Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં ધાબા પર સુતેલા માતા-પુત્રીની કરપીણ હત્યા

વડોદરા શહેરના આજવા રોડ સયાજીપાર્ક સોસાયટીમાં ટેરેસ ઉપર સૂઇ ગયેલા માતા-પુત્રીની માથામાં બેઝબોલના ફટકા મારીને અજાણી વ્યક્તિએ હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઇ હતી. માતા-પુત્રીની આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા સેવાઇ રહી છે અને આ ખૂની ખેલ પ્રેમિકાએ લગ્ન પછી સબંધ કાપી નાંખતા પ્રેમીએ ખેલ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, આ સમગ્ર મામલે હવે વડોદરા પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે. આ સમગ્ર ઘટનામાં માતાની કુખમાં સૂઇ રહેલા દોઢ વર્ષના બાળકને હત્યારાએ કોઇ ઇજા પહોંચાડી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. વડોદરા શહેરના આજવા રોડ ઉપર બી-૧૩માં જયશ્રીબહેન સુનિલભાઇ મોરે તેમના દિવ્યાંગ પુત્ર સાથે રહે છે. તાજેતરમાં તેમની પરિણીત પુત્રી પાયલબહેન ઉત્સવભાઇ પાલકર (ઉં.વ.૨૧) પોતાના દોઢ વર્ષના પુત્રને લઇ પિયરમાં આવી હતી. બુધવારે મોડી રાત્રે ત્રણેય પોતાના મકાનના ટેરેસ ઉપર સૂઇ ગયા હતા. જ્યારે દિવ્યાંગ યુવાન નીચેના રૂમમાં સૂઇ ગયો હતો. વહેલી પરોઢે કોઇ અજાણ્યા હત્યારાએ નિંદ્રાધિન જયશ્રીબહેન મોરે અને તેમની પુત્રી પાયલબહેન પાલકરના માથામાં બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો. સવારે સોસાયટીના લોકોને માતા-પુત્રીની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી. લોકો પથારીમાં લોહીથી લથપથ માતા-પુત્રીના મૃતદેહો જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ બાપોદ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસને સ્થળ પરથી હત્યામાં વપરાયેલ લોહીથી ખરડાયેલ બેઝબોલ અને હત્યામાં ઉપયોગમાં લીધેલ હેન્ડગ્લોવ્ઝ મળી આવ્યા હતા. આ ખૂની ખેલ આજવા રોડ ઉપર આવેલી જી-૩૨, શિવમ સોસાયટીમાં રહેતા પ્રિયકાંત ઉર્ફ ભૈલુ કિશોરભાઇ સોલંકી (ઉં.વ.૨૫)એ ખેલ્યો હોવાનું મનાઇ રહ્યું છે. સ્થાનિક લોકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, પાયલ અને પ્રિયકાંત ઉર્ફ ભૈલુ વચ્ચે પ્રેમસબંધ હતો. પાયલના લગ્ન થઇ ગયા બાદ પાયલે તેની સાથેના સબંધ તોડી નાંખ્યા હતા. આથી પ્રિયકાંત ઉર્ફ ભૈલુએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું કહેવાય છે. પ્રિયકાંત ઉર્ફ ભૈલુ સોલંકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એક માસ પૂર્વે જ તે પાસામાંથી છૂટીને બહાર આવ્યો હતો. અગાઉ તેની સામે બે વખત પાસા થઇ છે. આ ઉપરાંત તેની સામે બાપોદ પોલીસ મથકમાં મારા મારી, હત્યાના પ્રયાસ સહિતના ગુના દાખલ થયેલા છે. બાપોદ પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે આ બેવડી હત્યામાં સંડોવાયેલ મનાતા પ્રિયકાંત ઉર્ફ ભૈલુ કિશોરભાઇ સોલંકીને લઇને પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. પોલીસે હત્યાનું કારણ જાણવાની દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

વોટબેંક મેળવવા માટે કોંગ્રેસે હવે ઓબીસી ટ્રમ્પ કાર્ડ રમ્યું

aapnugujarat

ગીર-સોમનાથ વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામોમાં વીજપુરવઠો પુર્વવત

editor

વડોદરામાં ગાડીની રિક્ષા સાથે ટક્કર, એક જ પરિવારના 5 લોકોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1