Aapnu Gujarat
ગુજરાત

પતિનું કાસળ કઢાવનારી પત્ની રેખાને અફસોસ નથી

ઓઢવમાં રહેતા વિવેકાનંદ સ્કૂલના ટ્રસ્ટી હરેશભાઇ પટેલની હત્યા કેસમાં સંડોવાયેલી તેમની પત્ની રેખાને પતિના મોતનો સહેજ પણ અફસોસ સુધ્ધાં નથી, તો રેખાના પ્રેમીને પણ હરેશભાઇની હત્યાનો કોઇ રંજ કે પસ્તાવો નથી. રેખાએ તેના પ્રેમી સાથે મળીને આચરેલા આ હિંસક કૃત્યમાં માત્ર હરેશભાઇનો જ જીવ નથી ગયો, પરંતુ તેમનાં બે બાળકો અને બીમારીથી પીડાતાં હરેશભાઈના માતા-પિતા પણ નિરાધાર થઈ ગયા છે. હરેશભાઇની હત્યા પાછળ તેમની મિલ્કત હડપ કરવાના કાવતરાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શહેરભરમાં ભારે ચકચાર જગાવનાર આ કેસ અંગે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એસ. અસારીએ જણાવ્યું હતું કે, હરેશભાઇની હત્યા કેસમાં સંડોવાયેલી તેમની પત્ની રેખા અને હત્યાની ઘટનાને અંજામ આપનાર તેના પ્રેમી નીતિનને કોઇ પણ અફસોસ કે રંજ નથી. હરેશભાઇની પ્રોપર્ટી હડપ કરવા માટે તેમની હત્યા કરાઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ૧ર વર્ષ પહેલાં હરેશ અને રેખાનાં લગ્ન થયાં હતાં, જેમાં રેખાએ બે સંતાનોને જન્મ આપ્યો હતો. હરેશભાઇ અને તેમના મોટાભાઇ જયેશભાઇની મોરબી અને અમદાવાદમાં સ્કૂલો આવેલી છે, જેમાંની કેટલીક સ્કૂલ તે વેચવાના હતા. સ્કૂલ વેચાતાં તેનો અડધો ભાગ હરેશભાઇને મળવાનો હતો જ્યારે બીજી બાજુ રેખા આ અડધો ભાગ પોતે લઇને નીતિન સાથે શાંતિથી જીવન વીતાવવા માગતી હતી. હરેશભાઇ મૃત્યુ પામે તો રેખાને અડધો ભાગ મળે તેમ હતો, જેથી તેમની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. નીતિન અને રેખા વચ્ચે એક વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. બન્ને એકબીજાને એ હદે પ્રેમ કરવા લાગ્યાં હતાં કે જ્યારે રેખા હરેશભાઇ સાથે રહેતી હતી ત્યારે નીતિનને તે વાતની ઇર્ષા થવા લાગી હતી. હરેશભાઇનું કાસળ કાઢી નાખવા માટે નીતિને અનેક વખત રેખાને કહ્યું હતું, પરંતુ રેખાએ યોગ્ય સમયની રાહ જોવા માટે નીતિનને કહ્યું હતું. પીએસઆઇએ વધુમાં જણાવ્યું હતું કે હરેશભાઇની હત્યા કરીને તેમની લાશને સળગાવ્યા બાદ દાટી દેવાનો પ્લાન બનાવ્યો હતો, જેથી હરેશભાઇ ગુમ થયા છે તેવી ફરિયાદ થઇ શકે અને પોલીસને કોઇ સુરાગ ના મળે, પરંતુ ગણતરીના કલાકોમાં હરેશભાઇની હત્યામાં સંડોવાયેલાં પત્ની રેખા, પ્રેમી નીતિન અને તેના મિત્ર દર્શિલની ધરપકડ કરી લેવાઇ છે. હરેશભાઇની હત્યા કર્યા બાદ નીતિને રેખાને ફોન કરીને સમાચાર આપ્યા હતા. સમાચાર સાંભળતાંની સાથે રેખા પતિના મોતનું દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ ખુશીથી ઝૂમી ઊઠી હતી. પોલીસે વધુમાં જણાવ્યું છે કે રેખા અને હરેશભાઇનું સંસારી જીવન પણ સારૂ ચાલતું હતું, પરંતુ એક વર્ષ પહેલાં નીતિન આવવાથી રેખા તેના ગળાડૂબ પ્રેમમાં પડી હતી અને પ્રેમમાં અંધ બનીને સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો.

Related posts

ઘરમાં દારૂનું સેવન કરવું ગુનો ગણી શકાય નહીં

aapnugujarat

‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે તા. 24-06-2017 ના રોજ “સ્વસ્થ મન, સમૃદ્ધ જીવન” (Healthy Mind, Wealthy Life) વિષય પરનું 80મું પ્રવચન યોજાશે

aapnugujarat

હવે આરટીઓમાં કર્મીઓ કામને લઇ ભારે ઉદાસીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1