Aapnu Gujarat
ગુજરાત

ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ઝુંબેશને લઇ ફરિયાદો ઉઠી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘરે ઘરેથી કચરો ઉપાડવા માટે અમલમાં મુકાયેલી નવી જીપીએસ સિસ્ટમ હેઠળ વાર્ષિક રૂ. ૬૦ કરોડ લેખે પાંચ વર્ષનો રૂ.૩૦૦ કરોડનો કોન્ટ્રાકટ ખાનગી કોન્ટ્રાકટરોને અપાયો છે. જૂની સિસ્ટમ કરતાં ત્રણ ગણો ભાવ ચૂકવ્યા બાદ પણ શહેરીજનોને ડોર ટુ ડોરની કામગીરીથી સંતોષ નથી. એક ઝોનમાં બે કોન્ટ્રાકટરને કામગીરી સોંપાઇ છે. પરંતુ સમગ્ર પ્રોજેકટમાં મોટા પાયે કૌભાંડ આચરાઇ રહ્યું હોઇ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ખાનગી કોન્ટ્રાકટરોની કહેવાતી મિલી ભગત સામે ખુદ શાસકો નારાજ છે. નવી જીપીએસ સીસ્ટમ પણ જાણે કાગળ પર જ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે, જેને લઇ નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ડોર ટુ ડોરમાં અગાઉ ઠક્કરબાપાનગરમાં કિચન વેસ્ટ તેમજ ખાનગી સ્કૂલના કાર્યક્રમમાંથી કચરો ભરીને તેનું વજન બતાવી મ્યુનિસિપલ તિજોરીને ચૂનો ચોપડવાનું કૌભાંડ ઝડપાયું હતું. શહેરની હદ બહારના બોપલ વિસ્તારનો કચરો ઠાલવીને તેમાં ભ્રષ્ટાચાર આચરવાનો મામલો પણ બહુ ગાજ્યો હતો અને હવે શાહીબાગ વિસ્તારમાં કચરાની ગાડીમાં ડેબ્રીજ ભરીને આચરાતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રત્યેક કોન્ટ્રાકટરની કચરા ગાડીને અંદાજે ૧ર૦૦ થી ૧૩૦૦ ઘરમાં ફરીને કચરો ઉપાડવાનો હોય છે. કચરા ગાડીને નિયત પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (પીઓઆઇ)થી કચરો ઉપાડવાની ફરજ સોંપાઇ છે. પરંતુ કચરા ગાડી નિર્ધારીત પોઇન્ટ પરથી નિયમિત રીતે કચરો ઉપાડતી નથી. સોસાયટી વિસ્તારમાં છેક અંદર સુધી જઇને કચરો ઉપાડવાના બદલે કચરા ગાડી બહારથી કચરો ઉપાડીને રવાના થાય છે. ખુદ શાસક ભાજપના ઉચ્ચ હોદ્દેદારોએ તંત્ર સમક્ષ સોસાયટી વિસ્તારના પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં વધારો કરવોની વારંવાર માગણી કરી છે. જો કે,આ માગણીની સત્તાવાળાઓ ઉપેક્ષા જ કરી છે. બીજી તરફ જે તે કચરા ગાડીના જીપીએસ લોકેશનને અધિકારીઓ ટ્રેસ કરતા નથી. જે તે કચરા ગાડીના પોઇન્ટમાં ન આવતી સ્કૂલ, ગેરકાયદે કોમર્શીયલ મિલકત જેવી મિલકતોમાંથી કચરો બારોબાર ઉપાડીને તેના વજનના આધારે કોન્ટ્રાકટરોને ચૂકવાતા કરોડો રૂપિયાના પેમેન્ટને અટકાવી શકાય તેમ છે.
જોકે ડોર ટુ ડોર પ્રોજેકટમાં ખુલ્લેઆમ ચાલતા ભ્રષ્ટાચારને રોકવા આ પ્રકારનું કડક મોનિટરિંગ પણ કરાતું નહી હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

Related posts

ઉત્તરાયણમાં પશુ-પંખીઓને બચાવવા રાજ્યમાં મોટાપાયે અસરકારક પગલા

aapnugujarat

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ પેન્શન કાર્ડ વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

મા ખેલ મહાકુંભનો રાજકોટ ઝોન કક્ષાનો સમાપન સમારોહમોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1