Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી જેલમાંથી કુખ્યાત આરોપીઓ પાસે ફોન કબજે

બેંકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર કૌભાંડી ભટનાગર બંધુઓ એવા અમિત અને સુરેશ ભટનાગર, પ્લેન હાઇજેકનો ધમકી ભર્યો પત્ર લખનાર કરોડપતિ વેપારી બિરજુ સલ્લા અને પૂર્વ સાંસદ ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડ રાજ્યની સૌથી સુરક્ષિત એવી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની એક જ બેરેકમાં બંધ છે. ગઈકાલે તેમની બેરેકમાંથી જેલ ઝડતી સ્ક્વોડને બે મોબાઈલ ફોન, ચાર્જર, મેમરી કાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી હતી. ત્યારબાદ જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે, સાબરમતી જેલમાં આ કુખ્યાત અને વગદાર આરોપીઓ પાસેથી મોબાઇલ, સીમકાર્ડ, મેમરી કાર્ડ સહિતની ચીજવસ્તુઓ મળી આવતાં હવે જેલની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. કારણ કે, એકબાજુ સામાન્ય ગુનાઓમાં જેલમાં કાચા કામના કે પાકા કામના કેદી તરીકે જેલવાસ ગાળી રહેલા કેદીઓના પરિવારજનોને મળવા સુધ્ધાં દેવાતા નહી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠવા પામતી હોય છે. એટલું જ નહી, જેલના કેદીઓને બિમારી કે ગંભીર માંદગીના સમયે પણ સમયસર સારવાર મળતી નહી હોવાની અને ઇમરજન્સીના કિસ્સામાં સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાતા નહી હોવાની ફરિયાદો પણ વ્યાપક પ્રમાણમાં ઉઠતી રહે છે ત્યારે આવા કુખ્યાત અને વગદાર આરોપીઓ પૈસાના જોરે જેલની આખી સીસ્ટમ જાણે ખરીદી મોબાઇલ, સીમકાર્ડ અને મનફાવે તેવી સરભરા મેળવી જેલમાં પણ જાણે ઐય્યાશી જીવન ભોગવતા હોવાની ચર્ચાએ હવે જોર પકડયું છે. કારણ કે,સાબરમતી સેન્ટ્રલ જેલના સિનિયર જેલરની આગેવાનીમાં ગઈકાલે સાંજે નવી જેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાનું બેંક કૌભાંડ આચરનાર વડોદરાના સુરેશ ભટનાગર અને અમિત ભટનાગર, પ્લેન હાઇજેકનો ધમકી ભર્યો પત્ર લખનાર કરોડપતિ વેપારી બિરજુ સલ્લા અને પૂર્વ સાંસદ ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોર સિંહ રાઠોડને સાબરમતી જેલમાં એક જ બેરેકમાં રાખવામાં આવ્યા છે.
બેરેકની તપાસ કરતા માતાજીના ફોટા નીચે ખૂણામાં દીવાલની અંદરથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ ફોન ઉપરાંત એક ચાર્જર, ચાર સીમકાર્ડ અને એક મેમરી કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસે મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી. બંને મોબાઈલમાં પાસવર્ડ હોવાથી કોને કોને ફોન કર્યા હતા તેની માહિતી મળી શકી ન હતી. જો કે, પોલીસે પાસવર્ડ ખોલાવી કયાં કયાં ફોન કરાયા તેની માહિતી મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, આ ઘટનાને પગલે ફરીએકવાર સાબરમતી જેલતંત્રની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા અને ખુદ જેલ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે.

Related posts

બિનઅનામત જ્ઞાતિ આયોગ, નિગમો શોભાના ગાંઠિયા છે

aapnugujarat

સોમનાથમા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશની બેઠક યોજાઈ

editor

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિદ્યાર્થીઓને વાહક જન્ય રોગ નિયંત્રણ અંગે માહિતી અપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1