંથી મારા ઘરે લઇ જવાની તૈેયારી કરતા હતા તે દરમ્યાનમાં અમુક બીજા પોલીસવાળા માયાબહેન કોડનાનીને કોર્ડન કરી એ રીતે અમારી તરફ લાવેલા, તેથી પોલીસવાળાએ મને અને ડો.માયાબહેન બંનેને એક જ જીપમાં બેસાડી દીધા હતા. તે વખતે મને યાદ છે ત્યાં સુધી આશરે સવારના ૧૧.૦૦થી ૧૧.૧૫નો સમય થયો હશે. ચોક્કસ કહી શકું નહી અને આ રીતે મને અને માયાબહેનને પોલીસવાળા પોલીસજીપમાં બેસાડીને ત્યાંથી લઇ ગયા હતા. ”(અનુસંધાન નીચેના પાને)

Related posts

ફેસબુક પર મોગલ માંઇ અંગે અભદ્ર ટિપ્પણીને લઇ ફરિયાદ

aapnugujarat

કાર્ડ મારફતે ૧.૩૮ લાખ રૂપિયા ગઠિયાએ ઉપાડ્યા

aapnugujarat

वडोदरा में युवती पर एसिड अटैक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1