Aapnu Gujarat
રાષ્ટ્રીય

આગામી વચગાળાના બજેટમાં કૃષિ ધિરાણ વધારીને ૨૨-૨૫ લાખ કરોડ કરાશે

સરકાર આગામી વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂ. ૨૨-૨૫ લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ-ધિરાણનો લક્ષ્યાંક રૂ. ૨૦ લાખ કરોડ છે.
હાલમાં, સરકાર તમામ નાણાકીય સંસ્થાઓ માટે રૂ. ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર બે ટકાની વ્યાજ સબવેન્શન આપે છે. આનો અર્થ એ થયો કે ખેડૂતોને વાર્ષિક સાત ટકાના રાહત દરે ૩ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મળી રહી છે.
સમયસર ચુકવણી કરનારા ખેડૂતોને દર વર્ષે ત્રણ ટકાની વધારાની વ્યાજ છૂટ પણ આપવામાં આવી રહી છે. ખેડૂતો લાંબા ગાળાની લોન પણ લઈ શકે છે પરંતુ વ્યાજ દર બજાર દર મુજબ છે.
સૂત્રોએ જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધીને ૨૨-૨૫ લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. કૃષિ-ધિરાણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સરકાર બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ નેટવર્કમાં લાવવા માટે અનેક ઝુંબેશ ચલાવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કૃષિ મંત્રાલયે કેન્દ્રિત અભિગમના ભાગરૂપે ’ક્રેડિટ’ (લોન માટે) પર એક અલગ વિભાગ પણ બનાવ્યો છે. આ ઉપરાંત સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં વિવિધ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે લોનનું વિતરણ લક્ષ્યાંક કરતાં વધુ રહ્યું છે.
સરકારી ડેટા દર્શાવે છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં, ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ૨૦ લાખ કરોડ રૂપિયાના કૃષિ-ધિરાણના લક્ષ્યાંકના લગભગ ૮૨ ટકા હાંસલ કરવામાં આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, આ સમયગાળામાં ખાનગી અને જાહેર બંને બેંકો દ્વારા લગભગ રૂ. ૧૬.૩૭ લાખ કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “કૃષિ-ધિરાણનું વિતરણ ચાલુ નાણાકીય વર્ષમાં પણ લક્ષ્યાંક કરતાં વધી જાય તેવી શક્યતા છે.” નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ કૃષિ ધિરાણનું વિતરણ ૨૧.૫૫ લાખ કરોડ રૂપિયા હતું. આ સમયગાળા માટે નિર્ધારિત રૂ. ૧૮.૫૦ લાખ કરોડના લક્ષ્યાંક કરતાં આ વધુ હતું.
માહિતી અનુસાર, કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)ના નેટવર્ક દ્વારા ૭.૩૪ કરોડ ખેડૂતોએ લોન મેળવી છે. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી લગભગ રૂ. ૮.૮૫ લાખ કરોડ બાકી હતા.

Related posts

ટ્રેનમાં એસી મુસાફરી મોંઘી થશે

aapnugujarat

૩૪ હજારના સિક્કા લઇ પતિ કોર્ટમાં પત્નીને ભરણપોષણ આપવા પહોંચ્યો

aapnugujarat

ભારત એક સેક્યૂલર દેશ છે, ઈસ્લામિક બેંકિંગ લાવવાનો કોઈ ઈરાદો નથી : નકવી

aapnugujarat
UA-96247877-1