Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાકનું ખરાબ વર્તન : બિસારીયાને ગુરૂદ્વારામાં જતા અટકાવી દેવાયા

પાકિસ્તાને ફરી એકવાર ભારતીય રાજદ્વારી અધિકારી સાથે ખરાબ વર્તન કર્યું છે. પાકિસ્તાનમાં ફરજ બજાવી રહેલા ભારતના હાઈકમિશનર અજય બિસારીયા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે. રાવલપિંડીની નજીક હસન અબદલ ખાતે ગુરૂદ્વારા પંજાસાહિબમાં દર્શન કરવાથી તેમને રોકવામાં આવતા હોબાળો મચી ગયો છે. ભારતીય અધિકારીનું કહેવું છે કે બિસારીયા સાથે ખરાબ વર્તન કરવામાં આવતા ભારતે આને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી તેમને મંજુરી પણ આપવામાં આવી હતી પરંતુ અધિકારીઓને તેમને જવાથી રોકી દીધા હતા. આ વર્ષે આ પ્રકારનો આ બીજો મામલો સપાટી પર આવ્યો છે. શુક્રવારના દિવસે બિસારીયાનો જન્મ દિવસ હતો. જેથી તેઓ પોતાની પત્નીની સાથે ગુરૂદ્વારા પંજાસાહિબમાં પહોંચ્યા હતા. પહેલાથી જ જરૂરી તમામ પરવાનગી લઈ લેવામાં આવી હતી પરંતુ તેમને ગુરૂદ્વારામાં પ્રવેશ કરવાથી રોકી દેવામાં આવ્યા હતા. તેમની સાથે તેમના પત્ની પણ હતા. ભારતે આ મામલાને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સામે રજુ કરીને નારાજગી નોંધાવી છે. ૧૯૯૨ના કોડ ઓફ કન્ડક્ટને ફરી સજીવન કરવા ગયા વર્ષે માર્ચ મહિનામાં સમજૂતિ કરવામાં આવી હતી. આ સમજૂતિનો મતલબ એ છે કે સમજૂતિમાં વારંવાર કોઈપણ પ્રકારની અડચણો આવશે નહીં. સમજૂતિ થઈ હોવા છતાં ભારતીય રાજદ્વારીઓને હેરાન કરવાના બનાવો વારંવાર બનતા રહ્યા છે. દિલ્હી અને ઈસ્લામાબાદ બંને જગ્યાએ આ પ્રકારના બનાવો બન્યા છે. બિસારીયા ગુરૂદ્વારામાં શિખ શ્રદ્ધાળુઓને મળવાની પણ ઈચ્છા ધરાવતા હતા. છેલ્લા બે મહિનામાં બીજી વખત બિસારીયા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. પંજાસાહિબમાં દર્શન કરવા માટેના પ્રયાસમાં તેમને ફરી નિષ્ફળતા મળી છે. જેથી ઈસ્લામાબાદ પરત ફર્યા હતા. પંજાસાહિબને ગુરૂનાનક શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાના મહત્વના કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે. એપ્રિલ મહિનામાં અન્ય ભારતીય અધિકારીઓને પણ ગુરૂદ્વારામાં દર્શન કરવા અને શ્રદ્ધાળુઓને મળવા માટે મંજુરી આપવામાં આવી ન હતી. ભારતે ત્યારબાદ પાકિસ્તાન સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય રાજદ્વારીઓને મળવાથી શિખ શ્રધ્ધાળુઓને રોકવાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો. ભારતીય અધિકારીઓના કહેવા મુજબ પાકિસ્તાને આ પ્રકારની બેઠકો વારંવાર રોકી છે કારણ કે તેને એવી શંકા રહે છે કે ખાલિસ્તાન ચળવળને ટેકો આપવા માટે શિખ શ્રદ્ધાળુઓને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. ૧૯૭૪ના ધાર્મિક સ્થળની મુલાકાતના સંદર્ભમાં પાકિસ્તાન-ભારત પ્રોટોકોલની રૂપરેખાની અંદર ભારતના શિખ શ્રદ્ધાળુઓ દર વર્ષે જુદા જુદા કાર્યક્રમો મનાવવા માટે પાકિસ્તાન પહોંચે છે. પાકિસ્તાને ગઈકાલે જ કહ્યું હતું કે તે ભારત તરફથી ૩૦૦ શીખ શ્રદ્ધાળુઓને વિઝા આપી ચુક્યું છે. ૨૧ થી ૩૦મી જૂન ૨૦૧૮ના ગાળા દરમિયાન લાહોરમાં ગુરૂદ્વારા ડેરાસાહિબમાં મહારાજા રણજીતસિંહની પુણ્યતિથિના ભાગરૂપે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા રહ્યા છે. ભારતે પાકિસ્તાનથી પોતાના મિશનોની રાજદ્વારી સુરક્ષા મજબૂત કરવા માટે વારંવાર રજુઆત કરી છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાનમાં ભારતીય નાગરિકોને સામાન્ય રીતે વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાંચમી એપ્રિલના દિવસે વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે કહ્યું હતું કે બંને દેશ રાજદ્વારી મામલાને ઉકેલવા માટે તૈયાર છે.

Related posts

Soros and India

aapnugujarat

ભારતમાં વૃધ્ધોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

aapnugujarat

સદ્ગુગુરુ SHS2018 ની સ્વચ્છતા અને અનુભવો અંગેના અનુભવો વિશે જણાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1