Aapnu Gujarat
બિઝનેસ

ભારતીયોના લીધે દુબઈમાં લક્ઝરી પ્રોપર્ટી માર્કેટમાં ભારે તેજી

ભારતમાં રૂપિયાની કોઈ અછત નથી તેવા લોકોએ દિલ્હી, મુંબઈ, બેંગલોર જેવા શહેરોમાં ઘણી પ્રોપર્ટી ખરીદી છે અને હવે તેઓ દુબઈની રિયલ્ટી માર્કેટમાં પણ તેજી લાવી રહ્યા છે. દુબઈમાં ૧૦ મિલિયન ડોલરથી વધારે વેલ્યૂના લક્ઝરી મકાનોની ખરીદીમાં ભારતીયો આગળ છે. આ વર્ષના નવ મહિનામાં ૧૦ મિલિયન એટલે કે એક કરોડ ડોલરથી વધુ ભાવ હોય તેવી ૨૭૭ પ્રોપર્ટીના સોદા થયા છે અને તેની કુલ વેલ્યૂ ૪.૯૨ અબજ ડોલરને વટાવી ગઈ છે. ભારતના સુપર રિચ લોકોના કારણે દુબઈની લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી છે. નાઈટ ફ્રેન્ક એલએલપીના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામાં પ્રીમિયમ રિયલ્ટી માર્કેટમાં ૧.૬૦ અબજ ડોલરનું રોકાણ થયું છે જેના કારણે લક્ઝરી રિયલ્ટીમાં દુબઈ સૌથી વ્યસ્ત માર્કેટ બની ગયું છે. હવે તે ન્યૂયોર્ક અને હોંગ કોંગ જેવા માર્કેટને ટક્કર આપે તેવી સ્થિતિમાં છે.
અત્યારે દુબઈના લક્ઝરી હોમ્સ માર્કેટમાં જંગી ડિમાન્ડ જોવા મળે છે પરંતુ સપ્લાય ઓછો છે. તેના કારણે આગળ પણ ભાવ વધતા રહે તેવી શક્યતા છે. દુબઈએ વિદેશી મૂડી અને વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે તેની પોલિસીમાં ફેરફાર કર્યા છે. ધનિક લોકો માટે વિઝા પોલિસી લિબરલ બનાવી છે. તેના કારણે પામ આઈલેન્ડ નજીક આવેલા વોટરફ્રન્ટ વિલામાં દુનિયાભરના અબજોપતિઓ રોકાણ કરી રહ્યા છે. તેમાં રશિયાના ઈન્વેસ્ટરો, ક્રિપ્ટો મિલિયનર્સ અને ધનિક ભારતીયો સામેલ છે. ૨૦૦૮માં દુબઈ નાણાકીય સંકટમાં આવી જાય તેવી શક્યતા હતી, પરંતુ તેમાંથી તે સફળતાપૂર્વક બહાર આવી ગયું છે. તે સમયે મોટા ભાગની પ્રોપર્ટી લોન પર ખરીદવામાં આવતી હતી જેના કારણે કેટલાક ડેવલપર્સ પણ બરબાદ થઈ ગયા હતા. પરંતુ હવે ડાઉનપેમેન્ટમાં જંગી રકમ લેવામાં આવે છે. ધનિક લોકો માટે દુબઈમાં પામ જુમૈરા સૌથી ફેવરિટ જગ્યા હતી અને લક્ઝરી હોમ્સના કુલ વેચાણમાં આ રિયલ્ટીનો હિસ્સો ૫૦ ટકા જેટલો હતો. હવે તેની નજીકમાં આવેલા એમિરેટ્‌સ હિલ અને જુમૈરા બે આઈલેન્ડમાં પણ સુપર રિચ લોકો સેકન્ડ હોમ ખરીદી રહ્યા છે. દુબઈમાં જહાજ જેવો શેપ ધરાવતી બુર્જ અલ અરબ હોટેલની નજીક આવેલા વિસ્તારમાં રિયલ એસ્ટેટનો ભાવ બીજી જગ્યાઓ કરતા ૬૨ ટકા ઉંચો ચાલે છે. સ્થિતિ એવી છે કે હવે લક્ઝરી હોમ ખરીદવામાં કેશ બાયર્સની સંખ્યા વધી ગઈ છે.
દુનિયાના બીજા અર્થતંત્રોમાં તાજેતરના રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંચકો લાગ્યો છે. પરંતુ ધનિક ભારતીયો એવા બિઝનેસમાં છે કે તેમને આવી સ્થિતિમાં પણ જંગી કમાણી થઈ રહી છે. તેથી તેઓ પોતાની મૂડી રોકવા માટે બીજા કોઈ પણ દેશ કરતા દુબઈને વધારે પસંદ કરે છે.

Related posts

સેંસેક્સમાં ૩૪૧ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

સેબીની સૌથી મોટી કાર્યવાહી, એનએસઈને ફટકાર્યો ૧૧૦૦ કરોડનો દંડ

aapnugujarat

એર ઈન્ડિયાને બેલઆઉટ પેકેજ આપવા સરકારની વિચારણા

aapnugujarat
UA-96247877-1