Aapnu Gujarat
રાષ્ટ્રીય

પૂણેના રિસોર્ટમાં ન્હાતી વખતે બે યુવાનોના ડુબી જવાથી મોત

પૂણેના એક રિસોર્ટમાં ફરવા આવેલા બે યુવાન સગા ભાઈઓ સાથે ભયંકર દુર્ઘટના બની હતી જેમાં બંને યુવાનો રિસોર્ટના તળાવમાં ન્હાતી વખતે ડુબી ગયા હતા. તેના કારણે તેમના વૃદ્ધ માતાપિતા ભયંકર મુશ્કેલીમાં મૂકાઈ ગયા કારણ કે સંતાનો ગુમાવવાની સાથે તેમણે આવક પણ ગુમાવી હતી. કોચિનની ગ્રાહક અધિકાર પેનલે આ ઘટના માટે રિસોર્ટને જવાબદાર ગણીને યુવાનોના માતાપિતાને રૂપિયા ૧.૯૯ કરોડનું વળતર ચુકવવા આદેશ આપ્યો છે. ગ્રાહક પેનલે કહ્યું કે આ દુર્ઘટના માટે રિસોર્ટની લાપરવાહી જવાબદાર ગણાય કારણ કે રિસોર્ટના સંચાલકોએ સુરક્ષાની વ્યવસ્થા કરવાની જરૂર હતી.
આ કમનસીબ ઘટના ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પૂણેના એક રિસોર્ટમાં બની હતી. તે દિવસે ૩૦ વર્ષનો મિતેશ પ્રકાશ અને તેનો ૨૪ વર્ષનો નિધિન પ્રકાશ પૂણેના એક એગ્રો ટુરિઝમ રિસોર્ટમાં તળાવમાં નહાતી વખતે ડુબી ગયા હતા. બંને ભાઈઓ કરાંડી વેલી નામના એડવેન્ચર અને એગ્રો ટુરિઝમ રિસોર્ટમાં એક દિવસ અગાઉ જ આવ્યા હતા.
આ ઘટનાથી તેમના માતાપિતા પર આભ તૂટી પડ્યું હતું અને પોતાના સંતાનોના મોત માટે રિસોર્ટના સંચાલકોને જવાબદાર ગણીને ગ્રાહક કોર્ટમાં ગયા હતા. કોચિનની કન્ઝ્‌યુમર રાઈટ્‌સ પેનલે આ કેસમાં રિસોર્ટને જવાબદાર માની હતી અને બંને યુવાનોના માતાપિતાને કુલ ૧.૯૯ કરોડ રૂપિયાનું વળતર ચુકવવા આદેશ આપ્યો હતો.
હતભાગી યુવકોના માતાપિતાનો આરોપ હતો કે રિસોર્ટે પોતાની જાહેરખબરમાં જણાવ્યું હતું કે તેને ત્યાં સુરક્ષાની બધી વ્યવસ્થા છે અને એક ગાઈડ પણ આપવામાં આવે છે. પરંતુ જ્યારે અકસ્માત થયો ત્યારે ત્યાં આવી કોઈ સુવિધા ન હતી. સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા ન હોવા ઉપરાંત ત્યાં સાઈનબોર્ડ પણ ન હતા, સીસીટીવી પણ કામ કરતા ન હતા. તેથી રિસોર્ટની બેજવાબદારીના કારણે આ ઘટના બની હતી તેવી દલીલ કરવામાં આવી હતી.
રાયગઢ પોલીસે રિસોર્ટના મેનેજિંગ ડિરેક્ટર સામે કેસ નોંધ્યો હતો. યુવકોના માતાપિતાએ શરૂઆતમાં છ કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ ત્યાર પછી ડિમાન્ડ ઘટાડીને ૧.૯૯ કરોડ કરી નાખી હતી અને તેના પર ફરિયાદની તારીખથી ૧૨ ટકા વ્યાજની માંગણી કરી હતી. આ કેસમાં રિસોર્ટને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસનો કોઈ જવાબ મળ્યો ન હતો. તેથી કન્ઝ્‌યુમર પેનેલે એક્સ પાર્ટી ચુકાદો આપ્યો હતો.
ગ્રાહક પેનલે કહ્યું કે બંને યુવાનો અપરિણિત હતા અને યુવાન હતા તથા સ્થિર આવક ધરાવતા હતા. તેના કારણે તેના માતાપિતાએ સંતાનોનો પ્રેમ, સાથ અને નાણાકીય ટેકો ગુમાવ્યો છે. બંને યુવાનો તેમના પરિવાર માટે કમાણીનું એકમાત્ર સાધન હતા તેથી તેના માતાપિતાને જે નુકસાન ગયું છે તેનું નાણાકીય મૂલ્ય આંકી ન શકાય. આમ છતાં સંતાનોના અકુદરતી મોત બદલ રિસોર્ટની સુરક્ષાની ખામીને જવાબદાર ગણીને યુવકોના માતાપિતાને ૧.૯૯ કરોડ રૂપિયાનું વળતર ચુકવવા માટે આદેશ આપવામાં આવે છે. પેનલે આ ઓર્ડરની એક નકલ કેરળના જાહેર સૂચના અધિકારીને પણ મોકલી છે અને આ પ્રકારની આફતોનો સામનો કઈ રીતે કરવો તે શીખવવા તથા બાળકોને તરતા શીખવાડવા માટે પગલા લેવા સૂચના આપી છે.

Related posts

બિહારમાં NDAના ઉમેદવારો ફાયનલ, ખાનગીમાં પ્રચારની લીલીઝંડી આપી દેવાઈ

aapnugujarat

આઈ.આર.સી.ટી.સી સાથે આધાર લિંક કરો, રૂ. ૧૦,૦૦૦ રોકડા અને ફ્રી ટીકિટ જીતવાની તક મળશે

aapnugujarat

UP police raids Mukhtar Ansari’s son Abbas residence in Delhi, recovered foreign arms

aapnugujarat
UA-96247877-1