Aapnu Gujarat
ગુજરાત

છેલ્લાં ૪૮ કલાકમાં અમદાવાદ શહેરમાં ત્રણ હત્યા

અમદાવાદીઓ ઉત્તરાયણમાં લપેટ લપેટની બૂમો પાડી રહ્યા હતા ત્યારે શહેરની ત્રણ અલગ અલગ જગ્યા પર ત્રણ યુવકો બચાવો બચાવોની બૂમો પાડી મોતને ભેટ્યા છે. ઉત્તરાયણમાં અમદાવાદ લોહીથી રંગાયું છે, જેમાં અમરાઇવાડીમાં પત્નીએ પતિની હત્યા કરી છે, જ્યારે જમાલપુરમાં દારૂ પીવા મામલે એક યુવકની હત્યા થઇ છે તો બીજી તરફ બાઇક હટાવવાના મામલે એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો છે.
અમરાઇવાડી વિસ્તારમાં આવેલા આશાપુરીનગરમાં રહેતાં કમળાબેન ચારણે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હેતલ ચારણ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. કમળાબેનનો પુત્ર દીપક કોઇ કામધંધો કરતો નથી અને દારૂ પીવાની ટેવ ધરાવે છે, જ્યારે નાનો દીકરો ચિંતન પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. દીપકના લગ્ન હેતલ સાથે ધાર્મિક રીતરિીવાજ મુજબ થયાં હતાં. ઉત્તરાયણનો તહેવાર હોવાથી વહેલી સવારથી દીપક અને ચિંતન ધાબા પર પતંગ ચગાવવા માટે ગયા હતા, જ્યારે પુત્રવધૂ હેતલ નોકરી પર ગઇ હતી. બપોરે દીપક ક્યાંક બહાર ગયો હતો અને હેતલ નોકરી કરીને ઘરે આવી હતી. દીપક ઘરે આવ્યો ત્યારે તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો અને હેતલ સાથે બબાલ કરવા લાગ્યો હતો. પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો શાંત કરવા માટે કમળાબેન તથા તેમના પતિ પણ દોડી આવ્યા હતા અને દીપકને ઝઘડો નહીં કરવા માટે કહ્યું હતું.
કમળાબેન થોડા સમય પછી પરત આવ્યાં ત્યારે દીપક જમીન પર પડ્યો હતો ત્યારે હેતલે જણાવ્યું હતું કે દીપક મને મારતો હતો ત્યારે મેં તેનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. મારાથી ભૂલ થઇ ગઇ છે, મને ગમે તેમ બચાવી લો તેમ કહી હેતલ સાસુ કમળાબેનને આજીજી કરતી હતી. કમળાબેને તરત જ ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને બોલાવી દીધી હતી, જ્યાં ફરજ પરના કર્મચારીઓએ દીપકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અમરાઇવાડી પોલીસે હેતલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના જમાલપુર વિસ્તારમાં મસ્જિદ નજીક દારૂ પીવાના મામલે એક યુવકની હત્યા થઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમાલપુરમાં રહેતાં સાજિયાબાનુએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે ૧૪ જાન્યુઆરીની સાંજે ઘરે હાજર હતાં ત્યારે સાંજે તેમના ઘર બહાર બૂમાબૂમ થઇ હતી. સાજિયાબાનુના જેઠ ફિરોઝને તેમની ચાલીમાં રહેતા નઇમ શેખ અને તેનો ભાઈ કરીમ શેખ મારી રહ્યા હતા. મારામારી વધતાં બંને ભાઈઓએ ફિરોઝને પેટ તથા શરીરના ભાગે છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન સાજિયાબાનુના પતિ મોહસીન ફિરોઝને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. નઇમ અને કરીમે મોહસીન ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો, જ્યારે સાજિયાબાનુને પણ ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફિરોઝને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નઇમ અને કરીમ મસ્જિદ પાસે દારૂ પી રહ્યા હતા, ત્યારે ફિરોઝે તેમને દારૂ નહીં પીવાનું કહેતા મામલો બચક્યો હતો.
શહેરના ભાર્ગવ રોડ પર રહેતા એક યુવકની ગઇ કાલે હત્યા થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ચિરાગ પાટીલ નામનો વીસ વર્ષીય યુવક ગઇ કાલે માઉન્ટ આબુ ફરી પરત આવ્યો હતો ત્યારે સુમિત શર્મા અને છુન્નુ ચૌહાણ નામના બે શખ્સોએ તેને છરી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ૧૩ જાન્યુઆરીના રોજ ચિરાગ પાટીલના સંબંધી સીડીમાંથી પડી ગયા હોવાથી તે તેમને હોસ્પિટલમાં લઇ જવા માટે ઇકો કાર લઇને નીકળ્યો હતો. દરમિયાનમાં ભાર્ગવ રોડ પર સુમિત શર્મા તેની બાઇક આડી રાખીને ઊભો હતો. ચિરાગે બાઇક હટાવવાનું કહેતાં સુમિતે તેની સાથે બબાલ કરી હતી અને બાઇક નહીં હટે, બાજુમાંથી કાર લઇ જાઓ તેમ કહ્યું હતું. ચિરાગ કોઇ પણ માથાકૂટ કર્યા વગર ત્યાંથી નીકળીને સંબંધીને હોસ્પિટલ લઇ ગયો હતો. હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ ચિરાગ માઉન્ટ આબુ ફરવા માટે જતો રહ્યો હતો. ગઇ કાલે ચિરાગ માઉન્ટ આબુ ફરીને આવ્યો ત્યારે સુમિત અને છુન્નુ તેની રાહ જોઇને બેઠા હતા. ચિરાગ ચાલતાં ચાલતાં ઘર પાસેથી જતો હતો ત્યારે બંને જણાએ છરી ભોંકી દીધી હતી, જેમાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. મેઘાણીનગર પોલીસે આ મામલ બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Related posts

प्रधानमंत्री शहरी आवास योजना : तीन साल में महज ८ फीसदी लक्ष्य ही पूरा किया जा सका

aapnugujarat

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ૮૪ પૈસાનો વધારો

aapnugujarat

વિનયે ૧૭૫ કરોડ બજારમાં રોક્યાની શંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1