Aapnu Gujarat
બિઝનેસ

ક્રેડિટ કાર્ડની બાકી રકમ પહેલી વખત 2 લાખ કરોડને પાર

દેશમાં ક્રેડિટ કાર્ડના વપરાશકારોની સંખ્યા સતત વધતી જાય છે. મોટા ભાગના લોકો સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ભરી દેતા હોય છે નહીંતર તગડા વ્યાજ સાથે રકમ ભરવાનો વારો આવે છે. જોકે, અત્યારે સ્થિતિ એવી છે કે ક્રેડિટ કાર્ડનું બિલ બાકી હોય તેવી રકમ વધતી જાય છે. હાલમાં પહેલી વખત દેશમાં ક્રેડિટ કાર્ડની બાકી રકમ બે લાખ કરોડનો આંકડો વટાવી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં ક્રેડિટ કાર્ડની ડ્યુ રકમમાં 30 ટકાનો વધારો થયો છે. આ સમયગાળામાં બેન્ક લોનમાં લગભગ 15 ટકા ગ્રોથ થયો જ્યારે ક્રેડિટ કાર્ડની બાકી રકમ ડબલ ઝડપથી વધી છે. જોકે, બેન્કોને આ વાતની ચિંતા નથી.

RBIએ અનસિક્યોર્ડ બેન્ક ક્રેડિટ સામે બેન્કોને ચેતવણી આપી હોવા છતાં બેન્કોને લાગે છે કે આ રકમ બહુ મોટી નથી. RBIના આંકડા પ્રમાણે એપ્રિલ 2023માં ક્રેડિટ કાર્ડની બેલેન્સ 2,00,258 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. એટલે કે એપ્રિલ 2022ની તુલનામાં તેમાં 30 ટકા વધારો થયો હતો.

લોકો માત્ર દેવું કરે છે તેના કારણે ક્રેડિટ કાર્ડની બાકી રકમ વધી જાય તેવું નથી. ક્રેડિટ કાર્ડધારકોની સંખ્યા અને તેમના દ્વારા ખરીદી વધે તેના કારણે પણ બાકી રકમમાં વધારો થાય છે. એક્સિસ બેન્કના પ્રેસિડન્ટ અને હેડ (કાર્ડ્સ એન્ડ પેમેન્ટ) સંજીવ મોઘાએ જણાવ્યું કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો તેની સાથે બેલેન્સ શીટમાં ગ્રોથ થયો છે. એપ્રિલ 2023માં ક્રેડિટ કાર્ડના સ્વાઈપ અને ઓનલાઈન ઉપયોગની વેલ્યૂ 1.30 લાખ કરોડ હતી.

2008માં ગ્લોબલ નાણાકીય કટોકટી આવી તે અગાઉ ક્રેડિટ કાર્ડની બેલેન્સ કુલ લોનનો 1.4 ટકા હતી. હાઉસિંગ લોનમાં બાકી રકમ 14.1 ટકા અને ઓટો લોનમાં આ રકમ 3.7 ટકા હોય છે.

આરબીઆઈએ જણાવ્યા પ્રમાણે એપ્રિલ 2023માં સમાપ્ત થયેલા 12 મહિનામાં બેન્ક ક્રેડિટમાં ઈન્ડસ્ટ્રીનો હિસ્સો 26.3 ટકાથી ઘટીને 23.3 ટકા થયો છે. ખર્ચમાં વધારો અને મલ્ટિપલ કાર્ડનો વપરાશ કરતા હોવા છતાં ભારતમાં હજુ પણ ક્રેડિટ કાર્ડનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં સૌથી ઓછું છે. એક પ્રાઈવેટ બેન્કના એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, વસતીની ટકાવારીમાં જોવામાં આવે તો પાંચ ટકાથી પણ ઓછા લોકો ક્રેડિટ કાર્ડ ધરાવે છે જે પ્રમાણ ઘણા વિકાસશીલ દેશો કરતા ઓછું છે.

બેન્કોનું કહેવું છે કે 2008માં ગમે તે વ્યક્તિને ક્રેડિટ કાર્ડ આપવામાં આવતા હતા જ્યારે હાલમાં બહુ વિશ્વસનીય લોકોને જ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવે છે. હવે તેમની પાસે કસ્ટમરનો વધુ વિશ્વાસપાત્ર ડેટા છે.

Related posts

शेयर बाजार: सेंसेक्स 99.90 अंक की बढ़त के साथ 37,118.22 के स्तर पर हुआ बंद

aapnugujarat

ભારત વિશ્વની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા : આઈએમએફ

aapnugujarat

कर्ज नहीं चुकाने वाले छोटे कर्जदारों को राहत संभव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1