Aapnu Gujarat
ગુજરાત

સી.કે.પટેલ ભાજપનાં એજન્ટ : મનોજ પનારા

હાર્દિકના આમરણાંત ઉપવાસના ગઇકાલે ૧૧મા દિવસે સરકાર તરફથી નિમંત્રણ મળ્યા બાદ પાટીદાર સમાજની છ અગ્રણી સંસ્થાના મોવડીઓ કે જેમાં સી.કે.પટેલ સહિતના આગેવાનો સામેલ હતા, તેમણે સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી પરંતુ ઉપવાસ આંદોલન કે અનામત મામલે કોઇ નિરાકરણ આવ્યું ન હતું. બેઠક બાદ સી.કે.પટેલ દ્વારા મીડિયા સમક્ષ સરકાર પરત્વે કૂણી લાગણી દાખવતા કરાયેલા નિવેદનો બાદ આજે પાસમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. હાર્દિકના સાથી મનોજ પનારાએ તો, પાટીદાર અગ્રણી સી.કે.પટેલને આડા હાથે લઇ નાંખ્યા હતા અને એક તબક્કે તેમને ભાજપના એજન્ટ ગણાવી દીધા હતા. જેને પગલે પાટીદાર સમાજમાં બે ફાડચા અને તિરાડ સામે આવ્યા હતા. સાથે સાથે મનોજ પનારા તરફથી ઉપવાસ આંદોલન કે પાસના કાર્યક્રમો સંદર્ભમાં હાર્દિક પટેલ કે તેના(મનોજ પનારા) સિવાય કોઇના પણ નિવેદનને અધિકૃત નહી માનવા જાહેરાત કરાઇ હતી. તેમના બે સિવાય અન્ય કોઇપણ વ્યકિત નિવેદન કે માહિતી આપે તો તેને અધિકૃત નહી ગણવા સ્પષ્ટતા કરાઇ હતી. પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવા માફીના મુદ્દે આમરણ અનશન પર ઉતરેલા હાર્દિક પટેલના સાથીદાર એવા મનોજ પનારાએ આજે મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે જો સરકાર બોલાવશે તો અમે વાટાઘાટો કરવા તૈયાર છીએ. સી. કે. રાઉલજી ભાજપના એજન્ટ બનીને આવ્યા હોય તેવી શંકા છે. આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગવંતુ બનાવવા ધારાસભ્યો અને સંસદ સભ્યોનો સંપર્ક કરી તેમના અનામત અને દેવા માફી મુદ્દે જવાબ માગીશું.આવતીકાલે ગુરુવારે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો અને ૨૬ સાંસદો તથા રાજ્યસભા સભ્યોને ફોન કરીને ખેડૂતોના દેવા માફીના મુદ્દે સહમત છો કે નહીં, દેવુ માફ થવુ જોઈએ કે નહીં. પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ કે નહીં તે અંગે કોલ કરાશે. જેથી આ નેતાઓ આવતીકાલે પોતાનો ફોન ચાલુ રાખે. જો મોબાઇલ બંધ હશે તો તેમને ખેડૂત વિરોધી માનીશું. તો, આગામી શુક્રવારે અમે એક ફોર્મ લઇને ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો અને ૨૬ સાંસદો તથા રાજ્યસભા સભ્યો પાસે જઇશું અને ખેડૂતના દેવા માફી માટે સહમત છો કે નહીં, જો ફોર્મ નહીં ભરે તો ખેડૂતોનું દેવુ માફ નથી કરવા માગતા તેમ માનીશું. આ સિવાય પાટીદાર મહિલાઓ ઉંઝા, કાગવડ સહિતના ચાર ધામમાં ઉમા ખોડલને હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશે. જ્યારે રવિવારે પાટણથી મા ખોડલના મંદિરથી ખેડૂતો ઉમા ખોડલનો રથ લઇ ઉંઝા જશે અને હાર્દિકના સારા સ્વાસ્થ્ય અને ખેડૂતોના દેવા માફી માટે પ્રાર્થના કરશે. પનારાએ સી.કે.પટેલને આડા હાથે લેતાં જણાવ્યું કે, સી. કે. પટેલ ભાજપના આગેવાન છે. સમાજની સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. જો સરકાર સાથે તેમણે વાટાઘાટો કરી હોય તો મને વાંધો નથી. પરંતુ સી.કે.પટેલે ઉપવાસ પૂર્ણ કરવા મુદ્દે હાર્દિક સાથે આવી કોઈ વાત કરી નથી. સી.કે. પટેલ ભાજપના એજન્ટ બનીને વિલનની ભૂમિકા ભજવતા ન હોય તેનું ધ્યાન રાખે. જો સરકાર પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે વાટાઘાટો કરવા માટે બોલાવશે તો અમે ચોક્કસ ચર્ચા કરવા જઇશું. પરંતુ સરકાર અમારા આંદોલનને ડામી દેવા માગતી હોય તેમ લાગી રહ્યું છે. પનારાએ સ્પષ્ટતા કરી કે, હાલની પરિસ્થિતિમાં હું મનોજ પનારા અને હાર્દિક પટેલ જ આ મુદ્દે ઓથોરાઇઝ નિવેદન આપનાર વ્યક્તિ છે. સમાજનાં અગ્રણીઓએ અત્યાર સુધી ક્યારેય કોઇ જ યોગ્ય ભૂમિકા ભજવી નથી. સી.કે.પટેલ સરકાર સાથે બેઠક પૂરી કરી મીડિયા મારફતે વાત કરી રહ્યા છે પરંતુ તેમણે વાસ્તવમાં હાર્દિક પાસે આવી પહેલાં તેને જાણ કરવી જોઇએ અને તમામ મુદ્દે તેને વિશ્વાસમાં લેવો જોઇતો હતો. હજુ સુધી સી.કે.પટેલને હાર્દિકની મુલાકાત કે ખબરઅંતર પૂછવાનો સમય મળ્યો નથી અને અહીં આવ્યા નથી, તે બિલકુલ ગેરવાજબી વાત છે.

 

Related posts

ગુજરાત ચૂંટણીનાં પ્રથમ ચરણમાં ૪૮૮ દ્વારા ઉમેદવારી પરત ખેંચાતા ૧૧૭૬ વચ્ચે જંગ

aapnugujarat

ભુજમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થી માટે ભોજન સુવિધા

aapnugujarat

રાજપીપલા ખાતે તા. ૨૨ મી એ રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાના અધ્યક્ષપદે બેઠક યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1