Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું

મોનસુનની ઉત્સુકતા વચ્ચે ગરમીના પ્રમાણમાં હજુ પણ નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો નથી. બપોરના ગાળામાં હજુ પણ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં આજે પણ મહત્તમ તાપમાન ૪૦.૫ ડિગ્રી રહ્યું હતું જ્યારે કેટલાક રાજ્યોમાં પારો ૪૧ સુધી પહોંચ્યો હતો. રાજકોટમાં આજે મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી સુધી પહોંચ્યું હતું જ્યારે સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૧ રહ્યો હતો. ભુજમાં પણ પારો ૪૦.૨ સુધી રહ્યો હતો. અમદાવાદમાં આવતીકાલે તાપમાન વધીને ૪૧ સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૧ ડિગ્રી વચ્ચે રહી શકે છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ ૧૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૬૨૬ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૬ દિવસના ગાળામાં ૨૨૦ અને ટાઇફોઇડના ૨૪૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૬ દિવસના ગાળામાં ૨૪૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન ૨૦૧૭ દરમિયાન લીધેલા ૭૦૬૫૭ લોહીના નમૂના સામે ૧૬ જૂન ૨૦૧૮ સુધીમાં ૩૮૨૮૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મોનસુનની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે પરંતુ મોનસુનમાં વિલંબ થતાં ચિંતાનું મોજુ ફેલાઈ ગયું છે. હજુ પણ મોનસુનની એન્ટ્રીના વહેલીતકે સંકેત મળી રહ્યા નથી. આવી સ્થિતિમાં સરકારની સાથે સાથે કૃષિ સમુદાય અને કારોબારીઓ પણ ચિંતાતુર બન્યા છે. મુંબઈમાં મોનસુનની એન્ટ્રી થયા બાદ પ્રક્રિયા આગળ વધી નથી. હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટા જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. મોનસુનને લઇને ચિંતા પ્રવર્તી રહી હોવા છતાં મોનસુનની વિધિવત એન્ટ્રી થઇ રહી નથી. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, હળવા વરસાદી ઝાપટા સાથે આંશિક વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહેવાની શક્યતા છે.
રાજ્યભરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ આજે પણ રાજકોટમાં થયો હતો જ્યાં પારો ૪૧.૬ ડિગ્રી રહ્યો હતો. હાલમાં મોનસુનની એન્ટ્રી પહેલા જે વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા તેમાં કેશોદ, જુનાગઢ, અમરેલી, રાજુલા, ગોંડલ પંથક, ભાવનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમ્યાન હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે મોનસૂન બેસવાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે ચોમાસુ ૧૫મી જૂન સુધી ગુજરાતમાં બેસી જાય છે પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે.

Related posts

મહેસાણાના ચીકણા ગામે અ૫હરણ અને હત્યા પ્રકરણ : બાળકની અંતિમવિધિ કરવા ગ્રામજનોનો ઇન્કાર

aapnugujarat

અજમેર બ્લાસ્ટ કેસમાં આરોપી સુરેશ નાયર ઝડપાયો

aapnugujarat

ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો

editor

Leave a Comment

UA-96247877-1