Aapnu Gujarat
શિક્ષણ

ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા નિયમો વધારે કડક બનાવ્યા

અમેરિકા અને કેનેડા બાદ ઓસ્ટ્રેલિયા હાયર એજ્યુકેશન માટે ભારતીય વિદ્યાર્થીઓનો ફેવરિટ દેશ છે. જોકે, હવે ઓસ્ટ્રેલિયાએ પોતાના ઈન્ટરનેશનલ એજ્યુકેશન સેક્ટરની પ્રતિષ્ઠાની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે તાકિદે વિઝા લૂપહોલને બંધ કરી દેશે, એટલે કે વિઝા નિયમોમાં રહેલા છીંડાને દૂર કરી દેશે જેની મદદથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસના નામે વિઝા મેળવીને ઓસ્ટ્રેલિયા આવી જતા હોય છે તેથી હવે ભણવાના નામે ઓસ્ટ્રેલિયા જઈને જોબ કરવા કે ત્યાં સ્થાયી થવાનું વિચારી રહેલા ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ફટકો પડશે.
ઓસ્ટ્રેલિયામાં કોનકરન્ટ સ્ટડી એટલે કે સહવર્તી અભ્યાસ નિયમ છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના પ્રાથમિક અભ્યાસની સાથે પૂરક અભ્યાસક્રમોમાં પણ એડમિશન લેવાની મંજૂરી આપે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ શરૂઆતમાં આવા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો દ્વારા પોતાને જોબ માટે તૈયાર કરી શકે તે હેતુંથી આ નિયમ રાખવામાં આવ્યો છે. જોકે, તાજેતરમાં થયેલી તપાસમાં ખુલાસો થયો છે કે ઘણા વિદ્યાર્થીઓ આ નિયમનો દુરઉપયોગ કરી રહ્યા છે. તેઓ બાદમાં તેમના યુનિવર્સિટી પ્રોગ્રામને છોડીને કાયમી ઓછા ખર્ચાળ કોર્સમાં દાખલ થઈ જતા હોય છે. ૨૦૨૩ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કોનકરન્ટ સ્ટડી માટે ૧૭,૦૦૦ એનરોલમેન્ટ નોંધાયા હતા. આ આંકડો ૨૦૧૯ અને ૨૦૨૨ના સમાન સમયગાળા દરમિયાન કુલ ૧૦,૫૦૦ એનરોલમેન્ટ કરતાં ઘણો વધારે છે. આમ હવે આ નિયમ હેઠળ વધુને વધુ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા મેળવતા થયા છે.
આ મુદ્દા અંગે બોલતા એજ્યુકેશન મિનિસ્ટર જેસન ક્લેરે જણાવ્યું હતું કે, આ ફેરફાર લોકોને ’બીજા’ પ્રોવાઈડર્સને તેમના પ્રથમ પ્રોવાઈડર્સ પાસે જરૂરી છ મહિના સુધી અભ્યાસ કરે તે પહેલાં વિદ્યાર્થીઓની નોંધણી કરતા રોકવા માટે કામ કરશે.
આ ફેરફારનો તાત્કાલિક લક્ષ્યાંક એવી પ્રથાઓને ઘટાડવાનો છે જે સંભવિત રીતે દેશની શિક્ષણ ગુણવત્તાને નબળી પાડી શકે છે અને આંતરરાષ્ટ્રીય શિક્ષણના આર્થિક યોગદાન સાથે સમાધાન કરે છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નાણાકીય સુખાકારીને વધુ સુનિશ્ચિત કરવા માટે સરકાર સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન માટે જરૂરી બચતની રકમમાં એડજસ્ટમેન્ટ લાગુ કરશે. ૧ ઓક્ટબરથી અમલી બનનારા નવા નિયમ પ્રમાણે હવે વિદેશી વિદ્યાર્થીઓએ ઉચ્ચ જીવન ખર્ચને ધ્યાનમાં લેવા માટે ૨૪,૫૦૫ ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજીત ૧૨.૯૫ લાખ રૂપિયા) ભંડોળ બતાવવું પડશે જે વર્તમાન સ્તરથી ૧૭ ટકા વધારે છે.
ઓસ્ટ્રેલિયન સરકારની ઝડપી કાર્યવાહી તેના આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રની પ્રતિષ્ઠા અને મૂલ્ય જાળવવા માટેની તેની પ્રતિબદ્ધતા છેખાડે છે.
છટકબારીને બંધ કરીને અને કડક નાણાકીય માપદંડો લાદીને સરકારનો ઉદ્દેશ ઉદ્યોગના ધોરણોને જાળવી રાખવા અને દેશની આર્થિક સ્થિરતામાં યોગદાન આપવાનો છે.
ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી હાયર એજ્યુકેશન માટે ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી શકે છે. ઓસ્ટ્રેલિયા પોતાના એજ્યુકેશનના સ્ટાન્ડર્ડ માટે ઘણું જ સજાગ છે. થોડા સમય અગાઉ ઓસ્ટ્રેલિયાની પાંચ નામાંકિત યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે કડક નિર્ણયો લીધા હતા. આ પાંચ યુનિવર્સિટીઓએ ખાસ કરીને ભારતના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે આકરું વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓના ધ્યાન પર આવ્યું છે કે લગભગ ૬૦ ટકા સ્ટૂડન્ટ્‌સ એડમિશન લીધા બાદ ક્યારેય ભણવા આવતા જ નથી. આવા સ્ટૂડન્ટ્‌સ ઓસ્ટ્રેલિયાના વિઝા લઈને ત્યાં પહોંચ્યા બાદ કોઈ સસ્તી એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈ લેતા હોય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ પર્થની એડિથ કોવાન યુનિવર્સિટીએ પંજાબ અને હરિયાણાના સ્ટૂડન્ટ્‌સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. માર્ચ મહિનામાં વિક્ટોરિયા યુનિવર્સિટીએ યુપી, રાજસ્થાન અને ગુજરાત સહિતના આઠ રાજ્યોના સ્ટૂડન્ટ્‌સને એડમિશન આપવા પર સખ્ત નિયંત્રણ મૂક્યા હતાં.

Related posts

कक्षा-१२ सामान्य प्रवा : अंग्रेजी माध्यम का सबसे अधिक ७४.२० प्रतिशत परिणाम रहा

aapnugujarat

મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો

aapnugujarat

ધોરણ ૧૨ સાયન્સ : વિદ્યાર્થીઓ તેમજ શાળાઓના પરિણામમાં ઘટાડો

aapnugujarat
UA-96247877-1