Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર ખાતે ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરાઈ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.તે અંતર્ગત આજે આ કડીના ચોથા દિવસે ભાવનગર જિલ્લામાં ‘‘નારી ગૌરવ દિવસ’ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાનો ‘‘નારી ગૌરવ દિવસ’ નો કાર્યક્રમ ‘અટલ બિહારી બાજપાયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે તેમજ જિલ્લાના કાર્યક્રમ મહુવા અને પાલિતાણા ખાતે યોજાયાં હતાં. આ ઉપરાંત ભાવનગરના સુભાષનગરમાં – ૨ તથા ભરતનગરમાં – ૧ આંગણવાડીઓનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
ભાવનગરના ‘અટલ બિહારી બાજપાયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેનશ્રી ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું કે, રાજ્યની વર્તમાન સરકાર દ્વારા અનેક મહિલાલક્ષી પગલાઓ ઉઠાવ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીની ભરતીમાં પણ અનામત આપીને મહિલા શક્તિને સામર્થ્યવાન બનાવવાનું કાર્ય કરાવામાં આવ્યું છે. આ મહિલા શક્તિના સામર્થ્યના સથવારે સમૃધ્ધ ગુજરાતનું નિર્માણ કરવું છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારે મહિલાઓને સમાજમાં અદકેરું સ્થાન મળે તે માટે મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત વિવિધ સહાય, રાહત તથા મદદ દ્વારા મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાનો ભગીરથ પ્રયાસ આદર્યો છે.

એક મહિલાને ટેકો મળતાં તેના કુટુંબને ટેકો મળે છે. કુટુંબની સાથે સાથે સમાજ પણ આગળ આવે છે અને એક સક્ષમ રાષ્ટ્રના નિર્માણ માટે પુરૂષ જેટલી જ નારી શક્તિની ભાગીદારી જરૂરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ થકી મહિલાઓનું સશક્તિકરણ કરીને સમાજમાં આગવું સ્થાન અપાવ્યું છે. સ્વ- સહાયની બહેનોને માત્ર આર્થિક સહાય જ નથી પૂરી પાડી પણ તેઓ તેમના પગ પર જાતે ઉભી રહી શકે તે માટે જે- તે ઉદ્યોગ માટેનું હુન્નર- કૌશલ્ય પણ શીખવાડ્યું છે.
તેમણે કહ્યું કે, ભારતમાં નારી શક્તિને પૂજનીય અને વંદનીય ગણવામાં આવે છે. તેથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી મહિલા વિકાસનું આ અભિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આગળ ધપાવી રહ્યાં છે.

તેમણે ઉપસ્થિત નારી શક્તિને ‘‘નારી ગૌરવ દિવસ’ ની શુભકામનાઓ આપી તેઓ આ યોજનાઓ દ્વારા આગળ આવે અને ભારતનું ભાવી ઉજ્જવળ બનાવવામાં યોગદાન આપે તેવી અપીલ કરી હતી.
ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયાએ કહ્યું કે, નારી શક્તિએ વાત્સલ્ય, લાગણી, મમતા અને સહનશીલતાનો સરવાળો છે. તો સમય આવે તે રણચંડી પણ બની શકે તેવી શક્તિ ધરાવે છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની મહિલાલક્ષી નીતિઓને કારણે આજે મહિલાઓ સમાજના તમામ ક્ષેત્રોમાં પોતાનું નામ બનાવી રહી છે.
તેમ જણાવી કહ્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ વિધવા બહેનો પુનઃ લગ્ન કરે તો તેને પ્રોત્સાહન આપવાં માટે રૂા. ૫૦ હજારની સહાયની યોજના તાજેતરમાં શરૂઆત કરાવી છે. તેનાથી આવી મહિલાઓ અબળા ન બની રહેતાં સબળાં બની સમાજમાં સન્માનભેર જીવી શકશે.‘‘નારી ગૌરવ દિવસ’ અંતર્ગત સખી મંડળને સહાય વિતરણ, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના, વ્હાલી દિકરી યોજનાની લાભાર્થી બહેનોને આર્થિક સહાયના ચેક વિતરીત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, શહેર પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, દંડકશ્રી પંકજસિંહજી, પદાધિકારીશ્રીઓ-મહાનુભાવો તેમજ જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

ધનોલ ખાતે ફ્રોઝન સિમેન સેન્ટરનું લોકાર્પણ

editor

૬.૮૫ કરોડની નાણાંકીય ઉચાપતના કેસમાં સીએ તેહમુલના આગોતરા જામીન પર ગુરૂવારે ચુકાદો

aapnugujarat

બળાત્કારમાં અમદાવાદ મોખરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1