Aapnu Gujarat
ગુજરાત

અદાણી ખંડણી કેસ : ફઝલુ રહેમાન-ભોગીલાલ નિર્દોષ

સને ૧૯૯૮માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અપહરણ અને રૂ.૧૫ કરોડની ખંડણી માંગવાના ચકચારભર્યા કેસમાં મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે આરોપી ફઝલુ રહેમાન અને ભોગીલાલ દરજીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. અદાણીના અપહરણ અને ખંડણીના કેસમાં બંને આરોપીઓ નિર્દોષ છૂટી જતાં સમગ્ર કેસનો ચુકાદો વકીલો-પક્ષકારો સહિત શહેરીજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. કારણ કે, ગૌતમ અદાણી ગુજરાતના બહુ મોટા ઉદ્યોગપતિ અને હાલ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની હરોળમાં સ્થાન પામનારા વ્યકિત હોઇ તેમના કેસમાં આવેલો આ ચુકાદો સ્વાભાવિક રીતે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, કુખ્યાત ગેંગસ્ટર અને બિહારનો વતની એવા આરોપી ફઝલુ રહેમાન સને ૧૯૯૮માં દુબઇ સ્થિત ગેંગસ્ટર ઇરફાન ગોગાની મદદથી અહીં આવ્યો હતો, તે એલિસબ્રીજ વિસ્તારની એક હોટલમાં રોકાયો હતો. તેણે નવરંગપુરા સ્થિત અદાણીની ઓફિસ ખાતે તમામ ગતિવિધિઓ પર વોચ ગોઠવી હતી અને ઓગસ્ટ-૧૯૯૮માં જયારે ગૌતમ અદાણી એસજી હાઇવેથી પોતાની કારમાં તેમના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે ફઝલુ રહેમાને અન્ય છ આરોપીઓની મદદથી અદાણીનું અપહરણ કર્યું હતું. બાદમાં રૂ.૧૫ કરોડની ખંડણી માંગી હતી. પાછળથી ખંડણીની રકમ દુબઇમાં ચૂકવી દેવાતાં અદાણીની મુકિત થઇ હોવાની વાત સામે આવી હતી. પાછળથી અદાણીએ સમગ્ર મામલે સરખેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. ૨૦૦૦ની સાલમાં ફઝલુ રહેમાન દુબઇ જતો રહ્યો હતો અને સને ૨૦૦૬માં તે ઇન્ડો-નેપાલ બોર્ડર પરથી ઝડપાઇ ગયો હતો અને તેને અમદાવાદ પોલીસને સોંપાયો હતો. ૨૦૦૬માં કોર્ટે અગાઉ આ કેસના પાંચ આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા હતા. આ કેસમાં સપ્ટેમ્બર-૨૦૧૪માં આરોપી ફઝલુ રહેમાન અને ભોગીલાલ દરજી વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. જે અંગેનો ટ્રાયલ ચાલી જતાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બંને આરોપીઓ ફઝલુ રહેમાન અને ભોગીલાલ દરજીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

Related posts

યુવતીને ૧.૧૦ લાખમાં વેચવાના ષડયંત્રનો પર્દાફાશ

aapnugujarat

કોરોના મહામારી લોકો ભગવાનના ભરોસે છે, અમને પરિણામ જાેઈએ : હાઈકોર્ટ

editor

ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા

editor

Leave a Comment

UA-96247877-1