Aapnu Gujarat
ગુજરાત

અજમેર બ્લાસ્ટ કેસમાં આરોપી સુરેશ નાયર ઝડપાયો

૨૦૦૭ના અજમેર બ્લાસ્ટમાં નાસતા ફરતાં આરોપી સુરેશ દામોદર નાયરની ગુજરાત એટીએસએ ભરૂચના શુકલતીર્થ ખાતેથી ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. અજમેર બ્લાસ્ટમાં સુરેશ નાયર છેલ્લા ઘણા વર્ષોથી વોન્ટેડ હતો અને આખરે ગુજરાત એટીએસની ટીમે તેને રંગેહાથ ઝડપી લઇ મહત્વની સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, અજમેર દરગાહ બ્લાસ્ટ કે જેની તપાસ એનઆઇએ દ્વારા ચાલી રહી છે, તેમાં આરોપી સુરેશ દામોદર નાયર વોન્ટેડ હતો. આરોપી સુરેશ નાયર મૂળ ખેડા જિલ્લાના ઠાસરાનો વતની છે અને અજમેર દરગાહ ખાતેના બ્લાસ્ટમાં તેની સક્રિય સંડોવણી બહાર આવી હતી, ત્યારથી તે નાસતો ફરતો હતો. ગત તા.૧૧-૧૦-૨૦૦૭ના રોજ અજમેર દરગાહ ખાતે એક બોંબ મૂકાયો હતો, જેનો વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત નીપજયા હતા, જયારે અન્ય ૧૭ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ગુજરાત એટીએસના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરેશ નાયર આગામી દિવસોમાં ભરૂચના શુકલતીર્થની મુલાકાત લેવાનો છે અને તેથી એટીએસની ટીમે બહુ ગુપ્તતાપૂર્વક લાંબા સમયથી શુક્લતીર્થ ખાતે વોચ ગોઠવી હતી. દરમ્યાન સુરેશ નાયર ત્યાં આવતાં જ એટીએસના અધિકારીઓએ તેને ધરદબોચી લીધો હતો અને તેને વધુ પૂછપરછ અર્થે અમદાવાદ લઇને આવી હતી. એટીએસની ટીમ દ્વારા તેની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ હાથ ધર્યા બાદ તેને આગામી દિવસોમાં એનઆઇએને સોંપવામાં આવશે. આરોપી સુરેશ નાયર પર રૂ. બે લાખનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. એનઆઇએ દ્વારા અત્યારસુધી હાથ ધરાયેલી તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, સુરેશ નાયરે કથિતરૂપે બોંબનો સામાન બીજા આરોપીઓને સપ્લાય કરી હતી અને તે પોતે પણ ગુનાની જગ્યાએ જે તે વખતે હાજર હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં કેટલાક આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારવામાં આવી હતી.

Related posts

સી.કે.પટેલ ભાજપનાં એજન્ટ : મનોજ પનારા

aapnugujarat

एचडीएफसी की पॉलिसी के बहाने १०.२० लाख की धोखाधड़ी

aapnugujarat

દાહોદના બેન્ક મેનેજરની જાહેરમાં હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1