રાજસ્થાન વિધાનસભામાં ચૂંટણી પરિણામ જાહેર થયા છે. પ્રાથમિક વલણો અનુસાર રાજસ્થાનની જનતાએ દર ૫ વર્ષમાં સરકાર બદલવાના રિવાજને કાયમ રાખ્યો છે અને ૫ વર્ષના વનવાસ બાદ બીજેપીને એકવાર ફરીથી સરકારમાં પાછી લાવ્યા છે. એવામાં રાજ્યના આગામી સીએમ કોણ હશે. તેના પર અલગ અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. પાર્ટીને સત્તામાં વાપસી જોઈને પ્રદેશ ભાજપના મજબૂત નેતા અને રાજ્યના બે વખત સીએમ રહી ચૂકેલા વસુંધરા રાજે ફરી એકવાર મોટું પદ મેળવવા માટે સક્રિય થઈ ગયા છે.
વસુંધરા રાજે ફરી એકવાર તેમની પરંપરાગત ઝાલરાપાટન બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે ચૂંટણીમાં તેમના નજીકના હરીફ કોંગ્રેસના રામલાલ ચૌહાણને હરાવ્યા હતા. તેઓ ૨૦૦૩થી સતત આ બેઠક પરથી ધારાસભ્ય છે. આ વિધાનસભા બેઠક ઝાલાવાડ-બારણ જિલ્લામાં આવે છે, જ્યાંથી તેમના પુત્ર દુષ્યંત સિંહ સાંસદ છે. વસુંધરા રાજે સિંધિયા ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારની પુત્રી છે. તેમની માતાનું નામ વિજયારાજે સિંધિયા અને પિતાનું નામ જીવાજી રાવ સિંધિયા હતું. તેઓ ગ્વાલિયરના છેલ્લા મહારાજા હોવાનું કહેવાય છે. વસુંધરાના લગ્ન ધોલપુર રાજવી પરિવારના હેમંત સિંહ સાથે થયા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ બંને અલગ થઈ ગયા હતા. જે બાદ તે રાજકારણમાં સક્રિય થઈ અને રાજસ્થાનની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. રાજસ્થાનમાં આ વાત પર ચર્ચા જોર પકડી રહી છે કે શું આ વખતે પણ વસુંધરા રાજે સિંધિયા પર દાવ લગાવશે કે પછી તેઓ અચાનક કોઈ અન્ય નેતાની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરશે. આ પ્રશ્ન એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે વસુંધરાના તમામ પ્રયાસો છતાં ભાજપે તેમને આ વખતે મુખ્યમંત્રી તરીકે રજૂ કરવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં આ બાબતો મજબૂત થઈ રહી છે કે ભાજપ આ વખતે વસુંધરાને તક આપવાના મૂડમાં નથી.
જો આમ થાય છે, તો રાજપૂત મતો પર નકારાત્મક અસર ટાળવા માટે આ સમુદાયની કોઈ વ્યક્તિ માટે લોટરી ખુલી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે આ નુકસાનથી બચવા માટે ભાજપે વસુંધરા (વસુંધરા રાજે સિંધિયા)નો વિકલ્પ શોધી લીધો છે. તે બીજું કોઈ નહીં પરંતુ જયપુરના શાહી પરિવારની ’રાજકુમારી’ દિયા કુમારી છે. તે હાલમાં રાજસ્થાનની રાજસમંદ બેઠક પરથી લોકસભા સાંસદ છે, પરંતુ આ વખતે ભાજપે તેમને વિદ્યાધર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઉતાર્યા હતા, જેમાં તેઓ પક્ષના વિશ્વાસ પર ખરા ઉતર્યા હતા. રવિવારે જાહેર થયેલા પરિણામોમાં તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના સીતારામ અગ્રવાલને ૫૫ હજાર મતોથી હરાવ્યા હતા.
પોતાની રાજનૈતિક સમજ અને ખુબસૂરતી માટે ચર્ચિત દિયા કુમાર જયપુરના ભૂતપૂર્વ મહારાજા ભવાની સિંહ અને રાણી પદ્મિની દેવીની એકમાત્ર સંતાન છે. રાજકારણ ઉપરાંત તે પોતાની દ્ગર્ય્ં દ્વારા સમાજ સેવા પણ કરે છે. દિયા કુમારીની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે કારણ કે તેણીને વિદ્યાનગર બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય નરપતસિંહ રાજવીની ટિકિટ કાપવામાં ખચકાટ અનુભવ્યો નથી. નરપત સિંહ રાજવી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવતના જમાઈ અને આ વિસ્તારના રાજપૂત સમુદાયના દિગ્ગજ નેતા છે.
હાલ ભાજપના તમામ મોટા નેતાઓ મૌન છે અને પરિણામ સ્પષ્ટ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ પછી ધારાસભ્યોના અભિપ્રાય મેળવવાની ઔપચારિકતા પૂર્ણ કર્યા પછી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદ માટેના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યાં સુધી રાજસ્થાનમાં ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓના શ્વાસ અટકી રહેશે.
આગળની પોસ્ટ