Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોતનો હાઈવે બન્યો સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે : 100 દિવસમાં જ 900 અકસ્માત

11 ડિસેમ્બર 2022ના રોજ પીએમ મોદીએ મહારાષ્ટ્રના સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું ત્યારે આખા દેશમાં તેની ચર્ચા થઈ રહી હતી. જોકે, આ હાઈવે હાલ તો મોતનો હાઈવે સાબિત થઈ રહ્યો છે. આ હાઈવે ખૂલ્લો મુકાયાના 100 દિવસમાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર 900 જેટલા અકસ્માત થઈ ચૂક્યા છે, અને તેમાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા બીજા કોઈએ નહીં, પરંતુ ખુદ મહારાષ્ટ્ર સરકારે જ જાહેર કર્યા છે. લોકો આ હાઈવે પર બેફામ ડ્રાઈવિંગ કરતા હોવાની અનેક ઘટના સામે આવ્યા બાદ હવે તેના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ફરજિયાત કાઉન્સેલિંગ શરૂ કરવાનું સરકારે નક્કી કર્યું છે, જેથી અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય. આ હાઈવે આમ તો નાગપુરથી મુંબઈ વચ્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલ તેનો નાગપુરથી શિરડી સુધીનો ભાગ જ ખૂલ્લો મૂકવામાં આવ્યો છે.
આ હાઈવે પર અકસ્માતો થવાના કારણોનું પણ એનાલિસિસ કરવામાં આવ્યું છે, જેમાં એવું બહાર આવ્યું હતું કે 100 દિવસમાં જે 900 અકસ્માત થયા છે, તેમાંથી 400 એક્સિડન્ટ તો વાહનમાં ખરાબી સર્જાવાને લીધે થયા હતા. હાઈવે પર ઓવરસ્પીડિંગને કારણે વાહન બ્રેકડાઉન થયા હોવાનું આ એનાલિસિસમાં બહાર આવ્યું હતું. આ સિવાય પંકચર થઈ જવાના કારણે 130 જ્યારે ટાયર ફાટી જવાના કારણે 108 અકસ્માત થયા હતા.

કદાચ આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ હાઈવે પર પેટ્રોલ કે ડીઝલ ખલાસ થઈ જતાં અટકી ગયેલા વાહનોને કારણે પણ 126 અકસ્માત થયા છે. આ સિવાય આ હાઈવે પર પાછળથી કોઈ વાહન અથડાયું હોય, ડ્રાઈવરને ઝોકું આવી ગયું હોય તેમજ જાનવર વચ્ચે આવી ગયું હોય તેવા કારણોને લીધે પણ મોટી સંખ્યામાં અકસ્માત થયા છે.

દેશના સૌથી લાંબા એક્સપ્રેસ હાઈવે ગણાતા એવો આ હાઈવે હાલ નાગપુર અને શિરડીને કનેક્ટ કરે છે, જેનું ડિસ્ટન્સ 520 કિલોમીટર થાય છે. આ હાઈવે મોટાભાગે સીધો જ છે, મતલબ કે તેમાં શાર્પ ટર્ન ના બરાબર છે. લગભગ છ કલાકમાં આ હાઈવે પર 520 કિલોમીટરનું અંતર કાપી શકાય છે. આ હાઈવે પર કાર માટેની સ્પીડ લિમિટ 120 કિલોમીટર પ્રતિ કલાકની છે, પરંતુ ઘણા કારચાલકો અહીં 180ની સ્પીડે કાર દોડાવે છે.

ઓવર સ્પીડિંગને કારણે ઘણીવાર કાર ખોટકાઈ જાય છે કે પછી તેનું ટાયર ફાટી જાય છે અને તેના લીધે જીવલેણ અકસ્માત પણ થાય છે. સમૃદ્ધિ હાઈવે પર રાત્રે ડ્રાઈવ કરવું સૌથી જોખમી સાબિત થઈ રહ્યું છે. આ હાઈવે પર પેટ્રોલ પંપ, આરામ કરવા માટેની જગ્યા, ગેરેજ, મોટેલ્સ કે પછી જમવાની પણ કોઈ સરખી જગ્યા નથી. અધૂરામાં પૂરું જો રાત્રે કોઈ જગ્યાએ અકસ્માત થઈ જાય તો તાત્કાલિક મદદ મળવી પણ લગભગ અશક્ય છે.

આ હાઈવે પર ટ્રાવેલ કરનારા ઘણા લોકો સાથે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ વાત પણ કરી હતી. તેમનું કહેવું હતું કે ઘણી જગ્યાએ હજુય કામ ચાલુ છે, અને વર્કર્સ ગમે ત્યારે રસ્તો ક્રોસ કરતા જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ ક્યારેક તો પૂરપાટ દોડી રહેલી કાર સામે અચાનક કૂતરાં પણ આવી જાય છે અને ઘણી જગ્યાએ વાંદરા પણ ગમે તેમ દોડાદોડ કરતા જોવા મળે છે, જેના કારણે પણ અકસ્માત થવાનો ડર હંમેશા રહે છે.

આ હાઈવે પર ટુ-વ્હીલર અલાઉ નથી, પરંતુ કેટલીક જગ્યાએ ઘણા લોકો બાઈક લઈને પણ ઘૂસી જાય છે. આ ઉપરાંત ઓવરલોડેડ ટ્રકોથી પણ અકસ્માત થવાનું પૂરું જોખમ રહે છે. સૌથી ભયાનક તો આ હાઈવે પર દોડતી કાર્સની સ્પીડ છે, જે ઘણી વાર 180 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોય છે. એટલું જ નહીં, હાઈવે પર 120ની સ્પીડ લિમિટ પણ આમ તો વધુ જ છે, આટલી સ્પીડે જો કોઈ કાર દોડતી હોય અને વચ્ચે કંઈક આવી જાય તો પણ તેને કંટ્રોલ કરવી લગભગ અશક્ય બની જાય છે.

સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર થતાં અકસ્માતોના આંકડા પર નજર કરીએ તો, 100 દિવસમાં 900 અકસ્માત મતલબ કે આ હાઈવે પર એક જ દિવસમાં 9 અકસ્માત થઈ રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા શું કરી શકાય તે માટે મહારાષ્ટ્ર સરકાર પ્લાન બનાવી રહી છે, ત્યારે હાલમાં જ રાજ્યના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મંત્રી ભરત કળાસકરે હાઈવે પર 500 કિલોમીટરની મુસાફરી કરી હતી.

આ હાઈવે પર આઠ એન્ટ્રી પોઈન્ટ છે, ત્યારે હવે કોઈપણ જગ્યાએથી એન્ટર થતાં વાહનચાલકને પહેલા તો હાઈવે પર બેફામ ડ્રાઈવ કરવું કેટલું જોખમી છે તેની સમજ આપવામાં આવશે. સૂત્રોનું માનીએ તો હાઈવે પર એન્ટ્રી આપતા પહેલા ડ્રાઈવર્સ માટે અડધો કલાકથી 1 કલાક સુધીનું કાઉન્સેલિંગ સેશન કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે શું લોકો આ કાઉન્સેલિંગ બાદ પણ સમજદારીપૂર્વક ડ્રાઈવ કરશે ખરા?

Related posts

ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મુકુલ રોય ભાજપમાં સામેલ

aapnugujarat

पुणे दीवार हादसा: फडणवीस ने मृतकों के परिजनों को 5-5 लाख देने का किया ऐलान

aapnugujarat

પદ્માવત ફિલ્મની રિલીઝને અંતે લીલીઝંડી : ૨૫મીએ રજૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1