Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

આગામી મહિનાઓમાં પાંચ રાજ્યો – રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ચૂંટણી પંચે જાહેર કરેલા પ્રોગ્રામ પ્રમાણે ૭ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ તબક્કામાં મતદાન થશે અને ૩ ડિસેમ્બરે એક સાથે રિઝલ્ટ આવશે.
મધ્ય પ્રદેશમાં ૧૭ નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યાર પછી ૨૩ નવેમ્બરે રાજસ્થાનમાં અને ૩૦ નવેમ્બરે તેલંગણામાં ચૂંટણી થશે. મિઝોરમમાં ૭ નવેમ્બરે વોટિંગ થશે અને છત્તીસગઢમાં ૭ નવેમ્બર અને ૧૭ નવેમ્બર એમ બે તબક્કામાં વોટિંગ થશે.
આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ૧.૭૭ લાખ મતદાન કેન્દ્રો સ્થાપવામાં આવશે જેમાં કુલ ૬૭૯ મતક્ષેત્રોમાં વોટિંગ થશે. આ માટે ૯૪૦ ઈન્ટર-સ્ટેટ બોર્ડર ચેક પોસ્ટ સ્થાપવામાં આવશે અને આ રાજ્યોમાં ગેરકાયદે રોકડ, શરાબ, મફતની ચીજવસ્તુઓ અને ડ્રગ્સની હેરાફેરી થતી રોકવામાં આવશે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ૧૬ લાખ નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજકુમારે કહ્યું કે છેલ્લા ૪૦ દિવસમાં અમે પાંચ રાજ્યોની મુલાકાત લઈને રાજકીય પક્ષો તથા સેન્ટ્રલ અને સ્ટેટ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે વાત કરી છે.
મધ્ય પ્રદેશમાં છેલ્લે નવેમ્બર ૨૦૧૮માં ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ૧૧૪ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. જોકે, ૨૦૨૦માં કોંગ્રેસની કમલનાથ સરકારે બહુમતી ગુમાવી હતી અને ભાજપના શિવરાજ સિંહ ચૌહાણ ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા હતા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે પોતાની ૧૧૪ બેઠક અને ગઠબંધનની બીજી બે બેઠકોની મદદથી ૧૧૬ના આંકડા સાથે સરકાર બનાવી હતી. પરંતુ કમલનાથ સરકાર માત્ર ૧૫ મહિના ચાલી હતી. કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધી જેમાં છ મંત્રીઓ પણ હતા. આ મામલે સુપ્રીમના ચુકાદા પછી વિશ્વાસનો મત લેવામાં આવ્યો જે અગાઉ જ કમલનાથે રાજીનામું આપી દીધું અને ભાજપે બળવાખોર ધારાસભ્યોની મદદથી સરકાર બનાવી હતી.
મિઝોરમમાં વિધાનસભાની ૪૦ બેઠકો છે. તેલંગણામાં ૧૧૯ બેઠકો છે. રાજસ્થાનમાં કુલ ૨૦૦ વિધાનસભા બેઠકો છે અને કોંગ્રેસની સરકાર છે. છેલ્લે ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ૯૯ બેઠકો મળી હતી.
આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી હોવાથી જનતાનો મૂડ જાણવા માટે વિધાનસભાની પાંચ રાજ્યોની ચૂંટણીના રિઝલ્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મતદારોનો મિજાજ કેવો છે તે જાણવાનું રસપ્રદ બની રહેશે.

Related posts

વડાપ્રધાન મોદીનો તાબડતોડ પ્રચારઃ બે સપ્તાહમાં પાંચ રાજ્યોમાં પ્રચાર કરશે

editor

ત્રણ તલાક મુદ્દે ત્રણ વર્ષની જેલની સજા કરવા તૈયારી : આગામી સપ્તાહમાં સંસદમાં બિલ રજૂ કરાશે

aapnugujarat

દંતેવાડા હુમલાની જવાબદારી સીપીઆઈ (માઓઈસ્ટ) સંગઠને સ્વીકારી

aapnugujarat
UA-96247877-1