Aapnu Gujarat
રમતગમત

બ્રિજભૂષણના નજીકના સાથી WFIની ચૂંટણી જીત્યા બાદ સાક્ષી મલિકે કુસ્તી છોડી

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા રેસલર સાક્ષી મલિકે ગુરુવારે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો હોવાની જાહેરાત કરી છે. સાક્ષી મલિકે કહ્યું હતું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે સંજય સિંહના વિજય બાદ કુસ્તીમાં ભાગ લેશે નહીં. સંજય કુમાર સિંહ ભારતીય કુસ્તી મહાસંઘના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સહયોગી છે. આ નિર્ણયથી નારાજ સાક્ષી મલિકે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ઓલિમ્પિયન બજરંગ પુનિયા, સાક્ષી અને વિનેશ ફોગટની આગેવાની હેઠળ કુસ્તીબાજોના જૂથ દ્વારા લાંબા આંદોલન પછી બ્રિજ ભૂષણ શરણ સિંહને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

આ જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર નીકળતા પહેલા તેણે પોતાના જૂતા ઉતારીને સ્ટેજ પર મૂક્યા અને રડતા રડતા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. બજરંગ પુનિયા અને બબીતા ફોગટ સાથે સાક્ષી મલિકે બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે બ્રિજભૂષણના નજીકના સાથી ચૂંટણી જીત્યા બાદ સાક્ષીએ કુસ્તી છોડવાનો નિર્ણય કર્યો છે. મીડિયા સાથે વાત કરતી વખતે સાક્ષીએ રડતાં-રડતાં કહ્યું હતું કે, અમે 40 દિવસ સુધી રસ્તા પર સૂતા રહ્યા અને દેશના ઘણા ભાગોમાંથી ઘણા લોકો અમને સપોર્ટ કરવા આવ્યા હતા. બ્રિજભૂષણ સિંહના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી WFIના પ્રમુખ બન્યા છે તેથી અમને ન્યાયની કોઈ આશા રહી નથી. તેથી હું મારી કુસ્તીનો ત્યાગ કરી રહી છું. હું બ્રિજભૂષણના વફાદારની દેખરેખમાં કુસ્તી નહીં લડી શકું. તેથી હું કુસ્તી છોડી રહી છું.
સાક્ષી મલિકની નિવૃત્તિ બાદ ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે મીડિયાને કહ્યું હતું કે, ભાઈ મારે આની સાથે શું લેવાદેવા છે? તેમણે બે વાર આમ કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમના સાથીઓએ મીડિયાને ત્યાંથી દૂર જવાનું કહ્યું હતું. બ્રિજભૂષણ શરણ સિંહ કૈસરગંજથી ભાજપના સાંસદ છે. ચૂંટણી પહેલાં ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા અને સાક્ષીએ વારંવાર રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરને વિનંતી કરી હતી કે બ્રિજભૂષણ સાથે સંકળાયેલા કોઈપણને WFI ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે. પરિણામે બ્રિજભૂષણના પુત્ર પ્રતીક અને તેમના જમાઈ વિશાલ સિંહે ચૂંટણી લડી ન હતી.
18 જાન્યુઆરીએ ભારતીય કુશ્તીના ત્રણ મોટા કુસ્તીબાજો, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને બબીતા ફોગટે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ શરૂ કર્યો હતો. તેમની સાથે બીજા ઘણા યુવાન કુસ્તીબાજો હતા. કુસ્તીબાજોએ તત્કાલિન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પર જાતીય સતામણી અને છેડતીના આરોપો લગાવ્યા હતા. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કર્યા બાદ કુસ્તીબાજોએ 21 જાન્યુઆરીએ તેમની હડતાળ સમાપ્ત કરી દીધી હતી. બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ એપ્રિલમાં તેનો અહેવાલ સુપરત કર્યો હતો, પરંતુ તેને જાહેર કરવામાં આવ્યો ન હતો. આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે રિપોર્ટમાં બ્રિજ ભૂષણ નિર્દોષ સાબિત થયા છે. 23 એપ્રિલે કુસ્તીબાજો બીજી વખત હડતાળ પર બેઠા હતા.

Related posts

World Cup 2019: West Indies defeats Afghanistan by 23 runs

aapnugujarat

રાશિદ ખાને ઇતિહાસ રચ્યોઃ ક્રિકેટ ઇતિહાસનો સૌથી યુવાન કેપ્ટન બન્યો

aapnugujarat

આઇપીએલ-૧૧ હરાજી : બીજા દિવસે જયદેવ સૌથી મોંઘો ખેલાડી

aapnugujarat
UA-96247877-1