Aapnu Gujarat
ગુજરાત

કચ્છ માત્ર કાગળ પર અસરગ્રસ્તઃ કચ્છી માડુને ખાવા-પીવાનાં ફાંફાં

આમ તો કચ્છી માડુ પોતાની ખુમારી અને બન્ની ભેંસના કારણે દુનિયાભરમાં જાણીતા છે. પરંતુ ચાલુ વર્ષે મેઘરાજાએ એવા રિસામણા કર્યા કે બન્નીની ભેંસ સહિત અન્ય ઢોરઢાંખરના જીવ બચાવવા કચ્છી માલધારીઓએ વતન છોડી હિજરત કરવાનો વારો આવ્યો છે. નાના ભૂલકા, વડીલો અને સ્ત્રીઓ સાથે માલધારીઓના પરિવારો સાણંદના પાદરે લાચારી ભર્યા દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે.ઉપર આકાશ અને નીચે ધરતી. નહીં પોતાના ખાવા-પીવાના કંઇ ઠેકાણ, કે ન જીવથી પણ વ્હાલા પશુઓના ઘાસચારાની વ્યવસ્થા. સાણંદના ઇયાવા ગામના પાદરે પડાવ નાંખીને આશરો લઇ રહેલા કચ્છના માલધારીઓ એક-એક દિવસ તો શું એક ટંક માટે પણ ખાવા-પીવાના ફાંફા મારી રહ્યા છે.
કચ્છમાં પાણી અને ઘાસચારાના અભાવે આ માલધારી પરિવારોએ પોતાના વતન બન્નીના સરાડા ગામેથી ઉચાળા ભરવાની નોબત આવી.સરકારે કચ્છને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ સહાયના નામે હજુ સુધી કચ્છમાં કંઇ નથી પહોંચ્યુ. ન પાણી કે ન ઘાસચારો. પરિણામે સરાડા ગામ સુકુભઠ્ઠ જોવા મળી રહ્યું છે. ગામના પાદરે ફક્ત ઝાડીઝાંખરા જ જોવા મળી રહ્યા છે. આથી પોતાનો તેમજ અબોલ પશુઓનો જીવ બચાવવા માટે માલધારીઓ પાસે હિજરત કરવા સિવાય કોઇ રસ્તો નહોતો. સાણંદ આવી પહોંચ્યા બાદ પણ માલધારી પરિવારો ખુલ્લામાં આશરો લેવા મજબૂર બન્યા છે. ખાધા-પીધા વગર ભૂખથી ટળવળતા બાળકોની હાલત રડીરડીને ખરાબ થઇ છે. તો સ્ત્રીઓની હાલત પણ કફોડી બની ગઇ છે. માલધારી પરિવારો પાસે એક ટંક ખાવા માટે પણ પાસે પૈસા નથી. કેટલાક સેવાભાવીઓ તેમજ સંસ્થાઓ દ્વારા આ પરિવારોને અનાજ, પાણી તેમજ ઘાસચારો પૂરો પાડવામાં આવે છે.‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ આ ટેગલાઇન સાથે સરકાર કચ્છમાં પ્રવાસીઓને આમંત્રણ તો પાઠવી રહી છે. પરંતુ ઉત્સવો અને તાયફાઓ વચ્ચે કચ્છી માડુઓને પડી રહેલી હાલાકી જેમની તેમ છે. જો સરકાર અછતગ્રસ્ત કચ્છને તાત્કાલિક સહાય નહીં પહોંચાડે તો અનેક પરિવારોએ હિજરત કરવી પડશે.

Related posts

સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઃ  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે 

aapnugujarat

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે વર્ષ 2018 ના થયેલા લૂંટનો ભેદ ઉકેલાયો

editor

અંકલેશ્વર પાસે બે લકઝરી બસો વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1