રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આજે મહિલા લોક દરબાર યોજાયો હતો. જેમાં ઘરેલુ હિંસાના બનાવોથી મહિલાઓની સમસ્યાઓ વધુ સામે આવી હતી. આ મહિલા લોક દરબારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક મહિલાને ત્યાં દીકરીનો જન્મ થતાં તેને તરછોડી દીધાનું સામે આવ્યું હતું.
મહિલા લોક દરબારમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ શહેરના ભગવતીપરાના વર્ધમાન નગર વિસ્તારમાં રહે છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં તેમના પતિએ તરછોડી મૂકી છે. તેમના લગ્નને બે વર્ષ જેટલો સમય થયો છે. દીકરીના જન્મ બાદ છોડી મૂક્યા હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. આ મહિલાએ કહ્યું હતું કે, અવારનવાર તેમનો પતિ ઘાતક હથિયાર લઈને તેમની પાસે આવે છે અને મારી નાખવાની ધમકી આપે છે. તેમજ તેમને ત્યાં તાજેતરમાં જ બીજી દીકરીનો જન્મ થયો છે. આવામાં તેને પણ ઝેરી દવા આપીને મારી નાખવાની ધમકી આપે છે. પીડિત મહિલાએ રડતાં-રડતાં પોતાની આપવીતી જણાવી હતી. સાથે જ ન્યાય માટે અપીલ કરી હતી.
મહિલા લોક દરબારમાં આવી જ એક અન્ય મહિલાએ કહ્યું હતું કે, મોરબીના એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપી તેમની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બીભત્સ મુવી બતાવી તેમની સાથે અપકૃત્ય કરવામાં આવતું હતું. આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જે રીતે મુવીમાં ગંદી હરકતો થાય છે, તેવી ગંદી હરકતો કરવા પણ એ શખ્સ તેમને મજબૂર કરતો હતો. આ શખ્સે માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ તેમને તરછોડી મૂકી હતી. હવે તેમની જિંદગી બરબાદ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મહિલા લોક દરબારમાં અનેક મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવી હતી, ત્યારે પોલીસે પણ આ મામલે યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.
પાછલી પોસ્ટ