Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ગાઝા બન્યું નર્કાગાર, જીવ બચાવવા માટે લાખો લોકો હિજરત કરી રહ્યા છે

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ આજે નવમા દિવસમાં પ્રવેશ્યું છે જેમાં ઈઝરાયલની એર સ્ટ્રાઈકથી જીવ બચાવવા માટે લાખો પેલેસ્ટાઈનવાસીઓ દક્ષિણ ગાઝા તરફ નાસી રહ્યા છે. ઈઝરાયલે ઉત્તર ગાઝામાં જમીની આક્રમણ કરવા માટે ગાઝા નિવાસીઓને અમુક કલાકોનો સમય આપ્યો છે. આ દરમિયાન ગાઝાના લોકો જે વાહન મળે તેમાં બેસીને અથવા પગપાળા જઈ રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને ખતમ કરવા માટે ગાઝા પર પ્રચંડ હુમલો કરવાની જાહેરાત કરી દીધી છે. ઈઝરાલયની સેનાએ ગાઝાની સરહદ પર મોટા પ્રમાણમાં જમાવડો કર્યો છે અને આક્રમણના આદેશની રાહ જોવાઈ રહી છે.
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈઝરાયલના લગભગ ૧૫૦૦ લોકો અને ગાઝાના ૨૮૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે. હમાસ દ્વારા રોકેટમારો હજુ ચાલુ છે જેના કારણે ઈઝરાયલે મોટા ઓપરેશનની તૈયારી કરી દીધી છે. આગામી અમુક કલાકોમાં જ ઈઝરાયલની સેના ગાઝામાં પ્રવેશીને હમાસના આતંકીઓનો ખાતમો કરે તેવી શક્યતા છે.
આ દરમિયાન ગાઝાથી જીવ બચાવીને ભાગી રહેલા લોકો પણ સલામત નથી. સમગ્ર ગાઝામાં ક્યાંય વીજળી, પાણી, અનાજ કે તબીબી સુવિધા ઉપલબ્ધ નથી. ગાઝાથી ભાગી રહેલા લોકો પર પણ બોમ્બમારો થયો છે જેમાં ડઝનબંધ લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત લગભગ ૧૦થી વધુ પત્રકારોના પણ મોત નિપજ્યા છે. ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધના કારણે ગાઝામાં માનવીય કટોકટી પેદા થઈ છે. ઈઝરાયલે ઉત્તર ગાઝાના લોકો દક્ષિણ તરફ જઈ શકે તે માટે માત્ર બે રસ્તા ખુલ્લા રાખ્યા છે. બીજી તરફ ગાઝાના લોકો પડોશી દેશ ઈજિપ્તમાં પણ જઈ શકે તેમ નથી કારણ કે ઇજિપ્તે એન્ટ્રીનો રસ્તો બંધ કરી નાખ્યો છે. ગાઝા એ વિશ્વમાં સૌથી વધુ ગીચતા ધરાવતો વિસ્તાર છે જ્યાં બહુ ઓછી જગ્યામાં લગભગ ૨૩ લાખ લોકો વસે છે. ઈઝરાયલના બોમ્બમારામાં ગાઝામાં ૧૦,૦૦૦થી વધુ લોકોને ઈજા થઈ છે. કુલ મૃતકોમાં લગભગ ત્રીજા ભાગના બાળકો અને મહિલાઓ છે.
ઈઝરાયલી સેનાના વડાએ સૈનિકોને પ્રચંડ ઓપરેશનના આગામી સ્ટેજ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. એક તરફ ઈઝરાયલ લોકોને ઉત્તર ગાઝા ખાલી કરી જવા જણાવે છે જ્યારે હમાસે લોકોને પોતાના ઘરમાં જ રહેવા જણાવ્યું છે. ઈઝરાયલનું કહેવું છે કે હમાસ નાગરિકોનો માનવઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ગાઝાની હોસ્પિટલોમાં મૃતકોની સંખ્યા વધી રહી હોવાથી મૃતદેહોને રાખવા માટે જગ્યા નથી, વીજળી સપ્લાય બંધ હોવાના કારણે ઓપરેશન થઈ શકે તેમ નથી અને ગંભીર ઈજાગ્રસ્ત લોકો મરી રહ્યા છે. ગાઝામાં પેલેસ્ટાઈનવાસીઓની જે હાલત છે તેની અસર વેસ્ટ બેન્કમાં પણ જોવા મળી છે. વેસ્ટ બેન્કમાં ઈઝરાયલી સેના અને રહેવાસીઓ વચ્ચે અથડામણ થઈ છે. હમાસે ઈઝરાયલ પરના હુમલા દરમિયાન સેંકડો લોકોને બંધક બનાવ્યા છે જેને છોડાવવા માટે પ્રયાસો ચાલુ છે પરંતુ કોઈ સફળતા મળી નથી.

Related posts

US imposes sanctions on 5 companies from China and Russia for supporting Iran’s missile programme

editor

અમેરિકામાં વિઝા અવધિ બાદ રહેતા બધાં વિદ્યાર્થી પર તવાઈ

aapnugujarat

PM’s joint interaction with Dutch CEOs

aapnugujarat
UA-96247877-1