Aapnu Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી માહોલ ગુલાબી

દક્ષિણ ગુજરાતમાં આજે અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. લોકોને રાહત મળી હતી. વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. રાજ્યના જે વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ થયો હતો તેમાં સાપુતારા, વાપી, નવસારી, સુરત, ભરુચનો સમાવેશ થાય છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. સુરત શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. છેલ્લા ઘણા દિવસથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટાની શરૂઆત થઇ હતી. નવસારી જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટા જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. મોનસુનને લઇને ચિંતા પ્રવર્તી રહી હોવા છતાં મોનસુનની વિધિવત એન્ટ્રી થઇ રહી નથી. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, હળવા વરસાદી ઝાપટા સાથે આંશિક વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યભરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ આજે પણ અમદાવાદમાં જ થયો હતો જ્યાં પારો ૪૦.૭ ડિગ્રી રહ્યો હતો. દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં અપર એયર સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ ગયા બાદ આજે તેની અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં ગઇકાલે પણ વરસાદના ઝાપટા પડ્યા હતા તેમાં કેશોદ, જુનાગઢ, અમરેલી, રાજુલા, ગોંડલ પંથક, ભાવનગરનો સમાવેશ થાય છે. વરસાદના લીધે ઠંડકનો માહોલ પણ છવાયો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમ્યાન હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે મોનસૂન બેસવાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે ચોમાસુ ૧૫મી જૂન સુધી ગુજરાતમાં બેસી જાય છે પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. આજે અમદાવાદમાં તીવ્ર પવન ફુંકાયો હતો. ધુળની ડમરીઓ પણ ઉડી હતી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે. ગરમીના પ્રમાણ વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ પણ વધ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ નવ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૩૭૪ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના નવ દિવસના ગાળામાં ૧૩૯ અને ટાઇફોઇડના ૧૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના નવ દિવસના ગાળામાં ૧૪૭ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા.

Related posts

કોંગી દ્વારા પંચાયત પરિષદ હક્કો અંગે ૨૩મીએ દેખાવ

aapnugujarat

હવે ઉમેદવારોની યાદીને લઇને થોભો ને રાહ જુઓની રણનીતિ

aapnugujarat

વિરમગામમાં આદ્ય પત્રકાર મહર્ષિ નારદ જયંતિની ઉજવણી અંતર્ગત પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1