અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા લિથોનિયામાં બનેલી એક ભયાનક ઘટનામાં ૨૫ વર્ષના ભારતીય યુવકની એક હોમલેસ વ્યક્તિ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, મૃતકનું નામ વિવેક સૈની હોવાનું જાણવા મળ્યું છે, જે એક ગેસ સ્ટેશનમાં કામ કરતો હતો. વિવેક જે ગેસ સ્ટેશનમાં જોબ કરતો હતો તે લિથોનિયાના ક્લેવલેન્ડ રોડ પર આવેલું હતું. જે વ્યક્તિએ વિવેકની હત્યા કરી છે તેની ઓળખ જુલિયાન ફોલ્કનર તરીકે કરવામાં આવી છે, પોલીસના જણાવ્યા અનુસાર હત્યારાની ઉંમર ૫૩ વર્ષ છે, અને તે લિથોનિયાની આસપાસના વિસ્તારોમાં જ ફરતો રહેતો હતો.
જોકે, ચોંકાવનારી વાત એ છે કે હાલ અમેરિકામાં કાતિલ ઠંડી પડી રહી છે અને વિવેકે તેની હત્યા કરનારા જુલિયાનને તેના ગેસ સ્ટેશન પાસે આશરો આપ્યો હતો. વિવેકની સાથે કામ કરતા બીજા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, હત્યારો બે દિવસથી તેમના ગેસ સ્ટેશન પાસે જ રહેતો હતો. વિવેકે તેને ચિપ્સ તેમજ કોલ્ડડ્રીંક આપવાની સાથે ઠંડીથી બચવા માટે જેકેટ પણ આપ્યું હતું.
મૃતક વિવેકને અમેરિકા આવ્યે હજુ ખાસ સમય પણ નહોતો થયો, તે તાજેતરમાં જ MBA થયો હતો. વિવેકની નજીકમાં જ આવેલા એક ગેસ સ્ટેશન પર જોબ કરતાં એક ગુજરાતી વ્યક્તિએ જણાવ્યું હતું કે વિવેક ખૂબ જ દયાળુ વ્યક્તિ હતો, પરંતુ તેણે જેને આશરો આપ્યો હતો, જેને બે દિવસ સુધી મફતમાં જમવાનું આપ્યું હતું તે જ વ્યક્તિએ તેનો જીવ લીધો હતો.
વિવેકનો હત્યારો જુલિયાન એક ગુજરાતીના ગેસ સ્ટેશન પર પણ નિયમિત આવતો હતો અને મોટાભાગે ઘણીવાર કોફી કે પછી સિગરેટ લઈને પૈસા આપ્યા વિના જ જતો રહેતો હતો. વિવેકની સાથે કામ કરતા લોકોના જણાવ્યા અનુસાર, ગેસ સ્ટેશન પર બે દિવસથી પડ્યા-પાથર્યા રહેતા જુલિયાનને તે લોકો કાતિલ ઠંડીને કારણે ત્યાંથી જવા માટે પણ કહી શકે તેમ નહોતા.
જોકે, વિવેકની હત્યા થઈ ત્યારે એટલે કે ૧૫ જાન્યુઆરીએ તેણે જુલિયાનને જતા રહેવા માટે વિનંતી કરી હતી. વિવેકને ડર હતો કે જો તેના ઓનરને આ અંગે ખબર પડી તો તેની નોકરી જોખમમાં આવી જશે, અને એટલે જ તેણે જુલિયાનને ગેસ સ્ટેશનથી દૂર જતા રહેવા કહ્યું હતું, પરંતુ જુલિયાન વિવેક પર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે સ્ટોરની અંદર ઘૂસીને વિવેકના માથા પર હથોડાના ઘા ઝીંકી દીધા હતા.
જુલિયાને વિવેકને ઢાળી દીધો ત્યારબાદ ક્રાઈમ સીન પર ચાર-પાંચ લોકો આવ્યા હોવાનું પણ સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું, જેમાં એક મહિલા પણ હતી અને કદાચ તેમાંથી જ કોઈએ પોલીસને આ બાબતે ફોન કરીને જાણ કરી હતી.