Aapnu Gujarat
ગુજરાત

અનંત ચતુર્દશી પર વિસર્જન માટે ૩૪ કુંડની વ્યવસ્થા

આગામી રવિવારે અનંત ચતુર્દશી હોઈ વિધ્નહર્તા દુંદાળાદેવ ગણેશજીની મૂર્તિની ૧૦ દિવસ માટે પ્રતિષ્ઠા કરનારા ભક્તો દ્વારા ભારે હર્ષોલ્લાસ, શ્રદ્ધા અને ભકિતભાવપૂર્વક વિસર્જન કરવામાં આવશે. જો કે, આ વખતે હાઈકોર્ટ દ્વારા સમુદ્ર, નદી કે તળાવમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ લગાવાયો હોઈ તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે અને અન્ય સ્થળોએ મળીને કુલ ૩૪ નાના-મોટા કુંડ બનાવાયા છે. દસ દિવસ સુધી પોતપોતાના વિસ્તારમાં વિશાળ પંડાલ-શામિયાણા અને મંડપોમાં પૂજા-વિધી, આરતી અને ભકિત-વંદના કર્યા બાદ હવે રવિવારે લાખો શ્રધ્ધાળુઓ અને ગણેશભકતો ભારે હૈયે દાદાની મૂર્તિને વિદાય આપી તેનું વિસર્જન કરશે, ત્યારે ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયાના નારાઓ ગુંજી ઉઠશે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો બીજીબાજુ, ટ્રાફિક નિયમન અને સરળતા માટે રૂટ ડાયવર્ટીંગ અને વાહન પ્રતિબંધ અંગેના જાહેરનામા પણ જારી કરાયા છે. એક અંદાજ પ્રમાણે, આ તમામ કુંડમાં આશરે ૮થી ૧૦ હજાર મૂર્તિ વિસર્જન માટે લવાશે. સાબરમતી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે હાઈકોર્ટના આદેશથી પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાથી પૂર્ણ પ્રતિબંધ લાગ્યો છે એટલે તંત્ર દ્વારા કુંડની સંખ્યામાં સતત વૃદ્ધિ કરાતી ગઈ છે અને હવે શહેરમાં કુલ ૩૪ નાના-મોટા કુંડ શ્રીજી ભક્તોની સુવિધા માટે બનાવાયા છે. સત્તાવાળાઓ દ્વારા ગણેશજીની મોટી મૂર્તિના વિસર્જન માટે ૬૫ ફૂટ લાંબા અને ૮ ફૂટ ઊંડા કુંડ રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે વલ્લભસદન અને એનઆઈડી ખાતે બનાવાયા છે. પૂર્વ કાંઠે પણ છ મોટા કુંડ બનાવાયા છે. રામોલ-હાથીજણમાં એક પ્લોટમાં કુંડનું નિર્માણ કરાયું છે. વટવા, વસ્ત્રાલ, દેવકી ગાર્ડન પર પણ કુંડ તૈયાર કરાયા છે. રિવરબ્રિજ પર નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ક્રેન નહીં મુકાય, પરંતુ કુંડ માટે ૩૦ ક્રેનની વ્યવસ્થા ઊભી કરાશે. પ્રત્યેક કુંડમાં આસિસ્ટન્ટ ઈજનેર સહિત પાંચ કુશળ મ્યુનિસિપલ સ્ટાફને તૈનાત કરાશે. તેમજ ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સ્તરના ઉચ્ચ અધિકારી દ્વારા વિસર્જન વ્યવસ્થાનું ખાસ કન્ટ્રોલરૂમ બનાવીને મોનિટરિંગ કરાશે. કુંડને પાણીથી છલોછલ રાખવા પંપ મુકાશે તેમજ ટેન્કરથી પણ પાણી ભરાશે. તમામ કુંડમાં વિસર્જિત કરાયેલી મૂર્તિને તેની સામેના પંડાલમાં લઈ જવાશે અને ત્યારબાદ કોતરપુર ખાતે તેનું વિસર્જન કરાશે. રવિવારે લાખો શ્રધ્ધાળુભકતો પોતપોતાના વિસ્તારમાંથી દાદાની આકર્ષક અને વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ નાની મોટી ટ્રક સહિતના વાહનોમાં લઇ વિસર્જનના સ્થળોએ જશે અને ભકિતભાવ સાથે દાદાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરશે. વહીવટીતંત્ર દ્વારા દાદાની મૂર્તિઓના વિસર્જનની ખાસ વ્યવસ્થા કરાઇ છે, તો પોલીસતંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીનો પૂરતો બંદોબસ્ત તૈનાત કરાયો છે. રવિવારે મોડી રાત સુધી અમદાવાદ શહેર સહિત ગણેશ વિસર્જન ચાલશે અને તેને લઇ રાજયભરમાં ગણેશભકિતનો માહોલ ફરી છવાશે. ગણેશભકતો દાદાને ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયા એટલે કે, દાદા આવતા વર્ષે વહેલા પધારજો એમ કહી વિસર્જન કરશે અને આવતા વર્ષે તેમના વહેલા આવવાની રાહ જોશે. દરમ્યાન અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા ૩૪ જેટલા સ્થળોએ કૃત્રિમ જળાશયો તૈયાર કરી ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરાઇ છે. ગણેશ વિસર્જન દરમ્યાન ૩૦૦થી વધુ ફાયરબ્રિગેડના જવાનો લાઇફ સેવીંગ જેકેટ, રસ્સા, બોટ સહિતની તૈયારીઓ સાથે ગણેશભકતોની સેવામાં તૈનાત રહેશે. નાગરિકોને ગણેશ વિસર્જન દરમ્યાન સાવચેતી રાખવા, ઉંડા પાણીમાં દૂર સુધી ન જવા અપીલ કરી છે.

Related posts

AMC issued notices to 81 school and colleges in A’bad for mosquito breeding

aapnugujarat

किसी पार्टी में शामिल होकर मेरा नाम बदनाम नहीं करना चाहता : हेमंत चौहाण

aapnugujarat

મહિલા સીએ દ્વારા વિમેન્સ ડેની વિશેષ ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1