Aapnu Gujarat
રાષ્ટ્રીય

સૂર્યમંડળમાં નવમા ગ્રહના આગમનની વધતીશક્યતા

કુઇપર બેલ્ટમાં વધુ એક ગ્રહ હોવાનું તમામ ખગોળશાસ્ત્રીય નિયમો અને પુરાવાના આધારે સાબિત થશે તો આપણા સૂર્ય મંડળમાં આ નવમો ગ્રહ હશે.આમ તો ૨૦૦૫ સુધી આપણા સૌર મંડળમાં પ્લુટો સહિત કુલ નવ ગ્રહો હતા. જોકે ૨૦૦૬ના ઓગસ્ટમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (આઇ.એ.યુ.) દ્વારા પ્લુટોને ગ્રહ તરીકેની વ્યાખ્યામાંથી રદ કરવામાં આવ્યો છે. એટલે હાલ આપણા સૂર્ય મંડળમાં આઠ ગ્રહો (બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચુન) છે.જાપાનની કીન્દાઇ યુનિવર્સિટી (હીગાશીઓસાકા-ઓસાકા)નાં પેટ્રાયક સોફિયા લ્યાકાવ્કા અને નેશનલ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી (મીટાકા, ટોક્યો)ના તાકાશી ઇટો નામના બે ખગોળશાસ્ત્રીઓએ તેમના સંશોધનપત્રમાં એવો મજબૂત સંકેત આપ્યો છે કે આ નવો ગ્રહ આપણા સૂર્ય મંડળના છેલ્લા ગ્રહ નેપ્ચુનનની ભ્રમણકક્ષાથી પણ દૂરના અંતરે આવેલા વિશાળ કુઇપર બેલ્ટમાં છે.
કુઇપર બેલ્ટની શોધ ૧૯૫૧માં ગેરાર્ડ કુઇપર નામના ડચ ખગોળ શાસ્ત્રીએ કરી હોવાથી તેમની સન્માન સ્મૃતિમાં અંતરીક્ષના આ વિશાળ ગોળાકાર ક્ષેત્રને કુઇપર બેલ્ટ કહેવાય છે.કુઇપર બેલ્ટ નેપ્ચુનની ભ્રમણકક્ષાથી ૩૦ એસ્ટ્રોનોમિક યુનિટ (એયુ)ના દૂરના અંતરે આવેલો છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે ૧૫ કરોડ કિલોમીટર.પૃથ્વી અને સૂર્ય વચ્ચે ૧૫ કરોડ કિલોમીટરનું અંતર હોવાથી ખગોળશાસ્ત્રના નિયમ મુજબ આટલા અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે.
કુઇપર બેલ્ટમાં ગ્રહ અને લઘુગ્રહ જેવા લાગતા ઘણા નાના મોટા ઘણા આકાશીપીંડ સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ઘણા આકાશીપંડ તો બરફના બનેલા હોવાનો પણ મત છે. જાપાનના બંને ખગોળ શાસ્ત્રીઓનું સંશોધનપત્ર વિશ્વ પ્રસિદ્ધ ધ એસ્ટ્રોનોમિકલ જર્નલ (૨૦૨૩)માં પ્રસિદ્ધ થયું છે. આમ તો કુઇપર બેલ્ટમાં વધુ કોઇ ગ્રહ હોવો જોઇએ તે વિશે ઘણા સમયથી સંશોધન થઇ રહ્યું છે. એક થિયરી તરીકે તો કુઇપર બેલ્ટમાંના આ નવા ગ્રહને સૂર્ય મંડળના નવમો ગ્રહ કહેવાય છે. આમ છતાં આઇ.એ.યુ. આ નવા ગ્રહને એક ગ્રહ તરીકે માન્યતા ન આપે , તેની સત્તાવાર રીતે જાહેરાત પણ ન કરે ત્યાં સુધી જાપાનના આ બંને ખગોળ શાસ્ત્રીઓના સંશોધનપત્રને અને કુઇપર બેલ્ટમાંના નવા ગ્રહને સૂર્ય મંડળના નવમા ગ્રહ તરીકે પણ માન્યતા ન મળે.
પેટ્રાયક સોફિયા લ્યાકાવ્કાએ અને તાકાશી ઇટોએ તેમના સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે કુઇપર બેલ્ટમાંના અમુક આકાશીપીંડોની ગતિવિધિ એવી છે કે તેમાંનો કોઇ એક ગ્રહ હોવાનું લાગે. વળી, આ ગ્રહ જેવો લાગતો આકાશીપીંડ સૂર્યથી ૫૦૦ એયુના અંતરે હોઇ શકે. ઉદાહરણરૂપે આપણા સૌર મંડળનો છેલ્લો ગ્રહ નેપ્ચુન સૂરજથી લગભગ ૩૦ એયુના અંતરે છે.
જાપાનના આ બંને ખગોળ વિજ્ઞાાનીઓએ તેમના સંશોનપત્રમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે કુઇપર બેલ્ટમાંના આવા ગ્રહ જેવા લાગતા આકાશીપીંડોને ટ્રાન્સ-નેપ્ચુનિયન ઓબ્જેક્ટ્‌સ કહેવાય છે. વળી, કુઇપર બેલ્ટમાંના આવા ગ્રહ જેવા લાગતા આકાશીપીંડોની ભ્રમણકક્ષા બહુ જ વિચિત્ર અને અનિયમિત હોય છે. આવાં લક્ષણોનો અર્થ એવો થાય કે તે આકાશીપીંડ પર કોઇ કોઇ વધુ મોટા આકાશીપીંડ કે ટ્રાન્સ-નેપ્ચુનિયન ઓબ્જેક્ટના તીવ્ર ગુરુત્વાકર્ષણ બળની ભારે અસર છે.
ઉપરાંત, આવા આકાશીપીંડો તેમની ધરી પર પણ વધુ ઝૂકેલી સ્થિતિમાં ગોળ ગોળ ફરતા હોય છે. અમારા કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા એવા મજબૂત સંકેત મળે છે કે આ સૂચિત નવો ગ્રહ કુઇપર બેલ્ટમાં હોવાની પૂરી શક્યતા છે.
વળી, આ સૂચિત નવા ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ૧.૫ થી ૩.૦ ગણું વધુ હોવાની શક્યતા છે. સાથોસાથ આ ગ્રહ તેની ધરી પર ૩૦ ડિગ્રીએ ઝૂકીને ફરતો હોવાનો પણ મજબૂત સંકેત મળે છે.આ સૂચિત નવો ગ્રહ સૂર્યથી લગભગ ૨૫૦ થી ૫૦૦ એયુના અંતરે હોવો જોઇએ. વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે.જે. રાવલે એક ખાસ ટેલિફોનિક ઇન્ટર્વ્યુમાં ગુજરાત સમાચારને કહ્યુ હતું કે કુઇપર બેલ્ટના વિસ્તાર ૧૫૦ એયુથી એક લાખ એયુસુધી છે. વળી, હકીકત તો એ છે કે કુઇપર બેલ્ટ અતિ અતિ વિશાળ એવા ઉર્ટ ક્લાઉડ્‌ઝનો આંતરિક હિસ્સો છે.આ જ ઉર્ટ ક્લાઉડ્‌ઝમાંથી અડધો ડઝન કરતાં પણ વધુ ધૂમકેતુઓ (કોમેટ્‌સ) બહાર નીકળીને સૂર્યની પ્રદક્ષિણા કરતા રહે છે. મેં ૧૯૮૪માં આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરેલા મારા સંશોધનપત્રમાં એવો મજબૂત સંકેત આપ્યો છે કે આ જ કુઇપર બેલ્ટમાં લગભગ અડધો ડઝન કરતાં પણ વધુ ગ્રહ હોવા જોઇએ. વળી, આ બધા સૂચિત ગ્રહો પ્લુટોના કદ કરતાં પણ વધુ મોટા હોવાની પૂરી શક્યતા છે. પ્લુટોનું કદ પ્રમાણમાં નાનું હોવાથી અને ભવિષ્યમાં કુઇપર બેલ્ટમાંથી તેના (પ્લુટોના) કરતાં પણ વધુ મોટા કદના ગ્રહ મળવાની પૂરી શક્યતા હોવાથી જ ૨૦૦૬માં એયુદ્વારા તેને ગ્રહની વ્યાખ્યામાંથી રદ કરાયો છે. મેં અગાઉ કુઇપર બેલ્ટમાં નેમેસીસ નામનો ગ્રહ હોવાની પણ આગાહી કરી છે. સમગ્ર રીતે કહીએ તો ભવિષ્યમાં આપણા સૂર્ય મંડળમાં હાલના ફક્ત આઠ નહીં પણ નવ,દસ,૧૧,૧૨ ગ્રહો હોવાની પણ પૂરી શક્યતા છે.
ખગોળશાસ્ત્રી ડો.જે.જે.રાવલના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં સૌર મંડળમાં ૧૨ ગ્રહો હોવાની સંભાવના છે. હાલ કુઇપર બેલ્ટમાં જ અડધો ડઝન કરતાં પણ વધારે ગ્રહો છે જે પ્લુટોના કદ કરતાં પણ વધુ મોટા હોવાની પૂરી શક્યતા છે.

Related posts

दिल्ली में बच्ची से निर्भया जैसी दरिंदगी, पिता बोले- बोल नहीं पा रही बिटिया

aapnugujarat

Cabinet approves umbrella scheme of Modernisation of Police Forces

aapnugujarat

ઉત્તર ભારત ઠંડુગાર : ટ્રેન તેમજ વિમાની સેવા ઠપ

aapnugujarat
UA-96247877-1