આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી૨૦ વિશ્વકપ માટે જલદી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. તે પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા અને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. સારા સમાચાર છે કે હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહે ફિટનેટ ટેસ્ટ પાસ કરી લીધી છે. આ બંને બોલરને વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ જે ખરાબ સમાચાર છે તે પ્રમાણે રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે વિશ્વકપમાં રમી શકશે નહીં.
આ જાણકારી ઇનસાઇડસ્પોર્ટ્સના રિપોર્ટમાં આપવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાડેજાના ઘુંટણમાં ઈજા હતી તેનું હવે સફળ ઓપરેશન થયું છે. આ સર્જરીને કારણે ટી૨૦ વિશ્વકપ સુધી જાડેજાના ફિટ થવાની સંભાવના નહિવત છે. તેવામાં તે આ મેગા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
નોંધનીય છે કે જાડેજાએ થોડા દિવસ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી. જડ્ડુએ આ પોસ્ટ સાથે પોતાની સર્જરીની જાણકારી આપી હતી. જાડેજાએ કહ્યું હતું કે તે જલદી મેદાન પર વાપસીનો પ્રયાસ કરશે.
જાડેજાએ ફોટો સાથે કેપ્શન લખ્યું, ’સર્જરી સફળ રહી. ઘણા લોકોએ સમર્થન આપ્યું તે માટે તેનો આભાર માનુ છું. તેમાં બીસીસીઆઈ, મારા ટીમમેટ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડોક્ટર અને ફેન્સ સામેલ છે. હું જલદી મારૂ રિહેબ કરીશ અને જેટલો જલદી બની શકે ક્રિકેટ ફિલ્ડ પર વાપસીનો પ્રયાસ કરીશ. શુભકામનાઓ માટે બધાનો આભાર.’
જાડેજા ઘણા સમયથી ઘુંટણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એશિયા કપ પહેલા પણ જાડેજા ઈજાગ્રસ્ત હતો. ત્યારબાદ જાડેજાએ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમમાં વાપસી કરી હતી. ત્યારબાદ તે સતત ફોર્મમાં છે. ટી૨૦ વિશ્વકપમાં જાડેજાનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે એક ઝટકો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ જાડેજાને સ્થાને ટીમમાં અક્ષર પટેલને તક આપી શકે છે.
પાછલી પોસ્ટ